Charchapatra

દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું..?

૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા થનગની રહેલા આપણે સૌએ આ પ્રશ્ન પોતાને પૂછવો રહ્યો. જેની સત્તાનો સૂરજ ક્યારેય ડૂબતો નહોતો એવાં બ્રિટિશરોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો કેમ કે એ સમયે હિન્દુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ,જરથોસ્તી સૌ પોતાની સંકુચિત ઓળખ છોડીને માત્ર આઝાદી માટે એકજૂટ થયાં હતાં. એ સમયે સૌ કોઈ પોતાની ધાર્મિક,સામાજિક,પ્રાદેશિક કે ભાષાની સંકુચિતતા છોડી માત્ર ભારતીય બની રહ્યાં હતાં.  ઉત્તર,દક્ષિણ,પૂર્વ,પશ્ચિમ બધી દિશામાંથી આઝાદી માટેની સામૂહિક ચેતના જાગી હતી એટલે જ જાતિ,ધર્મ અને ભાષા કે પ્રાંતના નામે ભાગલા પડાવવાની અંગ્રેજ સરકારની કોશિશ પણ નાકામિયાબ રહી હતી.

“ઓ હિંદ દેવભૂમિ સંતાન સૌ તમારા ,  કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા” આ ભાવના સાથે સૌ સંપીને સામનો કરતાં રહ્યાં.      આજે હવે આઝાદીના ૭૭ વર્ષ પૂરાં થયાં છે ત્યારે આ સૌહાર્દ અને સહકારની ભાવના દેશવાસીઓમાં રહી છે ખરી.? વૈજ્ઞાનિક શોધખોળ અને ટેકનોલોજીના વિકાસની સાથે વૈશ્વિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે વસુધૈવ કુટુમ્બકમનો વિશ્વનાદ ગજવનાર આપણે એક ભારતીય તરીકે એકત્ર છીએ ખરાં..? આઝાદી પછીના વર્ષોમાં ધર્મઝનૂન, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ ચરમ સીમાએ ફૂલ્યો ફાલ્યો છે.

સુરત જેવાં મહાનગરમાં પણ એક જ ધર્મના લોકો પોતાના ધર્મના અન્ય જાતિના લોકોને પોતાની રહેણાંક સોસાયટીમાં ઘર આપતાં નથી. સુરતમાં વરાછા કતારગામ એટલે કાઠીયાવાડીઓનો, ઉધના, લિંબાયત, પાંડેસરા એટલે મરાઠીઓનો વિસ્તાર એવું બહુધા સીમાંકન થઈ રહ્યું છે. અશાંતધારા અંતર્ગત ધર્મઆધારીત વસાહતો જ વિકસી રહી છે. ત્યારે તપાસવું પડશે કે રાષ્ટ્રના એક ભારતીય નાગરિક તરીકેની આપણી ઓળખ હાંસિયામાં તો નથી ધકેલાઈ ગઈ ને ? એક ભારતીય નાગરિક તરીકે આપણે ખરેખર ભારતીય બનીને વિચારશું કે જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતના કુંડાળામાં જ ફર્યા કરશું.?
સુરત     – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top