Charchapatra

નમાજ, રોજા, ઇબાદત અને સખાવતના દિવસો આવી ગયા

સમગ્ર મુસ્લિમ સમાજ જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે ખૂબ જ પાક અને પવિત્ર ગણાતો રમજાન મહિનો શરૂ થઈ રહ્યો છે. રોજો એ માત્ર ભુખ્યા પ્યાસા રહેવું એ મકસદ નથી. રોજો એ આત્મશુદ્ધિ, સંયમ, દયા, કરુણા, એકતા અને અલ્લાહની નજદીક જવાની તક પણ પૂરી પાડે છે. રમજાનના દિવસો બંદગી, માફી, દયા અને સમાજસેવાના દિવસો છે. રમજાન મહિનામાં અમીરમાં અમીર હોય કે ગરીબમાં ગરીબ હોય, બધા એક સમાન, એક સરખા થઈ જાય છે. આ પવિત્ર દિવસો આપણે ખોટા કામો કરતા અટકાવે છે. આ મહિનામાં વાતાવરણ જ અલૌકિક પવિત્ર થઈ જાય છે. મનમાં ખોટા મલિન વિચારો આવતા જ નથી. માણસ બહાર અને અંદરથી પાક પવિત્ર થઈ જાય છે. આ પવિત્ર દિવસો આપણને પ્રેમ, એકતા, સંયમ અને ઈમાનના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તમે જોશો જેમ જેમ તમે રોજા રાખતા જશો, એમ તમારું મન વધુ શુદ્ધ થશે અને હૃદય વધુ ઉદાર બનશે.

તમારા વાણી વર્તનમાંથી કઠોરતા ગાયબ થઈ જશે. આ મહિનામાં આપણે શાંતિ અને ધીરજ રાખતા આપમેળે શીખી જઇએ છીએ. રોજો શરીરના દરેક અંગોને કરવાનો હોય છે. જેથી રોજા દરમિયાન રોજો રાખનાર લોકો બીજા વિશે ખરાબ બોલી શકતા, અરે ખરાબ વિચારી શકતા પણ નથી. કોઇની નિંદા ટીકા કે ગીબત હરામ છે. તેથી આ મહિનામાં મોહલ્લા શેરી અને સમાજમાં શુકુન સુમેળભર્યું આનંદિત વાતાવરણ જોવા મળે છે. જકાત દાન આ મહિનાની ખાસ વિશેષતા છે. તમારી જેટલી આવક હોય એના પર અઢી ટકા તમને આખું વરસ અલગ કાઢવાના હોય છે. આખા વરસ દરમિયાન આવી અલગ કાઢેલી જકાતની રકમ ગુપ્ત રીતે જરૂરીયાતમંદને આપવામાં આવે છે.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top