દેશમાં રાજકીય વિવાદોની વણઝાર વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય મ્યુઝિયમમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ વર્ષ ૨૦૦૮માં તેમના દાદા સસરા અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ વિવિધ મહાનુભાવોને લખેલા કેટલાક પત્રો પરત મંગાવી લીધા હતા. તે બાબતે હવે વિવાદ ઉભો થયો છે. મ્યુઝિયમના કર્તાધર્તાઓ અને સરકાર તથા મુખ્ય શાસક પક્ષની માગણી છે કે ગાંધી કુટુંબે આ પત્રો મ્યુઝિયમને પાછા આપી દેવા જોઇએ કારણ કે આ પત્રો દેશની મિલકત છે, નેહરૂ-ગાંધી કુટુંબની અંગત મિલકત નથી.
જેને હવે પીએમ મ્યુઝિ્યમ નામ આપવામાં આવ્યું છે તે જવાહરલાલ નેહરૂ મેમોરિયલ મ્યુઝિયમમાંથી ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વર્ષ ૨૦૦૮માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ લખેલા પત્રો પાછા મંગાવી લીધા હતા. આ પત્રો ગાંધી કુટુંબ તરફથી ૧૯૭૧માં મ્યુઝિયમને દાનમાં આપી દેવાયા હતા, અને પછી છેક ૨૦૦૮માં સોનિયા ગાંધીએ તે વખતની કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસન વખતે આ પત્રો પાછા મંગાવી લીધા. સોનિયા ગાંધીએ આ પત્રો કેમ પાછા મંગાવી લીધા તે તો હા એક રહસ્ય જ છે.
પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ સોમવારે કહ્યુ હતું કે ૨૦૦૮માં યુપીએ સરકારના કાર્યકાળમાં પ૧ ખોખા ભરીને નેહરૂના અંગત પત્રો મ્યુઝિયમમાંથી સોનિયા ગાંધીને પહોંચાડી દેવાયા હતા. તેમણે માગણી કરી છે કે ક્યાં તો આ પત્રો મ્યુઝિયમને પરત કરવામાં આવે ક્યાં તો તેમને સ્કેન કરવા દેવાય, કારણ કે આ પત્રો પહેલાથી જ આ મ્યુઝિયમની મિલકત છે. ૧૯૭૧માં આ પત્રો મ્યુઝિયમને આપવામાં આવ્યા છે અને ત્યારથી તે તેના કબજામાં હતા. બની શકે કે રિઝવાને કેન્દ્ર સરકારની સૂચનાથી જ આ માગણી કરી હોય. રિઝવાને કહ્યું કે સપ્ટેમ્બરમાં મેં આ અંગે સોનિયાને પત્ર લખ્યો હતો પણ તેનો કોઇ જવાબ નહીં મળતા મેં આ અંગે રાહુલને પત્ર લખ્યો છે.
ભાજપે પણ આજે આ પત્રો મ્યુઝિમયને પરત કરવા સોનિયાને જણાવ્યું છે અને કહ્યું છે કે આ પત્ર દેશના ઐતિહાસિક દસ્તાવેજો છે અને કોઇની અંગત મિલકત નથી. આ પત્રો ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના ૫ત્ની એડવિના માઉન્ટબેટન, જયપ્રકાશ નારાયણ અને જગજીવન રામ જેવા નેતાઓને નેહરૂ દ્વારા લખવામાં આવ્યા છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ આજે આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પત્રોમાં એવું તો શું છે કે જે દેશ સમક્ષ જાહેર નહીં થાય એમ ગાંધી પરિવાર ઇચ્છે છે. દેખીતી રીતે આ પત્ર વિવાદમાં ભાજપ નેહરૂની છાપ ખરડવાનો પ્રયાસ કરી શકે છે.
