હરિયાણામાં ભ્રષ્ટાચાર અને જાતિ ભેદભાવના આરોપો વચ્ચે બે પોલીસ અધિકારીઓની આત્મહત્યાઓની આસપાસનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. IPS અધિકારી વાય. પૂરણકુમારની સ્યુસાઇડ નોટે વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. ત્યાર બાદ બીજા એક પોલીસ કર્મચારી સહાયક સબ-ઇન્સ્પેક્ટર સંદીપ લાઠરેની આત્મહત્યાનો કિસ્સો પણ બહાર આવ્યો છે. તેના મૂળમાં પણ ભ્રષ્ટાચાર અને પોલીસ-ગેંગસ્ટર વચ્ચેના સંબંધોના આરોપો છે. સહાયક સબ-ઇન્સ્પેક્ટર સંદીપ લાઠરે પોતાની સ્યુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો છે કે પૂરણ કુમારે ગેંગસ્ટર રાવ ઇન્દ્રજીતનું નામ હત્યા કેસમાંથી રદ કરવા માટે ૫૦ કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.
વાય. પૂરણ કુમારે ૭ ઓક્ટોબરના રોજ ચંદીગઢમાં પોતાના ઘરે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આઠ પાનાની સ્યુસાઈડ નોટ છોડી હતી, જેમાં ૧૦ વરિષ્ઠ અને નિવૃત્ત અધિકારીઓ પર જાતિ આધારિત ભેદભાવ, માનસિક ત્રાસ, જાહેર અપમાન અને અત્યાચારનો આરોપ લગાવ્યો હતો. એક અઠવાડિયા પછી વાય. પૂરણ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહેલા સંદીપ લાઠરે રોહતકના એક ખેતરમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ પાનાંની એક સ્યુસાઇડ નોંધમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે વાય. પૂરણ કુમાર એક ભ્રષ્ટ પોલીસ અધિકારી હતા, જેમણે ખુલ્લા પડવાનો ડર હોવાથી આત્મહત્યા કરી લીધી હતી.
સંદીપ લાઠરે પોતાની સ્યુસાઇડ નોંધમાં આરોપ લગાવ્યો છે કે વાય. પૂરણ કુમારે એક કુખ્યાત ગેંગસ્ટર રાવ ઇન્દ્રજીત સાથે ૫૦ કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો, જેથી તેનું નામ હત્યાના કેસમાંથી રદ થઈ જાય. ઇન્દ્રજીત હરિયાણામાં અનેક ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યો છે અને હાલમાં ભારતમાં કાયદાથી બચવા માટે અમેરિકામાં છૂપાયેલો છે. હરિયાણામાં થયેલી બે મોટી ઘટનાઓમાં તેનું નામ તાજેતરમાં સામે આવ્યું હતું. તે જેમ્સ મ્યુઝિક લેબલનો પણ માલિક છે અને હિમાંશુ ભાઉ ગેંગ માટે કામ કરે છે. રોહતકમાં ફાઇનાન્સર મનજીતની હત્યાનું ષડયંત્ર ઈન્દ્રજીતે રચ્યું હોવાનો આરોપ છે. વિવાદાસ્પદ યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે થયેલી ગોળીબારની ઘટના અને હરિયાણવી રેપર-ગાયક રાહુલ યાદવ પર થયેલા હુમલામાં પણ તેનું નામ સામે આવ્યું હતું.
આ ભેદી કેસમાં દરરોજ નવી વિગતો બહાર આવી રહી છે. વાય. પૂરણ કુમારનો આપઘાત તેમ જ તેની આજુબાજુ બનેલી ઘટનાઓનો ક્રમ સમજવા માટે આપણે ૨૯ સપ્ટેમ્બરના રોજ પાછા જવું પડશે, જે દિવસ વાય. પૂરણ કુમારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી તેના આઠ દિવસ પહેલાંનો છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ વાય. પૂરણ કુમારને IG (રોહતક રેન્જ) ના પદ પરથી સુનારિયા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્સફરથી ૫૨ વર્ષીય અધિકારી ખૂબ જ પરેશાન થયા હતા. તેમણે ૩૦ સપ્ટેમ્બરના રોજ આ પદ છોડી દીધું હતું અને એક અઠવાડિયા માટે રજા પર ઊતરી ગયા હતા. ૧ ઓક્ટોબરના રોજ, જ્યારે તેઓ તેમના પર્સનલ સિક્યુરિટી ઓફિસર સુશીલ કુમાર સાથે રોહતકથી ચંદીગઢ જઈ રહ્યા હતા, ત્યારે પૂરણ કુમારની કારને રોહતક પોલીસ ટીમે રોકી હતી, જે ટીમમાં ASI સંદીપ લાઠરનો પણ સમાવેશ થતો હતો. પૂરણ કુમારના સુરક્ષા અધિકારીને કોઈ પણ એફઆઈઆર કે વોરંટ બતાવ્યા વિના અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જ્યારે વાય. પૂરણ કુમારે વાંધો ઉઠાવ્યો ત્યારે પોલીસે તેમને ધમકી આપી હતી કે હવે તમારો વારો આવશે. કસ્ટડીમાં લેવામાં આવતાં પહેલાં સુશીલ કુમારે તેમની સર્વિસ રિવોલ્વર કારમાં છોડી દીધી હતી. જે બંદૂકનો ઉપયોગ વાય. પૂરણ કુમારે પાછળથી પોતાને ગોળી મારવા માટે કર્યો હતો. પીએસઓ સુશીલ કુમારની ગેરકાયદેસર કસ્ટડીમાં પાંચ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે કોઈ ઔપચારિક કેસ નોંધવામાં આવ્યો ન હતો. આ સમયગાળા દરમિયાન તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને વાય. પૂરણ કુમાર વિરુદ્ધ ખોટું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાય. પૂરણ કુમારે તત્કાલીન હરિયાણા ડીજીપી અને રોહતક એસપી નરેન્દ્ર બિજરનિયાને વારંવાર ફોન કરીને હસ્તક્ષેપ કરવા અને તેમની અને તેમના પરિવારની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાની માંગણી કરી હતી.
