Charchapatra

ગ્રાહક બિચારો જ રહ્યો છે, રાજા ક્યારેય  થયો નથી

ગત 15ના રોજ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી થઈ. ઘણી સુફિયાણી વાર્તા થઈ. એમ કહેવાયું કે ગ્રાહક બજારનો રાજા છે. આ બિલકુલ અસત્ય છે. ગ્રાહકનો બજારમાં ક્યારેય અબજ રહ્યો નથી. રૂા. 1500 ની કિંમતે મળતો તેલનો ડબ્બો જોતજોતામાં રૂા. 3100 નો થઈ જાય, રૂા. 35000નું સોનું સડસડાટ રૂા. 60,000 પહોંચે, લીંબુનો ભાવ અચાનક રૂા. 200 તેમજ મિઠાઈ રૂા. 400 થી રૂા. 700 ના ભાવે વેચાણ થાય. ગ્રાહક લાચાર જ છે. માંદગી સારવારમાં અને દવા ખર્ચમાં બેફાટ લૂંટ ચાલે છે.

નિષ્ણાત તબીબની સલાહ ફી રૂા. 500 કરે રૂા. 700 અને દવાનો તેમજ સોનોગ્રાફીનો ખર્ચ અલગ. મધ્યમ વર્ગ માટે જીવવું આકરું થઈ પડે તેટલી હદે શિક્ષણ ફી, ટયુશન ફી તેમજ પુસ્તક ખર્ચમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. રાજા હોય તો ભાવઘટાડાનો આદેશ કરવાની સત્તા ધરાવનાર રાજ્ય લોકોત્સવ, લોકાર્પણ અને ઉદ્દઘાટનના કાર્યક્રમમાં કરોડોનો ખર્ચ કરીને સંતુષ્ટ છે. ભડકે બળતી મોંઘવારીથી પિસાતી પ્રજા માટે રાજ્યને કોઈ ચિંતા નથી. રાજ્ય પાસે કાયદાઓ છે. રાજ્યસ્તરનું પુરવઠા તંત્ર હોય છે. રાજ્યને પ્રજાને મોંઘવારીના ભરડામાંથી છોડાવવા ક્યો ખંચકાટ થતો હશે તે સમજી શકાતું નથી.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગ્રાન્ટેડ શાળાઓનું અચ્યુતમ
શિક્ષણ નીતિમાં આગામી વર્ષમાં કેટલાક ફેરફાર આવી રહ્યા છે અને તેની શરૂઆત આગામી 27/04/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પરીક્ષાના આયોજન થકી શરૂ થશે. શિક્ષણ ક્ષેત્રે પીપીપી (PPP) ધોરણે જ્ઞાન શક્તિશાળા, જ્ઞાનસેતુશાળા, રક્ષા શક્તિશાળા શરૂ થવા જઈ રહી છે. આને કારણે સમગ્ર ગુજરાતમાં આશરે 1,00000 જેટલા વિદ્યાર્થીઓ આવી PPP ધોરણની શાળાઓમાં પ્રવેશ મેળવશે. આની સીધી અસર ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યા પર પડશે. કારણકે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ મેળવતા શિક્ષણ સમિતિની શાળાઓ જિલ્લા પંચાયતની શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે.

તેને કારણે ગ્રાન્ટેડ વર્ગો બંધ થશે અને શિક્ષકો તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ ફાજલ થશે એ શક્યતા નિવારી શકાય એમ નથી. આમ પણ કેટલાંક વર્ષોથી નિયમિત શિક્ષકોની ભરતી થતી નથી. પ્રવાસી શિક્ષકો અને એડહોક શિક્ષકોથી ગાડું ચલાવવામાં આવે છે. શિક્ષણ એ રાજ્ય સરકારની જવાબદારી છે પરંતુ દર વર્ષે શિક્ષણ માટેનું બજેટ ઘટતું જાય છે. સ્વનિર્ભર શાળાઓને મંજૂરી આપવાનું પ્રમાણ વધતું જાય છે. ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાનું બંધ થઈ ગયું છે. હયાત ગ્રાન્ટેડ શાળામાં મહેકમ પણ ઘટાડવામાં આવી રહ્યું છે. સમાજના સખી દાતારોના દાન પર નભતી ગ્રાન્ટેડ શાળાઓને આની સીધી અસર થશે. જ્ઞાનશક્તિ, જ્ઞાનક્ષેત્રની પીપીપી ધોરણની શાળાઓમાં જ્ઞાનશક્તિ, જ્ઞાનસેતુ વગેરે હેઠળની પીપીપી ધોરણની શાળાઓમાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 પણ સરકાર આપશે.

આનો લાભ ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછો અથવા તો નહીંવત્ મળશે. આગામી યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ ધોરણ છ (6) માં પ્રવેશ માટે પરીક્ષા આપશે. આવી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થી મેળવવામાં મુશ્કેલી વધારશે. આવી મુશ્કેલી ન થાય, ગ્રાન્ટેડ શાળાઓ બંધ ના થાય, શિક્ષકો કર્મચારીઓના ફાજલ થવાની શકયતાઓ અટકાવવી હોય તો શાળાઓને આવી નવી નીતિ મુજબની જ્ઞાનસેતુ, જ્ઞાનશક્તિ જેવી શાળાઓમાં બદલી શકાય એ માટે શકયતાઓ ચકાસવી રહી અને જરૂરી મંજૂરી માટે નિયમ પણ બનાવી શકાય એ દિશામાં લાગતાવળગતા સત્તાધીશોએ વિચારવું રહ્યું.
સુરત     –  મયંક સુમંતરાય ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top