અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટના જીવનનો પ્રસંગ છે. અનેકવિધ પ્રતિભા ધરાવતા હતા. એક વાર લાંબી માંદગીમાંથી ઊઠ્યા ત્યાં જ તીવ્ર પક્ષાઘાતના હુમલાનો ભોગ બન્યા. આ હુમલાએ એમને અપંગ જ કરી નાખ્યા. રૂઝવેલ્ટની સારવારમાં નિષ્ણાત તબીબો રોકાયા. પક્ષાઘાતની અસરમાંથી તેમને બેઠા કરવા, અપંગતામાંથી તેમને મુક્ત કરવા તબીબોએ છેલ્લામાં છેલ્લા ઉપચારો અપનાવી જોયા પણ એમને કોઈ જ સફળતા ન મળી.
તબીબોના વડાએ એક દિવસ હાથ ખંખેરી નાખી ગંભીર અવાજે કહ્યું,’ ક્ષમા કરજો સાહેબ, આપને સાજા કરવા, હરતા-ફરતા કરવા અનેક ઈલાજો અજમાવ્યા પણ કોઈ પણ ઈલાજની અસર થતી નથી. સાહેબ, આપને આઘાત લાગશે પણ હવે આપ પહેલાંની માફક હરીફરી શકશો નહીં અને જિંદગી વિલચેરમાં જ વિતાવવી પડશે.’ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે વિલ ચેરમાં બેઠા બેઠા શાંતિથી આ વાત સાંભળી.
બધાને હતું તેઓ દુઃખી થશે અથવા ચીડાઈ જશે, ગુસ્સો કરશે પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેઓ બોલ્યા,’ વાહ, આ તો બહુ જ સારા સમાચાર તમે મને આપ્યા. ઘણાં બધાં પુસ્તકો સમયના અભાવે વાંચ્યા વિનાના લાઇબ્રેરીમાં બંધ કબાટમાં પડ્યા છે. હવે વાંચવાનો લાભ મળશે. વધારામાં વીલચેરનાં પૈંડાં ચલાવીને આ બંને હાથ પણ મજબૂત બનશે,હાથને પણ કસરત મળશે.’ નિષ્ણાત તબીબો આ મહાપુરુષની ધીરજ અને હકારાત્મક સ્વભાવ અને પ્રતિભાવથી આશ્ચર્ય પામ્યા. મંદ મંદ સ્મિત કરતા રૂઝવેલ્ટ આગળ બોલ્યા,’ ડોક્ટર વિલચેરમાં પણ હું મસ્તીથી મારું જીવન વિતાવી શકીશ.
લકવો ખાલી મારા પગને થયો છે. મારા આખા શરીરને થયો નથી. મારું મન બિલકુલ હાર્યું નથી.પહેલાં જેવું જ શાંત અને સ્વસ્થ છે અને હું આ રોગ સાથે જીવનની છેલ્લી ઘડી સુધી જંગ ખેલતો રહીશ. તમે ઈલાજ ચાલુ રાખો.’ રૂઝવેલ્ટની હિંમતને સલામ કરી તબીબોએ ઈલાજો ચાલુ રાખ્યા. રૂઝવેલ્ટ બે વર્ષ સુધી દવા, કસરત, વ્યાયામ પાછળ ઊંધું ઘાલીને મંડી પડ્યા. બે વર્ષના આ અતિ વિકટ ગાળામાં ન તેમનું મન થાક્યું, ન તન થાક્યું પક્ષાઘાત હારી ગયો અને તેઓ ફરી હરતા ફરતા થઈ ગયા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે