Charchapatra

સમાન નાગરિક ધારો ઘડવા બાબત

ભારતના બંધારણ અનુચ્છેદ 44માં રાજ્યને ભારતના સમગ્ર પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા આદેશ અપાયેલ છે. આ વિષય બંધારણના પરિશિષ્ટ (Schedule)મુજબ સહવર્તી યાદી (concurreat rist)માં સમાવિષ્ટ છે. હાલ ઉત્તરાખંડ રાજ્યે આ બાબતે સમિતિની રચના કરી હતી અને તેના અહેવાલનો સ્વીકાર કરી, આ ધારો ઘડવા બાબતે ત્યાંની સરકારે આગળ વધવા નિર્ણય કરેલ છે. ભાજપે પોતાના 1996 ચૂંટણી ઢંઢેરામાં સમાન નાગરિક ધારો ઘડવા વચન આપેલ છે. બે માસ અગાઉ વડા પ્રધાને આ બાબતે ઈશારો કર્યો હતો. પરંતુ કેન્દ્ર તરફથી આ ધારો ઘડવા કોઈ હિલચાલ થયેલ જણાતી નથી.

ઉત્તરાંખડ રાજ્યની માફક જો દરેક રાજ્ય અલગ અલગ કાનૂન ઘડે તો આંતરરાજ્ય અમલના પ્રશ્નો ઉપસ્થિત થવા સંભવ છે. દા.ત. ગુજરાત રાજ્યના વતની કોઈ પંજાબી કન્યા સાથે લગ્ન કરે અથવા રાજસ્થાનના નાગરિકની કોઈ મિલકત મહારાષ્ટ્રમાં આવેલી હોય અને બંને રાજ્યોમાં સમાન નાગરિક ધારો અલગ અલગ હોય તો ગુંચવાડો થવાનો. આથી હિતાવહ એ છે કે કેન્દ્ર સરકારે જ સમગ્ર દેશમાં લાગુ પડતો સમાન નાગરિક ધારો ઘડવો જોઈએ અને તેમાં દેશના તમામ વર્ગો માટે સમાન વ્યવહાર થયેલો હોવો જોઈએ.
સુરત     – અશ્વિનકુમાર ન. કારીઆ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top