નિર્દેશક રોહિત શેટ્ટીએ રિયાલીટી શો ‘ખતરોં કે ખિલાડી ૧૨’ માં TV પરની વહુઓને ખેલાડી બનાવી દીધી છે. પહેલી વખત સિરીયલોની વહુઓ સ્પર્ધક બનીને સ્ટંટ કરતી દેખાય છે. જોકે એ માટે એમને એક એપિસોડના રૂ.૧૦ થી ૧૫ લાખ મળી રહ્યા છે. ‘બિગ બૉસ’ ની વિજેતા રહી ચૂકેલી અને ‘નમક ઇસ્ક કા’ ની અભિનેત્રી રૂબીના દિલેક છેલ્લે સુધી રહીને ટ્રોફીની દાવેદાર બનશે એમ લાગી રહ્યું છે. પહેલા એપિસોડમાં સિંહણની જેમ ટાસ્ક જીતીને રૂબીનાએ આ વાતનો અંદાજ આપી દીધો છે. રૂબીના સાથે ‘કુમકુમ ભાગ્ય’ ની સૃતિ ઝાએ મગર સાથે સ્ટંટ કરીને પોતાને મજબૂત ખેલાડી સાબિત કરી દીધી છે.
રોહિતને કલ્પના ન હતી કે સિરીયલની વહુઓ આવી હિંમત કરશે. સૃતિએ ગળામાં સાપ સાથે દોરડા પર બેલેન્સ કરીને પોતાનો પરિચય આપી દીધો હતો. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં કામ કરનાર શિવાંગી જોશી સ્વિમિંગ જાણતી ન હોવા છતાં સ્ટંટ પૂરો કરીને પ્રભાવિત કરી ગઇ હતી. આ વખતે સોશ્યલ મિડીયાની સ્ટાર ગણાતી જન્નત પણ છે. રોહિતે દુનિયાના સૌથી સુંદર ગણાતા કેપટાઉનમાં શો શરૂ કર્યો છે પણ ખેલાડીઓ માટે એ જગ્યા સૌથી ખતરનાક સાબિત થઇ રહી છે. સ્પર્ધકોનું શરૂઆતમાં મનોરંજન કરવા સાથે રોહિતે કહ્યું હતું કે,’બચ કે કહાં જાયેગા, ખતરા કહીં સે ભી આયેગા’ અને સલાહ આપી હતી કે,’આપ કો ચોંકના નહીં હૈ, ચોકન્ના રહેના હૈ.’
રોહિતે પહેલા એપિસોડમાં છેલ્લી વખત સ્પર્ધકોને પૂછી લીધું હતું કે કોઇ તકલીફ નથી ને! એણે સ્પર્ધકોની તકલીફ વધારવા એક અઠવાડિયાને ‘અત્યાચાર વીક’ જાહેર કર્યું છે. જેમાં અત્યાર સુધી ના કર્યા હોય એવા સ્ટંટ ગોઠવ્યા છે. જે જોઇને દર્શકોને સ્પર્ધકોની દયા આવી જશે. રોહિતનો શો ‘બિગ બોસ’ ના સ્પર્ધકો પર વધારે આધારિત લાગી રહ્યો છે. પ્રતિક અને નિશાંતની ‘બિગ બોસ’ ની જોડીની લોકપ્રિયતા વટાવવાનો પણ પ્રયત્ન થયો છે. બંને એકબીજાના વિશે એમના પરિવાર કરતાં વધારે જાણતા હોવાનું રોહિતે રહસ્ય ખોલ્યું હતું. જ્યારે નિશાંતે પ્રતિક સહજપાલ માટે કહ્યું હતું કે તે ઘણા રિયાલિટી શોમાં કામ કરી ચૂક્યો છે. પણ ટ્રોફી નહીં છોકરીઓનું દિલ જ જીતે છે. આ વખતે જે જીતશે તેણે બહુ કઠિન પરીક્ષાઓ પાસ કરવી પડશે એ નક્કી છે.