Columns

મૃગશીર્ષ નક્ષત્રના નક્ષત્રપતિ મંગળ છે અને નક્ષત્રના દેવ ચંદ્ર છે

મૃગશીર્ષ નક્ષત્ર (૧)
ભૂમંડળનું પાંચમું નક્ષત્ર મૃગશીર્ષ છે. આ નક્ષત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતનો અડધો ભાગ વૃષભ રાશિમાં અને પછીનો અડધો ભાગ મિથુન રાશિમાં હોય છે. આ કારણે મૃગશીર્ષ નક્ષત્રના ગુણધર્મ બંને રાશિમાં અલગ આવે છે. નક્ષત્રનો નક્ષત્રપતિ મંગળ છે અને નક્ષત્રના દેવ ચંદ્ર છે. રોહિણી નક્ષત્રમાં જોયું કે નક્ષત્રના નક્ષત્ર પતિ ચંદ્ર અને દેવ બ્રહ્મા. નક્ષત્રનું નામ મૃગશીર્ષ કેમ પડ્યું એ માટે એક વાર્તા બહુ પ્રચલિત છે, જેની વાત કરીએ.

જ્યારે વિષ્ણુ ભગવાને પૃથ્વીના સર્જનનો વિચાર કર્યો ત્યારે તેમણે બ્રહ્માને પૃથ્વીના સર્જનહાર બનાવ્યા. આ કારણે બ્રહ્માને ભૌતિક ચીજોમાં વધુ રસ રહ્યો. આ નક્ષત્ર માટે એક રૂપક કથા છે.
(૧) બ્રહ્મા અને ઉષા
એક વખત બ્રહ્માજી વનમાં ફરતા હતા ત્યારે એમની નજર એમની દીકરી ઉષા પર ગઈ. ઉષા બહુ જ તેજસ્વી છોકરી હતી. જ્યારે ઉષાને ખ્યાલ આવ્યો કે બ્રહ્માજી એની સામે ધ્યાનથી જુએ છે તો એ ગભરાઈ ગઈ અને હરણી થઈ ગઈ. બ્રહ્માજીએ ઉષાને ન જોતાં આમતેમ જોયું તો એને હરણી નજર આવી. એ જોઈ બ્રહ્માજી હરણ થઈ ગયા અને હરણીની પાછળ દોડવા લાગ્યા. જ્યારે બ્રહ્માજીની આ વાતની શિવજીને ખબર પડી ત્યારે શિવજી કોપાયમાન થઈ ગયા. આ પહેલાં પણ બ્રહ્માજીએ આવી ભૂલ કરી હતી અને શિવજીએ એમનું એક મસ્તક કાપી નાખ્યું હતું. આ વખતે શિવજીએ રુદ્રનું સ્વરૂપ લીધું. બ્રહ્માજી હરણ બન્યા હતા. એમનું માથું કાપી નાખ્યું. માથું ઉપર તરફ જઈ આકાશમાં તારામાં સમાઈ ગયું. આમ મૃગશીર્ષ નક્ષત્ર ઉદ્ભભવિત થયું.

હરણના શિંગડા બહુ આકર્ષિત હોય છે. પરંતુ શિંગડાં મોટાં હોઈ વનમાંના ઝાડમાં ભરાઈ જવાની શક્યતા રહે છે. એટલે હરણ હંમેશા સીધું જ દોડતું હોય છે. કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે છે? એ માટે એ શોધમાં રહે, પરંતુ એના જ શરીરમાંથી નીકળે છે એ બહુ મોડું ખબર પડે. બધા નક્ષત્રમાં નક્ષત્રના ચિહ્ન પ્રમાણે નક્ષત્રની ઉત્પત્તિની વાત હોતી નથી. નક્ષત્રના ગુણધર્મ એના દેવતા પ્રમાણે અને યોનિ પ્રમાણે હોય છે.
રોહિણી નક્ષત્રમાં પ્રાણી સર્પ (M) છે, જ્યારે મૃગશીર્ષ નક્ષત્ર પ્રાણી સર્પ (F) છે. નક્ષત્ર યોનિ કુંડળી મેળાપક માટે જોવામાં આવે છે.
આગલા લેખમાં જોયું એમ જાણીતા દેવ માટે ઘણી વાતો પુરાણમાં આપી છે. આ નક્ષત્રના દેવ ચંદ્ર છે. ચંદ્રની ઘણી વાર્તા હિન્દુ ધર્મમાં પ્રચલિત છે. એમાંની એક વાર્તા આપણે જોઈશું.

(૨) ચંદ્ર અને ગણેશ
એક વાર ગણેશના જન્મદિને ગણેશજી પાર્વતી માતાને મળવા ગયા. ગણેશને લાડુ બહુ પ્રિય. પાર્વતીજીએ બહુ આગ્રહ કરી ગણેશને ભરપેટ લાડુ ખવડાવ્યા. ત્યાર બાદ ગણેશજી ઉંદર પર બેસી આગળ જવા નીકળ્યા. ધીમે ધીમે આગળ જતા ગણેશજીને ઊંઘ આવવા લાગી. આમ થોડા ઘેનમાં ગણેશજી ઉંદર પર બેઠા હતા અને ઉંદર ધીમે ધીમે આગળ ચાલતો હતો. રસ્તામાં અચાનક ઉંદરે સાપને જોયો. ઉંદર ગભરાઈ ગયો અને આમ તેમ હાલવા લાગ્યો. ગણેશજી ઊંઘમાં હોવાને કારણે ઉંદર પરથી નીચે પડી ગયા. આ દૃશ્ય ચંદ્રે જોયું અને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા. આથી ગણેશજી બહુ જ ગુસ્સે થઈ ગયા. ગણેશજીએ શાપ આપ્યો કે “ કોઈ પણ પૃથ્વી પરનો માનવી ત્રીજના ચાંદ જોયા વગર જો ચતુર્થીનો ચાંદ જોશે તો એ વ્યક્તિને અત્યંત દુઃખ સહન કરવું પડશે.”

આમ ચંદ્ર દક્ષ પ્રજાપતિ અને ગણેશના શાપથી પીડિત છે. બંને કથામાં ચંદ્ર પોતાના સ્વભાવને કારણે શાપિત થાય છે. છતાં પણ ચંદ્ર પોતાનું કાર્ય કરતા રહે છે. જાતક કંઈ ને કંઈ શોધમાં હોય.
મૃગશીર્ષમાં જન્મેલ જાતક પોતાના પાર્ટનરને વફાદાર રહેવા બહુ પ્રયત્ન કરતો હોય છે. આ નક્ષત્ર મિથુન રાશિમાં હોય, ઉતાવળમાં કામ કરતાં મુશ્કેલી આવે. જાતક એક કામ એક જગ્યાએ સ્થિર થઈ કરે તો ઘણું સારું ફળ મળે.
(વધુ આવતા અઠવાડિયે)

Most Popular

To Top