સુરત(Surat): રશિયા-યુક્રેન યુદ્ધમાં (RussiaUkraineWar) મૃત્યુ પામેલા હેમિલ માંગુકિયાનો (Hemil Mangukia) મૃતદેહ (Deadbody) આખરે 25 દિવસે આજે તા. 16 માર્ચના રોજ સુરત આવી પહોંચ્યો છે. હેમિલ કામની શોધમાં રશિયા ગયો હતો. ત્યાં હેમિલને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે કામ મળ્યું હતું. યુક્રેનના ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતં. આજે જ્યારે તેનો મૃતદેહ સુરતમાં લાવવામાં આવ્યો ત્યારે તેના પરિવારજનો ચોંધાર આંસુએ રડી પડ્યા હતા.
રશિયામાં સારું કામ મળશે તે આશામાં બે મહિના પહેલાં સુરતનો હેમિલ અશ્વિન માંગુકીયા રશિયા ગયો હતો. જોકે, ત્યાં તેને રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે નોકરી મળી હતી. હેમિલ સહિત અન્ય ભારતીય યુવકોને યુક્રેન સામે યુદ્ધમાં લડવા ફરજ પાડવામાં આવી હતી. દરમિયાન યુક્રેન દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું હતું.
હેમિલના મૃત્યુના સમાચાર મળતા સુરતમાં તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. કોઈ રીતે હેમિલનો મૃતદેહ સુરત લાવવામાં આવે તેવી માંગણી પરિવારજનોએ કરી હતી. એમ્બેસી દ્વારા પરિવારને મુતદેહ થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો જવા રવાના થયા હતા.
હેમિલના પિતા અશ્વિનભાઈ, કાકા સહિત ત્રણ જણા હેમિલનો મૃતદેહ લેવા રશિયા રવાના થયા હતા. તેઓ મોસ્કો પહોંચ્યા ત્યાર બાદ જાણ થઈ કે હેમિલના મૃતદેહને હવાઈ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યો છે. દરમિયાન આજે દિલ્હીથી હેમિલનો મૃતદેહ ઇન્ડિગોના કાર્ગો પ્લેનમાં સુરત પહોંચ્યો હતો.
હેમિલનો મૃતદેહ સુરત પહોંચી ગયો હોવાની જાણ થતાં પિતા અશ્વિનભાઈ પણ મોસ્કોથી સુરત આવવા રવાના થયા છે. પિતા આવ્યા બાદ હેમિલના અંતિમસંસ્કાર કરાશે. હાલ હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. પરિવારે કોફિન ખોલી હેમીલનો ચહેરો જોયો, શરીર કાળું પડી ગયેલું છે. રશિયાની પરંપરા પ્રમાણે શૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો છે.