SURAT

સુરતના કોર્પોરેટરોની ગ્રાન્ટમાં લાખો રૂપિયાનો વધારો કરવાની દરખાસ્ત, પ્રજાના આ કામ કરવા માટે વધારો માંગ્યો

સુરત: (Surat) સુરત મનપાના નગરસેવકો (Corporators ) તેમજ તમામ પદાધિકારીઓને શહેરમાં લોક સુવિધાનાં કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી નગરસેવકો અને પદાધિકારીઓ નક્કી કરેલાં કામો માટે જે-તે મર્યાદામાં ગ્રાન્ટની ફાળવણી કરી શકે છે. આ ગ્રાન્ટની જોગવાઇમાં ચાલુ નાણાકીય વર્ષથી જ કાયમી ધોરણે મોટો વધારો કરી નગરસેવકોને પોતપોતાના વિસ્તારમાં લોક સુવિધાનાં કામો માટે વધુ અનુકૂળતા ઊભી કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2021-22 માટે મેયરને બે કરોડ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ તેમજ શાસક અને વિપક્ષી નેતાને રૂ.70-70 લાખની ગ્રાન્ટ ફાળવવવા જોગવાઇ કરાઇ હતી. જ્યારે તમામ નગરસેવકોને 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ માટે જોગવાઇ કરવામાં આવી છે. જો કે, હવે મેયરની ગ્રાન્ટમાં એક કરોડના વધારા સાથે ત્રણ કરોડ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને બે-બે કરોડ, શાસક અને વિપક્ષી નેતાને દોઢ-દોઢ કરોડ, જ્યારે તમામ નગરસેવકોને 25-25 લાખની ગ્રાન્ટ ફાળવી શકે તેવી જોગવાઇ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. આમ, મેયરની ગ્રાન્ટમાં એક કરોડ, સ્થાયી સમિતિ ચેરમેન અને ડેપ્યુટી મેયરની ગ્રાન્ટમાં 1 કરોડ 30 લાખ, શાસક પક્ષ અને વિરોધ પક્ષ નેતાની ગ્રાન્ટમાં 80-80 લાખ અને નગરસેવકોની ગ્રાન્ટમાં સીધા 15 લાખનો વધારો કરવા શાસકોની મંજૂરી માંગવામાં આવી છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું જેટલી રકમ ગ્રાન્ટ પેટે કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓને ફાળવવામાં આવે છે તેઓ ખરેખર તે રકમનો ઉપયોગ લોકસેવા માટે કરે છે?

Most Popular

To Top