પહેલા આખા વર્ષ દરમ્યાન વિશ્વના કોઈક સ્થળે ક્રિકેટ ટેસ્ટ મેચની એકાદ સિરીઝ રમાતી, હવે તો બારે માસ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ મૅચો રમાતી જ રહે છે અને તેનું જીવંત પ્રસારણ ટી વી પર થતું હોય છે એટલે કરોડો માણસો પોતાના કિંમતી સમયનો બગાડ કરીને આ મૅચોના જીવંત પ્રસારણ જોવા પાછળ પોતાના અમૂલ્ય અને કિંમતી સમય બરબાદ કરે છે, જે દેશ માટે પણ અહિતકર છે. બીજું હાલમાં રમાતી ક્રિકેટની મૅચોએ સંપૂર્ણપણે ધંધાકીય સ્વરૂપ ધારણ કરી લીધુ છે.
દરેક મેચ કોઈકને કોઈક કંપની સ્પોન્સર કરતી હોય છે અને જે કંપની સ્પોન્સર કરતી હોય તે જેટલી કિંમત ચૂકવતી હોય તેટલા પ્રમાણમાં તેની પ્રોડક્ટની કિંમતમાં વધારો કરે છે અને આડકતરી રીતે મોંઘવારી વધે છે. વળી ક્રિકેટની જે મૂળ રમત હતી તે તો ભૂલાય જ ગઈ છે, હવે જે રમાય છે તે હેફેઝાડ ક્રિકેટ રમાય છે, ચોગ્ગા – છગ્ગા મારવાની કોશિશ કરતા રહો અને તેમ કરતા આઉટ થઈ જવાય તો પણ વાંધો નહી, નક્કી થયેલી અધધધ રકમ મળવાની જ છે પરિણામે ક્રિકેટની મૂળ રમતનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
ઉપરાંત દરેક મૅચ વખતે અબજો રૂપિયાનો સટ્ટો રમતો હોય છે જેને કારણે કંઈ કેટલાય દેવાના ડુંગરમાં ડૂબી જતા હોય છે. વળી બાકી હતું તે હવે ફિક્સિંગનું દૂષણ ઘુસ્યુ છે. લાખો વિદ્યાર્થીઓના ભણતર પર આ મૅચો જોવા પાછળ સમય બગાડવાને કારણે અવડી અસર પડે છે અને તેમના ભવિષ્ય સાથે ચેડા કરે છે જે છેવટે દેશને માટે પણ ચેડા સમાન ગણાય અને ટિકિટોના કાળા બજારનું દૂષણ પણ ઘુસે છે. હવે આટલા બધા ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે હાલના સમયમાં ક્રિકેટની રમત એ અનેક અનિષ્ટોનો ઝમેલો બની ચૂકી છે તેમા બેમત ન હોય શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.