Business

દેશનું 2026-27 ના વર્ષનું બજેટ

કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હોય  એટલે આપણા દેશનો મધ્યમ વર્ગ , કરદાતાઓ , નાના-મોટા વેપારીઓ , નોકરિયાત વર્ગ , ઉદ્યોગપતિઓ વગેરે તમામ વર્ગની નજર બજેટ પર હોય એ ખૂબ જ સ્વાભાવિક છે. વિવિધ ક્ષેત્રનાં લોકોને અંદાજપત્ર રજૂ થાય તે પહેલાં અનેક અપેક્ષાઓ હોય છે. વિશ્વમાં જ્યારે યુદ્ધના કારણે અનેક અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે ત્યારે દરેક વર્ગ માટે સમતોલ બજેટ રજૂ થાય એ અપેક્ષિત છે.  અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગભગ દરરોજ ટેરીફના ચીપિયા પછાડવામાં આવે છે ત્યારે તેની અસર બજેટ પર દેખાશે. આગામી બજેટ ઘણી દ્રષ્ટિએ મહત્ત્વનું પુરવાર થનાર છે.

કેન્દ્રીય બજેટ એ કેન્દ્ર સરકારની આગામી વર્ષ માટેની વિવિધ પ્રાથમિકતાઓના સંકેત આપતું હોય છે. આપણા દેશની પ્રજા સતત વધતા જતા ફુગાવા સામે ઝઝૂમી રહી છે. દેશમાં વધતી જતી બેકારીની સમસ્યા સંદર્ભે રોજગાર સર્જન અંગે બજેટમાં જોગવાઈ થશે કે કેમ તેની યુવાન વર્ગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. બજેટ અંગે સૌથી વધુ ચર્ચા જેની થતી હોય તે એ  કે  કરવેરામાં રાહત , ટેક્સના સ્લેબ તથા સ્ટાન્ડર્ડ ડિડક્શન અંગેની હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકો દ્વારા ઇન્કમટેક્સ રેટમાં ઘટાડાની અપેક્ષા રાખવામાં આવે છે.

આપણો  દેશ ખેતીપ્રધાન છે તેથી એગ્રીકલ્ચર સેક્ટરમાં ખેડૂતોની આવક વધે અને ખેડૂત બિચારો  નહીં  બને તે માટે સરકાર દ્વારા બજેટમાં અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. દેશનો કિસાન પોતાની જરૂરિયાતો અંગે કૃષિ ક્ષેત્રમાં રાહતની અપેક્ષા રાખે એ અસ્થાને નથી. આપણા દેશમાં સિનિયર સિટીઝન માટે ટેક્સ વ્યવસ્થા જોઈએ એટલી  આકર્ષક નથી એને ધ્યાનમાં લેતાં વરિષ્ઠ નાગરિકોને વધતી જતી મોંઘવારી સંદર્ભે કરવેરામાં ખાસ છૂટ મળવી જોઈએ.  વયસ્ક નાગરિકો માટે ટીડીએસ મર્યાદા વધે અને વ્યાજની આવક પર ટેક્સ અંગે વધુ છૂટ આપવામાં આવે એ અપેક્ષિત છે. દેશની પ્રજાના મનમાં એ પ્રશ્ન છે કે 2026- 27 નું બજેટ પ્રજા માટે સાચા અર્થમાં રાહત ભરેલું હશે કે પછી પ્રજાની અપેક્ષાઓ ફરી એક વખત અધૂરી રહેશે ?    
નવસારી   – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રાજ્યોને સત્તા આપો
આજે દેશનાં તમામ રાજ્યોમાં જનહિત યોજનાઓ લાવવા અમે તેના અમલીકરણ માટે પી.એમ.ઓ.ની મંજૂરી ફરજીયાત છે. વર્તમાન સરકારમાં વધારે પડતું કેન્દ્રીકરણ યોગ્ય નથી. અમુક નામી જનહિત યોજના માટે રાજ્યોમાં મુ.મંત્રીને સંપૂર્ણ સત્તા આપવી જોઈએ. રાજ્યોના સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટેની યોજનાઓ કેન્દ્રને મોકલે છે જેમાંથી મહંતમ યોજનાઓને મંજૂરી મળતી નથી અને જે યોજનાઓને મંજૂરી કેન્દ્ર સરકાર આપે ત્યારે ખૂબ જ સમય વ્યતીત થઈ જાય છે.આ અંગે કેન્દ્ર સરકારે ગંભીરતાથી વિચારીને રાજ્યોને જનહિત યોજના માટે હસ્તક્ષેપ કર્યા વિના મંજૂરી માટે રાજ્ય સરકારોને સત્તા આપવી જ જોઈએ.
મોટા મંદિર, સુરત       – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top