આખરે ૬ ઓક્ટોબરના રોજ સુશીલ કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PCA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે એક ઉદ્યોગપતિ પાસેથી ૨.૫૦ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. સુશીલ કુમાર વિરુદ્ધના આ કેસની તપાસ કરી રહેલી ટીમમાં ASI સંદીપ લાઠર પણ હતા. સાયબર ટીમ સાથે સંકળાયેલા લાઠરે જ સુશીલ કુમાર કેસ સંબંધિત ફોન વિગતો મેળવી હતી.
FIR વ્યૂહાત્મક રીતે નોંધવામાં આવી હતી જેથી ખાતરી કરી શકાય કે પૂરણ કુમારની ધરપકડ કરવા માટે કોઈ પૂર્વ સરકારી મંજૂરીની જરૂર ન પડે, કારણ કે તે તેમના PSO દ્વારા પરોક્ષ રીતે જોડાયેલા હશે. પીસીએ હેઠળ આઈએએસ અથવા આઈપીએસ અધિકારીઓને ધરપકડથી કોઈ ખાસ મુક્તિ મળતી નથી. તપાસ એજન્સી દ્વારા વરિષ્ઠ અધિકારીઓને જાણ કરીને અથવા વોરંટ મેળવીને તેમની ધરપકડ કરી શકાય છે. ૭ ઓક્ટોબરના રોજ વાય. પૂરણ કુમારે તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં રાજકીય વળાંક પણ આવ્યો છે. કોંગ્રેસ અને વિપક્ષે આરોપ લગાવ્યો છે કે દલિત પૂરણ કુમારને વ્યવસ્થિત ભેદભાવને કારણે આ આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી હતી. આ મામલે હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન સિંહ કપૂર અને રોહતકના એસપી નરેન્દ્ર બિજરનિયા વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે છ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ ચંદીગઢના આઈજી પોલીસ પુષ્પેન્દ્ર કુમાર કરશે. વાય. પૂરણ કુમારનો મૃતદેહ મંગળવારે ચંદીગઢના સેક્ટર ૧૧ સ્થિત તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આત્મહત્યાનો મામલો છે, જેની તપાસ ચાલી રહી છે. વાય. પૂરણ કુમારની પત્ની અમનીત પી કુમાર એક વરિષ્ઠ IAS અધિકારી છે. અમનીત પી. કુમારે ચંદીગઢ પોલીસના એસએસપી કંવરદીપ કૌરને પત્ર લખીને માંગણી કરી છે કે એફઆઈઆરમાં ઉમેરવામાં આવેલી એસસી/એસટી એક્ટની હળવી કલમોમાં સુધારો કરવામાં આવે. પૂરણ કુમારની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિની કથિત સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત લોકો સામે એફઆઈઆર નોંધવી જોઈએ અને તેમની ધરપકડ કરવી જોઈએ. અમનીત પી. કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં હરિયાણા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.
વાય. પૂરણ કુમાર મૂળ આંધ્રપ્રદેશના હતા અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હતા. તેઓ ૨૦૦૧ બેચના હરિયાણા કેડરના IPS અધિકારી હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અંબાલા અને કુરુક્ષેત્રમાં પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ તેમણે અંબાલા અને રોહતક રેન્જના IG તરીકે સેવા આપી હતી. તેમની પત્ની હરિયાણા સરકારમાં IAS અધિકારી છે અને વિદેશ સહકાર વિભાગમાં કમિશનર અને સચિવ તરીકે પોસ્ટેડ છે. ઘટના સમયે તે હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈની સાથે જાપાન ગયેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતી. હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈની ગુરુવારે જાપાન પ્રવાસથી પરત ફર્યા બાદ ચંદીગઢમાં વાય. પૂરણ કુમારના પરિવારના સભ્યોને મળ્યા હતા. મુખ્ય મંત્રીએ વાય. પૂરણ કુમારનાં IAS પત્ની અમનીત પી. કુમાર સાથે વાત કરી હતી.
લગભગ એક કલાક ચાલેલી આ બેઠક બાદ મુખ્ય મંત્રી મીડિયા સાથે વાત કર્યા વિના જ ચાલ્યા ગયા હતા. મુખ્ય મંત્રીએ ગુરુવારે ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી, પરંતુ તે પણ રદ કરવામાં આવી હતી. બીજી તરફ, મીડિયાના વારંવારના પ્રશ્નોના જવાબમાં હરિયાણાના મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીએ ફક્ત એટલું જ કહ્યું કે વાય. પૂરણ કુમાર એક સક્ષમ અધિકારી હતા અને હું આનાથી વધુ કંઈ કહી શકતો નથી. મુખ્ય મંત્રી નાયબ સૈનીએ હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન સિંહ કપૂરને તેમના નિવાસસ્થાને ફોન કરીને ઘટના વિશે પૂછપરછ કરી હતી. આ મામલે હરિયાણા સરકાર વિવાદમાં ફસાઈ ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.