જંબુસર: જંબુસરના (Jambusar) કારેલી (Kareli) ગામે ભારે વરસાદમાં (Heavy Rain) ભેંસો (Buffalo) ચરાવવા ગયેલો યુવાન ગુરૂવારે પાણીમાં ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ (Deadbody) શુક્રવારે મળતા વરસાદી પાણી વચ્ચે ઝોળી બનાવી લાશ લાવવાની નોબત આવી હતી.
- ભારે વરસાદને પગલે જંબુસરનું કારેલી ગામ જળબંબોળ
- ભેંસ ચરાવા ગયેલો 20 વર્ષીય યુવક પાણીમાં ડૂબી મૃત્યુ પામ્યો
- ઑગ્રામજનો લાકડીથી ઝોળી બનાવી મૃતદેહ બહાર લાવ્યા
જંબુસરના કારેલી ગામના જુવાનજોધ 20 વર્ષીય મયંક ગણપતભાઈ પઢિયાર ગુરૂવારે સવારે નિયત ક્રમ મુજબ પોતાની ભેંસો લઈ ભાઠામાં ગયો હતો. ચરવા ગયેલી ભેંસો સાંજે 6 વાગે પરત આવી ગઈ હતી. પણ મયંક નહિ આવતા તેના પરિજનો ચિંતિત બન્યા હતા.
ચરતા ચરતા ભેંસો ભારે વરસાદમાં ભરાયેલા પાણીમાં ઉતરી ગઈ હતી. તળાવ જેવા પાણીમાં ગયેલી ભેંસોને બહાર કાઢવા જતા મયંક ડૂબી ગયો હતો. પરિવારજનો દ્વારા ગ્રામજનોની મદદથી ઢળતી સાંજે ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં યુવાનની શોધખોળ કરાઈ હતી.
રાત પડી જતા પરિવારજનો અને ગામ લોકો પરત ફર્યા હતા. શુક્રવારે સવારથી ફરી ટુકડીઓ બનાવી મયંકને શોધવાનું શરૂ કરાતા તેની પાણીની બોટલ અને લાકડી વરસાદી પાણીમાં તરતી મળી આવી હતી. જે જગ્યાની આસપાસ તપાસ કરતા પાણીમાં નીચે ખુંપી ગયેલ મયંકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ લાકડી વડે ઝોળી બનાવી મૃતદેહને પાણીમાંથી બહાર લઈ આવ્યા હતા. વેડચ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસરના ઈસ્લામપુર ગામે મગર પકડાયો
ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે મગર દેખા દેતાં વન વિભાગની ટીમે મગરને પકડી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તાજ વીજ હાથ ધરી હતી. ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે મહાકાય મગર નજરે પડ્યો હતો. મગર દેખાતાં જ ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગેની જાણ તાબડતોબ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમ દ્વારા 5 ફૂટ લાંબા મગરને પકડી પાડવામાં આવ્યો હતો. જેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.