વલસાડ (Valsad) : વલસાડ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) કપરાડાથી (Kaprada) પ્રિમેચ્યોર (Premature) ડિલિવરી (Delivery) માટે આવેલી એક પ્રસૂતાએ (Childbirth) 7 મહિને જ શિશુને જન્મ આપ્યો હતો. જન્મ સમયે શિશુ બાળક હોવાનું તેમણે જોયું હતુ. જોકે, ત્યારબાદ પેટીમાં રાખ્યા પછી આ શિશુ બાળકી તરીકે તેમને આપતાં ભારે વિવાદ (Controversy) ઉઠ્યો હતો. આ અંગે પ્રસૂતાના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ભારે આક્ષેપો કર્યા હતા.
કપરાડાના અંતરિયાળ વિસ્તારના એક ગામની પ્રસૂતાને 7 મહિને જ દુખાવો ઉપડતાં કપરાડા સરકારી દવાખાનામાંથી તેમને વલસાડ સિવિલમાં મોકલાયા હતા. વલસાડ સિવિલમાં ગત 2 તારીખના રોજ તેની પ્રિમેચ્યોર ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં પ્રસૂતાનું બાળક 700 ગ્રામનું હતુ. જે ખૂબ નબળું કહેવાય. જેના કારણે આ બાળકને તુરંત એનઆઇસીયુમાં (NICU) શિફ્ટ કરવામાં આવ્યું હતુ.
આ સમયે બાળક હોવાનું ડોક્ટરી રેકોર્ડમાં પણ લખાયું હતુ. ત્યારબાદ બાળકને સતત 10 દિવસ સુધી પેટીમાં રાખવામાં આવ્યું હતુ અને તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ 10 દિવસ બાદ આ બાળક નહી પરંતુ બાળકી હોવાનું બહાર આવતાં પ્રસૂતાના સાસુએ આ અંગે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે વિરોધ પ્રગટ કર્યો હતો. તેમણે પુત્રી નહીં, પરંતુ પોતાના પુત્રનો પુત્ર જ સ્વીકારશે એવું જણાવ્યું હતુ. જેને લઇ આખો મામલો હાલ ગુંચવાયો છે.
બાળક બદલાયું નથી, સમજ ફેર થઇ હોઇ શકે : સિવિલ સુપરિન્ટેડન્ટ
વલસાડ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેડન્ટ ભાવેશ ગોયાણીએ જણાવ્યું કે, એ દિવસે 6 ડિલિવરી થઇ હતી. જેમાં એક જ બાળકનું વજન 700 ગ્રામ છે. જે તેના માતા પિતાને ખબર જ છે. આ સિવાયના 5 બાળકોનું વજન 1.8 કિલો કરતાં વધુ હતું. ડિલિવરી બાદ બાળક ખૂબ નબળું હોય તેની પ્રાથમિકતા તેને બચાવવાની હતી અને ખૂબ દોડધામ કરી તેને એનઆઇસીયુમાં શિફ્ટ કરાયું.
શિશુ 7 મહિને જ અવતર્યું હોય ત્યારે તેના રેકોર્ડમાં કોઇ સમજ ફેરથી બોય લખાઇ ગયું હોઇ શકે એવું લાગી રહ્યું છે. હાલ આ અંગે 3 ડોક્ટરોની કમિટીની રચના કરી છે. તેમના દ્વારા વિવિધ સ્ટાફના નિવેદનો લેવાના શરૂ કરાયા છે. જરૂર પડે તો આ કેસમાં ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.