SURAT

અઢળક રૂપિયા હોવા છતાં દીકરો 93 વર્ષની માતાને ફૂટી કોડી નહીં આપતો, આખરે સુરતની કોર્ટે કર્યો ન્યાય

સુરત: સુરતમાં એક 93 વર્ષની માતાને તેમનો સીએ દીકરો ત્રાસ આપતા હોવાના બનાવે થોડા સમય પહેલાં ચકચાર જગાવી હતી. દીકરાના ત્રાસથી કંટાળી વૃદ્ધા પોતાનું ઘર છોડવા મજબૂર બની હતી. તેમ છતાં દીકરો સુધર્યો નહોતો. બીજાના ઘરે આશરો લેનાર વૃદ્ધ માતાને તેના ગુજરાન માટે લખપતિ દીકરો ફૂટી કોડી આપતો નહોતો. તેથી વૃદ્ધાએ સુરતની કોર્ટમાં દીકરા વિરુદ્ધ અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારી લઈ દર મહિને ચોક્કસ રકમ વૃદ્ધ માતાને ભરણપોષણ માટે આપવા દીકરાને હૂકમ કર્યો છે.

વાત એમ છે કે 93 વર્ષની માતાએ ભરણ-પોષણ મેળવવા દીકરા વિરુદ્ધ કરેલી અરજી સુરતની કોર્ટે માન્ય રાખી છે. સુરતની ફેમિલી કોર્ટે મહિનાના 30 હજાર રૂપિયા ભરણ-પોષણ પેટે ચૂકવવા પુત્રને હુકમ કર્યો છે. વૃદ્ધાએ રૂપિયાવાળા સીએ દીકરા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી.

કેસની વિગત એવી છે કે અરજદાર નલિનીબેન મનસુખલાલ લાપસીવાલા (93 વર્ષ)ના વિધવા છે. તેમનો દીકરો મનિષ મુંબઈમાં સીએ તરીકે પ્રેક્ટીસ કરે છે. ત્યાં અઢીથી ત્રણ લાખ રૂપિયા કમાવતા મનિષે અડાજણમાં આવેલી મિલકત પર કબજો કરવા માટે વૃદ્ધ માતાને ત્રાસ આપ્યો હતો.

મનિષ પોતે મોંઘી લક્ઝરી કારમાં ફરે છે. તેને વૃદ્ધ માતાની ભરણ-પોષણ કરવાની કોઈ દરકાર લીધી ન હતી. દીકરાની હેરાનગતિથી કંટાળીને વૃદ્ધા નલિનીબેન પોતાનું ઘર છોડીને બહેનના ઘરે રહેવા ગઈ હતી., ત્યારે પણ કોર્ટના હુકમથી મકાનનો કબજો ફરીથી નલિનીબેનને મળ્યો હતો.

પરંતુ મનિષે ભરણ-પોષણની દરકાર ન લેતા નલિનીબેને એડવોકેટ નેહલ મહેતા મારફત ફેમિલી કોર્ટમાં દીકરા મનિષ પાસેથી ભરણ-પોષણ મેળવવા માટે માટે અરજી કરી હતી. કોર્ટે વચગાળાના ભરણ પોષણની અરજી મંજૂર કરીને સામાવાળા મનિષને માસિક 30 હજાર રૂપિયા ભરણ-પોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top