ભારતના બ્રાહ્મણ પંડિતો દિવાળીની તિથિ બાબતમાં ગોટાળા કરતા હોવાથી હમણાં હમણાં લગભગ દર વર્ષે દિવાળીની ઉજવણી ક્યારે કરવી? તે બાબતમાં ભાંજગડ થાય છે અને છેવટે દિવાળી અને નવા વર્ષ વચ્ચે ધોકો આવી જાય છે. આ વર્ષે દિવાળી ક્યારે ઉજવવામાં આવશે તે અંગે ઘણાં લોકો હજુ પણ મૂંઝવણમાં છે. હજુ સુધી ઘણાં લોકો નક્કી કરી શક્યાં નથી કે દિવાળી ૩૧મી ઓક્ટોબરે મનાવવામાં આવશે કે ૧લી નવેમ્બરે. પંચાંગ મુજબ આ વર્ષે આસો મહિનાની અમાવસ્યા ૩૧ ઓક્ટોબરે બપોરે ૩.૫૨ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે ૧લી નવેમ્બર સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. તેથી, અમાવસ્યા તિથિ બંને દિવસે રહેશે. તિથિની ઉજવણીનો સામાન્ય નિયમ છે કે સૂર્યોદયના સમયે જે તિથિ પ્રવર્તમાન હોય તે મુજબ તિથિની ઉજવણી કરવી.
જો આ નિયમ મનાય તો ૧લી નવેમ્બરે સૂર્યોદયના સમયે અમાવસ્યા તિથિ હશે, માટે દિવાળીની ઉજવણી ૧લી નવેમ્બરે જ કરવી ઉચિત છે. જો આ રીતે દિવાળી ઉજવાય તો કોઈ પડતર દિવસ કે ધોકો આવતો નથી, પણ ૩૧ તારીખે જો દિવાળી ઉજવાય તો પડતર દિવસ આવે છે. જો ૩૧ તારીખે દિવાળીની ઉજવણી કરાય તો દિવાળી ઉપરાંત વાક્ બારસ, ધનતેરસ અને કાળી ચૌદસની તારીખો પણ ફેરવાઈ જાય છે. પંચાંગ મુજબ વાક્ બારસ મંગળવારે છે, ધનતેરસ બુધવારે છે, કાળી ચૌદસ ગુરુવારે છે અને અમાસ શુક્રવારે છે.
પરંતુ ૩૧ તારીખે કે ગુરુવારે દિવાળી માનવાથી વાક્ બારસ સોમવારે, ધનતેરસ મંગળવારે અને કાળી ચૌદસ બુધવારે આવી જશે. આ રીતે ૩૧ તારીખે ગુરુવારે દિવાળી મનાવવાથી દિવાળીને લગતાં ત્રણ તહેવારો ખોટી ઉદયતિથિ મુજબ ઉજવાશે. જ્યોતિષી ડૉ. શ્રીપતિ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ૧લી નવેમ્બરે અમાવસ્યા તિથિ પ્રદોષ અને નિશિતા કાળને સ્પર્શતી નથી, જ્યારે ૩૧મી ઓક્ટોબરે અમાવસ્યા તિથિ પ્રદોષ કાળથી નિશિતા કાળ સુધી પ્રચલિત રહેશે. દિવાળીનો તહેવાર શ્રીરામ અયોધ્યામાં પાછા ફર્યા તેના માનમાં ઉજવાય છે. અયોધ્યામાં દિવાળીનો તહેવાર ૧ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે, જ્યારે કાશીના પંડિતોના મત મુજબ ૩૧મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરાશે.
કાશીના પંડિતો વિચિત્ર વાત કરે છે કે દેવી લક્ષ્મી અને કાલિની દિવાળીની પૂજા પ્રદોષ કાળ પછી કરવામાં આવતી હોવાથી દિવાળીની પૂજા ૩૧ ઓક્ટોબરે કરવામાં આવશે અને તે જ દિવસે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે. જે લોકો દિવાળી પર કાલિની પૂજા કરે છે તેઓ પણ ૩૧મી ઓક્ટોબરના રોજ પોતાના ઘરે દિવાળી ઉજવશે અને તે જ દિવસે દેવી કાલિની પૂજા કરશે. તેમના કહેવા મુજબ જે લોકો અમાવસ્યા તિથિ પર દાન, સ્નાન અને અન્ય પૂજાઓ કરે છે તેમણે ૧લી નવેમ્બરે આ વસ્તુઓ કરવી જોઈએ. આવું કહેવાનું કારણ છે કે દાન, સ્નાન, પૂજા વગેરે વિધિ સવારના સમયે જ કરવાની હોય છે.
હવે ૩૧ તારીખે સવારે તો ચૌદસ તિથિ હોય છે, માટે ચૌદસના સવારે દાન, સ્નાન, પૂજા વગેરે કરવાથી અમાવસ્યા તિથિનું ફળ મળતું નથી. આ કારણે કાશીના પંડિતો દાન, સ્નાન, પૂજા વગેરે તો શુક્રવારે જ કરવાનું કહે છે. આવી કઢંગી વાતો કરવાને કારણે લોકોના મનમાં ગેરસમજણ થાય તે સ્વાભાવિક છે. તેના બદલે જો તમામ તિથિઓ સૂર્યોદયના સમય મુજબ ગોઠવી દેવાય અને તે મુજબ ક્રિયાકાંડ કરાય તો કોઈ શંકા રહેતી નથી.
