હરિયાણા સરકારે વીસ જિલ્લાઓમાં દિવાળીના સમયે જ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ જિલ્લાઓ દિલ્હીની નજીક આવેલા છે અને જે જિલ્લાઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે તેમાં ભિવાની, પાનીપત, રેવાડી, રોહતક, ગુરુગ્રામ, ઝજ્જર, જીંદ, કરનાલ, મહેન્દ્રગઢ, નૂહ, ચરખી દાદરી, ફરિદાબાદ, પલવલ અને સોનિપતનો સમાવેશ થાય છે. હવે જ્યારે જ્યારે હિન્દુઓના તહેવાર આવે છે ત્યારે જ સરકાર પ્રદૂષણના મુદ્દે અચાનક ચિંતિત થઇ જાય છે.
હિન્દુ એક સંસ્કૃતિ છે અને હિન્દુઓ તેમની પરંપરા મુજબ તેમના ધર્મ ઉજવે છે અને તેનું પાલન કરે છે પરંતુ દરેક હિન્દુ તહેવારોમાં સરકાર કે કોર્ટની દખલગીરી આવી જાય છે. જે રીતે સરકારનું વલણ છે તે જોતા તો એવું જ લાગે છે કે, દિવાળી જ દેશમાં ફેલાતા પ્રદૂષણ માટે જવાબદાર છે. જ્યારે વર્ષ દરમિયાન ગંભીર રીતે ફેલાતા પ્રદૂષણ સામે કોઇ ધ્યાન આપતું નથી. પર્યાવરણ પ્રત્યે દરેક વ્યક્તિ સજાગ રહે એ ખૂબ જરૂરી છે પરંતુ દિવાળીની સમખામણીમાં ઉદ્યોગો જે પ્રદૂષણ ફેલાવે છે તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. વાયુ પ્રદુષણ કુદરતી અને માનવસર્જીત હોઈ શકે છે.
જો કે વાયુ પ્રદુષણ ફેલાવવામાં માનવસર્જીત પ્રવૃતિઓ જેવી કે જ્વલન, બાંધકામ, ખાણકામ, કૃષિ, અને યુદ્ધનો મહત્વનો ફાળો છે. મોટર વ્હીકલ દ્વારા કરતા દહનને કારણે મહત્તમ વાયુ પ્રદુષણ ફેલાય છે.]ચીન, અમેરિકા, રશિયા, મેક્સિકો, અને જાપાન દહન દ્વારા વાયુ પ્રદુષણ ફેલાવવામાં આ દેશોનો ફાળો મોટો છે. જે મુખ્ય રીતે પ્રદુષણ ફેલાવે છે તેમાં કેમિકલ પ્લાન્ટ, કોલસાનું દહન પાવર પ્લાન્ટ, ઓઈલ રીફાઈનરીઓ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ, પરમાણુ કચરો, પીવીસી(PVC) ફેક્ટરી, ધાતુ નિર્માણ ફેક્ટરીઓ, પ્લાસ્ટિક ફેક્ટરીઓ, અને અન્ય ભારે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. સરકાર કોર્ટના આદેશનું પાલન કરવા માટે એટલી જ કટિબદ્ધ હોય તો તામિલના જલીકટ્ટુ પર હજી શા માટે આંખ પર પાટા બાંધીને બેઠી છે.
અનેક મંદિરોમાં હજી પણ વાલ્મિકી સમાજના લોકોને જવા પર પ્રતિબંધ છે તો તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ હિન્દુઓના તહેવાર આવે ત્યારે જ સરકારી બાબુઓ અને પર્યાવરણવાદીઓનું શેર લોહી વધી જાય છે. જો પર્યાવરણ માટે સરકારી અધિકારીઓ અને પર્યાવરણવાદીઓ એટલા જ જાગૃત હોય તો જે મહાકાય ઉદ્યોગો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવવાની શ્રેણીમાં આવે છે તેની સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી?
બહુ દૂર જવાની જરૂર નથી સુરતની જ વાત કરીએ અહીં 43 જેટલી તપેલા ડાઇંગ ધમધમી રહી છે. જેની પાસે સીઇટીપી જે મીલોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીને પહેલા ટ્રીટ કરે છે અને પછી તેને કુદરતી સ્ત્રોતમાં છોડવામાં આવે છે. આ સીઇટીપી પ્લાન્ટ નહીં હોય તો ડાઇંગ મિલને મંજૂરી મળતી નથી. તો ધરાર પ્રદુષણ ઓકતી આ 43 તપેલા ડાઇંગ કોના આશિર્વાદથી ધમધમી રહી છે. આવી મિલો બંધ કરાવવામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓના હાથ શા માટે ધ્રુજે છે. આખુ વર્ષ પ્રદૂષણ મુદ્દે નોટિસ ફટકારવા સિવાય કોઇ કાર્યવાહી નહીં કરતાં સરકારી બાબુઓને દિવાળીના સમયે જ પ્રદૂષણની કેમ યાદ આવી જાય છે તે વાત સમજની બહાર છે.
