સુરત: સરકારી બાબુઓ સામાન્ય જનતા સાથે સીધા મોંઢે વાત ન કરે કે તેમના ફોન ન ઉપાડે તેવું તો તમે સાંભળ્યું હશે પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે અધિકારીઓ રાજકારણીઓના ફોન ઉપાડી રહ્યાં નથી? સુરતમાં આવું બન્યું છે. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને કોઈનો ડર નહીં હોય તેમ તેઓ તેમના વિસ્તારના કોર્પોરેટરોના ફોન ઉપાડતા નથી.
આ કોઈ એક બે કોર્પોરેટર કે અધિકારીની વાત નથી. સુરત શહેરના મોટા ભાગના ઝોનમાં બાબુશાહીની તુમાખીનો સામનો કોર્પોરેટરોએ કરવો પડી રહ્યો છે. વાત એટલી વધી ગઈ છે કે સુરત શહેરના શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ આ મામલે મેયરને ફરિયાદ કરવી પડી છે.
- શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોના જ ફોન અધિકારીઓ ઉપાડતા નહીં હોવાની ફરિયાદને મેયરે ગંભીરતા ગણાવી
- આચારસંહિતા પૂર્ણ થયા બાદ મ્યુનિસ્પિલ કમિશનરની મધ્યસ્થીમાં મેયર ઝોન અધિકારીઓ સાથે સંકલન બેઠક કરશે
સુરત મહાનગર પાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં આજે કોર્પોરેટરોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. કોર્પોરેટરોએ મેયરને સીધી જ ફરિયાદ કરી હતી. કોર્પોરેટરે ફરિયાદ કરતાં કહ્યું કે, પાલિકાના અધિકારી ફોન રિસીવ કરતા નથી. જેથી આચાર સંહિતના પગલે વોર્ડમાં ચાલતા વિકાસના કામોને બ્રેક લાગી ગઈ છે. મેયરે આ ફરિયાદને ગંભીરતાથી લઈને આગામી દિવસોમાં તમામ ઝોનમાં સંકલન બેઠકનું આયોજન કરવા અંગેની તજવીજ હાથ ધરી હતી.
લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સુરત સહિત સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ થયો છે. જો કે, હવે આચારસંહિતા પૂર્ણ થવાને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે મુગલીસરા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા મેયર સમત્ર અધિકારીઓની મનમાની અંગેની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. કોર્પોરેટરોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઝોનમાં ફરજ બજાવતાં અધિકારીઓ દ્વારા કોર્પોરેટરના ફોન ઉંચકવાની તસ્દી લેતા નથી.
પોતાના વિસ્તારની ફરિયાદો માટે કોર્પોરેટર દ્વારા અધિકારીઓને ફોન કરવા છતાં અધિકારીઓના મનસ્વી વલણને કારણે હવે કોર્પોરેટરોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોર્પોરેટરોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા હોવાના ગણગણાટ વચ્ચે મેયર દ્વારા પણ આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી હતી. મેયર દ્વારા આચાર સંહિતા બાદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે બેઠક કરીને વહેલી તકે તમામ ઝોનમાં સંકલન બેઠકનું આયોજન કરવા અંગેની દિશામાં કવાયત હાથ ધરી છે.