પંડિત નેહરૂએ આમ તો ઘણા લોકોને પત્રો લખ્યા હતા જેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષમી પંડિત, બાબુ જગજીવન રામ , એડવિના માઉન્ટબેટન, ગોવિંદ વલ્લભ પંત વગેરેનો સમાવેશ થાય છે, જે પત્રો સોનિયાએ મ્યુઝિયમમાંથી મંગાવી લીધા હતા. પણ આમાં સૌથી વધુ ચર્ચા એડવિના માઉન્ટબેટનને નેહરૂએ લખેલા પત્રોની છે.
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ અને ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ લુઇસ માઉન્ટબેટનના પત્ની એડવિના માઉન્ટબેટન વચ્ચે મધુર સંબંધો હતા એ બહુચર્ચિત બાબત છે. પંડિત નેહરૂએ એડવિનાને લખેતા આ પત્રોની વાત એડવિનાની પુત્રી પામેલા હિક્સે પણ તેના પુસ્તકમાં લખી છે. પામેલાએ લખ્યું છે કે મારી માતા અને પંડિતજી વચ્ચે ઘણો જ પ્રેમ હતો અને તેઓ એકબીજાને ખૂબ માન આપતા હતા. મારી માતા કે પંડિતજી વચ્ચે જો કે કયારેય શારીરિક સંબંધો બંધાયા નહીં હતા, તેઓ હંમેશા પોલીસ, ઓફિસ સ્ટાફ અને અન્ય લોકોથી ઘેરાયેલા રહેતા હતા એમ પામેલાએ લખ્યું છે.
એડવિના સાથેના નેહરૂના નિકટના સંબંધો જ તેમણે એડવિનાને લખેલા પત્રોમાં લોકોને વધુ રસ જન્માવી રહ્યા છે. એડવિના માઉન્ટબેટન સાથે પંડિત નેહરૂના મધુર સંબંધો લાંબા સમયથી એક ચર્ચિત વિષય રહ્યો છે. અને કેન્દ્રનો હાલનો શાસક પક્ષ તો આ બાબતને બરાબર ઉછાળવાનો પ્રયાસ કરી શકે છે. આમ પણ આપણા સમાજમાં એક સ્ત્રી અને એક પુરુષ – કે જેઓ એકબીજા સાથે પરણ્યા ન હોય તેમના સંબંધો એક ઉત્સુકતા અને ગપસપનો વિષય રહ્યો છે અને તેથી આ વિષયમાં સામાન્ય પ્રજાજનોને પણ ઘણો રસ પડી શકે છે અને આ વિવાદ ચગાવાવામાં આવે તો લોકો સ્વાભાવિક રીતે જ તેમાં રસ લલઇ શકે છે.
એડવિના સાથેના નેહરૂના સંબંધોનો લોર્ડ માઉન્ટબેટને વિરોધ કર્યો ન હતો તેથી માઉન્ટબેટને અમુક કાર્યો કરાવવા માટે એડવિનાનો ઉપયોગ કર્યો હોવાની પણ શંકાઓ વ્યકત કરવામાં આવી હતી અને તે બાબત પણ ચગાવવામાં આવી શકે છે. આ બધી બાબતો ખૂબ સંવેદનશીલ પુરવાર થઇ શકે છે. જો કે નેહરૂના એડવિનાને પત્રોમાં શું છે તે વ્યાપક રીતે બહાર આવ્યું નથી, અને બાહોશ નેહરૂએ વાંધાજનક કોઇ બાબત લખી પણ નહીં હોય તેવી ઘણી શક્યતા છે, પણ વર્ષો પહેલા અમુક સંદર્ભમાં કહેવાયેલી વાત આજે સંવેદનશીલ બની જઇ શકે તેવું બની શકે છે. અને જો ગાંધી પરિવાર નેહરૂના પત્રો મ્યુઝિયમને સોંપવાની આનાકાની ચાલુ રાખશે તો તેની સામે વધુ શંકાઓ ઉભી થશે અને આ વિવાદ તેની છબીને કલંક લગાડી શકે છે.