National

ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો સંપૂર્ણ માહિતી

નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય રેલ્વેએ પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ ભારતને એક મોટી ભેટ આપી છે. સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલી દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન હવે ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે. હાઇ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ રેલ્વે મંત્રાલયે આ મહત્વપૂર્ણ રૂટની જાહેરાત કરી છે.

આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી મહિનામાં વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. સંભાવના છે કે આ ઉદ્ઘાટન 17 અથવા 18 જાન્યુઆરી 2026ના રોજ થશે. રેલ્વે મંત્રીએ વધુમાં કહ્યું છે કે 2026ને રેલ્વે સુધારાનું વર્ષ બનાવવાનો લક્ષ્ય છે અને આગામી છ મહિનામાં આઠ નવી વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરાશે. જ્યારે વર્ષના અંત સુધીમાં કુલ 12 ટ્રેનો દોડશે.

સત્તાવાર માહિતી મુજબ ગુવાહાટીથી કોલકાતા સુધી વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. થર્ડ એસીનું ભાડું અંદાજે રૂ 2,300, સેકન્ડ એસીનું રૂ 3,000 અને ફર્સ્ટ એસીનું ભાડું રૂ 3,600 રહેશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ટ્રેનનું અંતિમ હાઇ-સ્પીડ ટ્રાયલ રાજસ્થાનના કોટા-નાગડા સેક્શન પર હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. આ ટ્રાયલ રેલ્વે સેફ્ટી કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં શું સ્પેશિયલ હશે
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ હશે. જેમાં 11 થર્ડ એસી, 4 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસી કોચનો સમાવેશ થાય છે. ટ્રેનમાં એક સાથે 823 મુસાફરો મુસાફરી કરી શકશે. આરામદાયક બર્થ, ઓટોમેટિક દરવાજા, ઓછો અવાજ, આધુનિક સલામતી સિસ્ટમ અને એરોડાયનેમિક ડિઝાઇન જેવી સુવિધાઓ સાથે આ ટ્રેન લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

આ નવી ટ્રેન શરૂ થવાથી પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ ભારત વચ્ચેની મુસાફરી વધુ ઝડપી, સલામત અને સુવિધાજનક બનશે.

Most Popular

To Top