હિન્દુઓના અન્ય તહેવારની વાત કરીએ તો ગણેશોત્સવ, દુર્ગાપૂજા, દશામાં અને નવરાત્રિમાં પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. વર્ષોથી તેનું વિસર્જન કુદરતી સ્ત્રોતોમાં થતું આવ્યું છે. થોડા વર્ષો પહેલા આ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની બનતી હતી. પીઓપીની મૂર્તિઓ કુદરતી સ્ત્રોતમાં પીગળતી નહીં હોવાથી માટીની મૂર્તિ માટે દર વર્ષે જાહેરનામું બહાર પડે છે. ખાસ બાબત એ છે કે, આ મુદ્દે કોઇ કાયદો બન્યો નથી આ ફક્ત જાહેરનામું જ છે તેમ છતાં પ્રદૂષણના મુદ્દે સજાગ ગણેશભક્તોએ આ જાહેરનામાનો સહર્ષ સ્વિકાર કરી લીધો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી મોટાભાગના મંડળો માટીની મૂર્તિની સ્થાપના કરી રહ્યાં છે.
પરંતુ નદીઓમાં તેના વિસર્જન પર પ્રદૂષણના નામે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કૃત્રિમ તળાવમાં શ્રીજી કે માતાજીની મૂર્તિનું વિસર્જન નથી થતું પરંતુ નિકાલ કરવામાં આવે છે તેવી અનુભૂતિ દરેક ગણેશ ભક્ત કરે છે અને કૃત્રિમ તળાવ નહીં હોય તો મૂર્તિઓ રઝળતી મૂકવા માટે ભક્તો મજબૂર બને છે. જ્યારે ગણપતિનો તહેવાર આવે ત્યારે જ સરકારી અધિકારીઓમાં અચાનક જોમ આવી જાય છે. એનું કારણ એ છે કે, હિન્દુઓ અન્યાય સામે અવાજ ઉઠાવતા નથી.
હિન્દુઓને નદી કેટલી પવિત્ર છે તેનું જ્ઞાન આપવાની કોઇ જરૂર એટલા માટે નથી કારણ કે, હિન્દુસ્તાન જ એવો દેશ છે જ્યાંના લોકો નદીઓને માતા કહીને બોલાવે છે. બાકી આફ્રિકા ખંડની નાઇલ નદીને નાઇલ માતા, દક્ષિણ અમેરિકામાંથી પસાર થતી એમેઝોન નદીને એમેઝોન માતા, અમેરિકાની મિસિસિપીને મિસિસિપી માતા, ચીનની સૌથી મોટી નદી યાંગત્સે ક્યાંગ કે યાંગ્તસે માતા કે પછી રશિયાની યેનિસે અને સેલેન્ગા નદીને યેનિસે કે સેલેન્ગે માતા કોઇએ કીધું હોય તેવું હજી સુધી સાંભળવામાં આવ્યું નથી. હિન્દુ ધર્મ અને નદી એક બીજાના પૂરક છે અને તેના માટે જ હિન્દુઓ નદીઓને માતા કહે છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામ તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જેને હિન્દુ ધર્મની સૌથી મોટી ચાર ધામ યાત્રામાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે હિન્દુનો નદીઓની પવિત્રતા અને તેની જાળવણી માટે ધાર્મિક રીતે પણ કટિબદ્ધ છે જ. એટલે તેમને પ્રદૂષણના નિયમો સમજાવવાની જરૂર નથી.
જો પ્રદૂષણ અટકાવવું જ હોય તો દરેક સ્તરે અટકાવવું જોઇએ. જો હિન્દુઓ હવે તેમના તહેવારોમાં સરકારી દખલગીરી અટકાવશે નહીં તો નદીઓમાં અસ્થિ પધરાવવા પર પણ પ્રતિબંધ આવી જાય તે દિવસ હવે દૂર નથી. અન્ય તહેવારોની વાત કરીએ તો આઠમમાં મટકી ફોડવાની પરંપરા છે તેમાં પણ હવે ઊંચાઇના મુદ્દે સરકારની દખલગીરી છે. નવરાત્રિમાં પહેલા લોકો રાત્રે બે થી ત્રણ વાગ્યા સુધી ઝુમતા હતા પરંતુ હવે તેમાં પણ સમય મર્યાદા છે. કાળી ચૌદસની રાત્રે હિન્દુઓ પરંપરા મુજબ ચાર રસ્તા પર વડાનો નૈવેદ્ય મૂકવા જાય છે તેની સામે પણ કેટલાક તકવાદીઓને વાંધો છે.
ચાણક્યએ કહ્યું છે કે ભૂમિ પર કોઇનો કબજો થઇ જાય તો કોઇ દેશ હારતો નથી પરંતુ જ્યારે તેની સંસ્કૃતિ પર કબજો થઇ જાય ત્યારે તેને કોઇ બચાવી પણ શકતું નથી. અને હિન્દુઓ તેમની સંસ્કૃતિ યેન કેન પ્રકારે ગુમાવી રહ્યાં છે. પશ્વિમિ દેશોની સંસ્કૃતિ ધીમે ધીમે હિન્દુઓ પર હાવી થઇ રહી છે. ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઇન ડેની બોલબાલા વધી રહી છે જ્યારે હોળી દિવાળીની ઉજવણીમાં પર્યાવરણવાદીઓ કૂદી પડે છે. મંદિરોમાં પણ ભગવાનની સાલગીરીમાં પ્રસાદરૂપે લાડુ ચઢાવવાના બદલે કેક કાપવામાં આવી રહી છે. આ સ્થિતિ શું છે તેના પર હિન્દુોએ જાતે જ મનોમંથન કરવું પડશે.