Comments

સ્વચ્છતા અભિયાનની નિષ્ફળતા સાથે ઊગે છે ગુજરાતી નવા વર્ષનું પ્રભાત

વિક્રમ સંવત ૨૦૮૨ ની હાર્દિક શુભેચ્છાઓ. આમ તો નવું વર્ષ આવે એટલે ઘર, ફળિયાં અને શહેર ચોખ્ખાં થાય. શણગાર થાય, રોશનીથી ઝગમગી ઊઠે! પણ ગુજરાતમાં નવી શહેરી વ્યવસ્થામાં નવા વર્ષનું પ્રભાત વ્યાપક કચરો અને ગંદકીથી શરૂ થાય છે અને શહેરની સ્વચ્છતાના ચારે બાજુ ચીંથરાં ઊડી જાય છે. ચારે બાજુ પથરાયેલા ફટાકડાના ફુરચા એ ખરેખર તો આપણી જાહેર નિસ્બતના ફુરચા છે. સફાઈ એ આપણી પ્રાથમિકતા જ નથી. અત્યંત આધુનિક ઉપકરણો વાપરતી પ્રજા પરમ્પરાવાદી  અને જડ છે એટલે નવા વર્ષના પ્રભાતે બધા જ પોતાના ઘરના જુના માટલા ચાર રસ્તા પર મૂકી આવે છે અને તોફાની બારકસો આ જ માટલામાં બોમ્બ મૂકી ફોડે છે અને ચારે તરફ માટલાની કરચો ઊડે છે. અનેકનાં માથાં ફૂટવાના બનાવ પણ બને છે પણ વિકૃત આનંદ લેનારાં આ જોઇને પણ હસતાં હોય છે. આવી બેદરકારીથી ફટાકડા ફોડવાની ના પાડવાના કારણે થયેલા હિંસક બનાવોમાં પંદર જણાએ જીવ ગુમાવ્યા છે તે નવા વર્ષની હિંસક બોણી છે. હવે  આપણા યુવાન ગૃહમંત્રી કેવાં કડક પગલાં લે છે તે તો નવું વર્ષ જ બતાવશે.

સફાઈ અભિયાન એ વડા પ્રધાન શ્રીનું એક મોટું અભિયાન હતું. જો કે તે જાહેરાતના ફોટાની બહાર કદી નીકળ્યું જ નહીં. ભારતના આર્થિક, સામાજિક વિકાસને અવરોધનારું મોટું પરિબળ એ કામની જાતિ આધારિત અને જ્ઞાતિ આધારિત વહેંચણી છે. આ કામ ભાઈઓનું અને આ કામ બહેનોનું. આ કામ સવર્ણ કરે અને આ કામ અવર્ણ કરે. દલિતોને મંદિરમાં પ્રવેશવા નથી દેતાં તે કરતાં પણ મોટી વાત એ છે કે એક પણ ઉચલી જ્ઞાતિનો વ્યક્તિ જાહેર સફાઈ માટે સાવરણી હાથમાં નહીં પકડે તે છે. આખી સોસાયટીમાં ગટરનાં પાણી ફેલાય પણ કોઈ માઈનો લાલ તેમાં સળી માત્ર નહીં કરે. ભારતમાં ઘરની સફાઈ સ્ત્રીઓએ જ કરવાની અને જાહેર સફાઈ દલિતોએ જ કરવાની એ રૂઢિ એકવીસમી સદીનાં પચ્ચીસ વર્ષ પછી પણ ચાલુ જ છે.

એટલે દિવાળી પહેલાંની ઘરની સફાઈ માત્ર બહેનોની જવાબદારી અને દિવાળી પછી ગંદા થયેલા આખા શહેરને સાફ કરવાની જવાબદારી માત્ર સફાઈ કામદારોની. એટલે આપણે સૌ દિવાળી પછી જો સફાઈ કામદારોને બોણી આપીએ છીએ તો તે બોણી કે બોનસ નથી. આપણે સર્જેલા વ્યાપક કચરાને સાફ કરવાનો ઓવરટાઈમ ચૂકવીએ છીએ.સુધારવું પડશે સરકારે અને લોકોએ બન્નેએ. ઘરના કચરા ને  જૂનાં માટીનાં વાસણોને યોગ્ય રીતે નિકાલ કરવાનું રાખો. નવા વર્ષે રસ્તા ઉપર મૂકી દેવાની ટેવ બંધ કરો. દરેકે પોતાના આંગણામાં જે ફટકડા ફોડ્યા હોય તેનાં ખોખાં કે કરચો ભેગી કરીને ઢગલો જાતે જ કરી રાખવો જોઈએ જેથી કચરાની ગાડી આવે તો સરળતાથી તે લઈ જાય.

આજે દુનિયા આપણને જોઈ રહી છે. ઇવન આપણાં સંતાનો પણ પરદેશથી પાછાં આવે છે ત્યારે આપણી ટીકા કરે છે કે આવી ગંદકી હવે તો ના કરો. સ્કૂલમાં રામાયણ ભણાવો, મહાભારત ભણાવો, યોગ, લશ્કરી તાલીમ ફરજીયાત કરોના નારા વચ્ચે નાગરિક શાસ્ત્ર ભણાવો એ નારો સંભળાતો નથી.  હવે તો ગામડાં પણ પ્લાસ્ટીકના કચરાથી ઉભરવા લાગ્યા છે. પહેલાં ગામડું એટલે ચોખ્ખું એવી છાપ હતી પણ હવે તો દરેક ગામના પાદરમાં પ્લાસ્ટીકના ઝભલાના ઉકરડા હોય છે. સફાઈ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ અને નેતાઓના ફોટા પૂરતો મજાક બની ગયો છે. આ નવા વર્ષમાં આપણે તેને ખરા અર્થમાં સફળ બનાવીએ. સફાઈ ના કરો તો કાંઈ નહિ ગંદકી તો ના કરો! આટલી સાદી વાત આપણે સમજતાં નથી. આવું કેમ? કારણકે જાહેર ગંદકી માટે આપણને સૂગ નથી, નિસ્બત નથી, રાષ્ટ્રને ચોખ્ખું રાખવું તે પણ રાષ્ટ્રપ્રેમ જ છે તેવી સાદી વાત આપણને સમજાતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top