વાચકોને યાદ હશે કે બ્રાહ્મણ પંડિતો દ્વારા તિથિ બાબતમાં ગરબડ કરવાને કારણે ચાલુ વર્ષે દશેરાની તિથિમાં પણ ગરબડ કરી દેવાઈ હતી. આ વર્ષે આસો સુદ ત્રીજ બે હતી, જેને કારણે નવરાત્રિમાં નવને બદલે દસ દિવસો આવતા હતા. તે મુજબ જો ગણવામાં આવે તો નવરાત્રિના પહેલા દિવસથી ગણતરી કરતાં દશેરા દસમા નહીં પણ અગિયારમા દિવસે આવતા હતા, પણ પંડિતો દ્વારા તેમાં પણ ગરબડ કરવામાં આવી હતી. તેમણે દસમા દિવસે જ દશેરા ઉજવવાનો ફતવો બહાર પાડ્યો હતો, જેને કારણે નોમના ખોટા દિવસે દશેરાની ઉજવણી થઈ હતી.
દિવાળી જેમ હિંદુનો તહેવાર છે, તેમ જૈનોનો પણ તહેવાર છે. જૈન ધર્મના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું નિર્વાણ આસો વદ અમાસના મધ્યરાત્રિના થયું હતું, જેને કારણે જૈનો આસો વદ અમાસના દિવાળી ઉજવતા હોય છે. આ વખતે હિંદુ લોકો આગળ ચર્ચા કરી તે મુજબ દિવાળી ચૌદસના ગુરુવારે ઉજવવાના છે, માટે જૈનોને પણ દિવાળી ચૌદસના કરવી પડશે. તેનું કારણ છે કે શ્રી ઉમાસ્વાતિ નામના મહાન જૈનાચાર્ય સદીઓ પહેલાં કહી ગયા હતા કે દિવાળીની ઉજવણી લોકો કરે તે મુજબ કરવી. આ કારણે ગુરુવારે ચૌદસ હોવા છતાં જૈનોને તે દિવસે દિવાળી ઉજવવી પડશે.
જૈનો દિવાળી પછીના દિવસે ગણધર શ્રી ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનની ઉજવણી પણ કરતાં હોય છે. આ ઉજવણી સળંગ થતી હોય છે, પણ આ વખતે તેમાં પણ ફેરફાર કરવો પડશે. જૈનો દિવાળીની ઉજવણી ગુરુવારે કરશે, પણ ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનને અનુલક્ષીને જે વિધિ કરવામાં આવતી હોય છે તે તો શનિવારે જ કરશે. ધનતેરસ આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે તેરસ ૩૦ ઓક્ટોબર બુધવારના છે, પણ કાશીના પંડિતોના કહેવા મુજબ ધનતેરસ ૨૯ ઓક્ટોબર મંગળવારના રોજ ઉજવવામાં આવશે, કારણ કે કાળી ચૌદસ બુધવારે ઉજવવાની છે.
આ દિવસે સોના-ચાંદીનાં ઘરેણાં અને નવાં વાસણો ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ધનતેરસનો તહેવાર ભગવાન ધન્વંતરીની જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનના દેવતા કુબેરજીની સાથે સાથે ધનનાં દેવી લક્ષ્મી અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના શુભ અવસરે ઘરમાં નવી સાવરણી અને ધાણા લાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વર્ષભર ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને આશીર્વાદ વરસાવે છે.
કારતક મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તારીખે છોટી દિવાળી ઉજવવામાં આવે છે. તેને કાળી ચૌદસ કે નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ વખતે ચતુર્દશી ૩૧ તારીખે ગુરુવારે છે, પણ કાશીના પંડિતો દ્વારા કરાતા ખોટા નિયમોને કારણે છોટી દિવાળી ૩૦ ઓક્ટોબરે ઉજવવામાં આવશે, જે દિવસે તેરસ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની જન્મજયંતી પણ મનાવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન યમના નામનો દીવો પણ દક્ષિણ દિશામાં પ્રગટાવવામાં આવે છે. તેમજ આ દિવસે હનુમાનજીને બુંદીના લાડુ અને ચોલા ચઢાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગોવર્ધન પૂજા દિવાળીના બીજા દિવસે થાય છે. તેને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળી ૩૧મી તારીખે ઉજવવાની હોય તો ગોવર્ધન પૂજા ૧લી નવેમ્બરે થવી જરૂરી છે, પણ કાશીના પંડિતો દ્વારા ગણતરીમાં કરાતી ગરબડને કારણે ૨જી નવેમ્બરે ગોવર્ધન પૂજા કરવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં, ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વતને તેમની એક આંગળી પર ઉપાડીને ભારે વરસાદથી મથુરાનાં તમામ લોકોની રક્ષા કરી હતી. ત્યારથી આ તહેવાર દર વર્ષે ગોવર્ધન પૂજા તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને અન્નકૂટ પણ ચઢાવવામાં આવે છે. ભાઈબીજ એ દિવાળીના મહાન તહેવારનો છેલ્લો દિવસ છે. કારતક માસના શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે નવું વર્ષ ૨જી તારીખે હોવાથી ભાઈબીજ ૩જી નવેમ્બરે સાચી તિથિ મુજબ ઉજવવામાં આવશે. તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે યમુનાએ સૌ પ્રથમ પોતાના ભાઈને તિલક લગાવ્યું હતું. ત્યારથી, દર વર્ષે આ શુભ અવસર પર બહેનો તેમના ભાઈઓને તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.