Entertainment

કાજોલની કો-એક્ટ્રેસની ડેડબોડી તેના ફ્લેટમાં લટકતી મળી, લાવારિસની જેમ અગ્નિસંસ્કાર કરાયા

મુંબઈ: ભૂતપૂર્વ એર હોસ્ટેસ અને અભિનેત્રી નૂર માલબીકા દાસની ડેડ બોડી તેના એપાર્ટમેન્ટમાં સડી ગયેલી હાલતમાં મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી છે. જો કે, પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.કતાર એરવેઝની ભૂતપૂર્વ એર હોસ્ટેસ દાસ આસામની હતી અને મુંબઈના લોખંડવાલામાં રહેતી હતી. તે 2023માં કાનૂની ડ્રામા ‘ધ ટ્રાયલ’માં કાજોલની કો-સ્ટાર હતી.

નૂરના મૃત્યુના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પડોશીઓએ ફ્લેટમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ગઈ તા. 6 જૂને, જ્યારે ઓશિવરા પોલીસ લોખંડવાલામાં તેના ફ્લેટ પર પહોંચી ત્યારે તેમને નૂરનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો. પોલીસે તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરંતુ તેના ફ્લેટમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તેઓએ તપાસના ભાગરૂપે તેના ઘરેથી દવાઓ અને મોબાઈલ ફોન સહિતના નમૂનાઓ એકત્ર કર્યા છે.

પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, પંચનામું દાખલ કર્યા પછી પોલીસે નૂરના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના મૃતદેહ લેવા કોઈ આવ્યું ન હતું. પરિવાર ફરી મુંબઈ જઈ શક્યો ન હોવાથી અભિનેત્રીના મિત્ર અને અભિનેતા આલોકનાથ પાઠકે એક NGOની મદદથી તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કથિત આત્મહત્યાની સંપૂર્ણ તપાસ કરવા હાકલ કરી છે.

પરિવાર બે અઠવાડિયા પહેલા જ ગામ પરત ફર્યો હતો
હોવાનું કહેવાય છે કે નૂર અત્યાર સુધી મુંબઈમાં તેના પરિવાર સાથે રહેતી હતી. આ ઘટનાના બે અઠવાડિયા પહેલા જ તેના પરિવારના સભ્યો ગામમાં પરત ફર્યા હતા.

બોલ્ડ વેબસિરિઝમાં કામ કર્યું હતું
32 વર્ષની માલાબીકા આસામની રહેવાસી હતી. તેણે ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થયેલી બોલ્ડ વેબ સીરિઝ જેવી કે ‘સિસકિયાં’, ‘તિખી ચટની’ અને ‘ચરમસુખ’માં કામ કર્યું હતું.

Most Popular

To Top