Madhya Gujarat

ઉમરેઠ પાલિકામાં કારની ખરીદીમાં કોર્ટે પૂર્વ પ્રમુખ-બોડીને ક્લીનચીટ આપી

આણંદ : ઉમરેઠ નગરપાલિકાનાં અગાઉનાં પ્રમુખ દ્વારા ખરીદવામાં આવેલી કારમાં નવો મોડ આવતા સમગ્ર મામલો દિલચસ્પ બન્યો છે. આણંદ ડીસ્ટ્રીકટ જજ કે.કે.શુક્લાની કોર્ટમાં હુકમ સામેની કરાયેલી અપીલ ચાલી જતા કેસનો હુકમ પૂર્વ પ્રમુખની તરફેણમાં આવતા બે જૂથો વચ્ચે ખેલાઈ રહેલી કાનૂની દાવપેચમાં નવો વળાંક આવ્યો છે, કોર્ટે નોંધ્યું હતું કે રૂ.10.5 લાખની કોઈ ઉચાપત થઇ નથી તેમજ ખરીદવામાં આવેલી કાર નગરપાલિકા માટે લેવામાં આવી છે અને તે નગરપાલિકા હસ્તક હોઈ તેને ઉચાપત ગણાય નહીં.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા વર્ષ 2019માં રૂ.10.5 લાખની કિંમતની કાર જી.જે.23જીએ-0487 ખરીદી હતી, જે બાબતે નગરના જાગૃત નાગરિક ભરતભાઈ ઠાકર તેમજ મિલનકુમાર વ્યાસે વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સમક્ષ ઉમરેઠ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ, ચીફ ઓફિસર,તેમજ ચીફ એકાઉંટન્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જે બાબતે વળી અને પ્રતિવાદી તરફથી રજૂ થયેલા પુરાવાના અંતે પ્રાદેશિક કમિશનરે રૂ.10.5 લાખ જવાબદારો પાસેથી વસુલ કરવાનો હુકમ કર્યો હતો, જેની સામે પૂર્વ પ્રમુખે ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરી હતી. નગરપાલિકા માટે નવી કાર ખરીદવાના મામલે રૂ.10.5ની વસૂલાતના હુકમ સામે કરાયેલી અપીલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા, કોર્ટે ઉચાપતના કોઈ લક્ષણ નહી હોવાનું નોંધી પ્રાદેશિક કમિશનર મ્યુ વડોદરાના હુકમને રદ કર્યો હતો.

Most Popular

To Top