Charchapatra

અંધભક્તિનાં દુષ્પરિણામ


2017ની સાલમાં વડોદરાની યુવતી સાધુ દ્વારા દુષ્કર્મનો ભોગ બની હતી એને ન્યાય મળ્યો. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સયંમ ન જાળવાતો હોય તો સંસાર ત્યાગ શું કામ? ઘણાં સંપ્રદાયોમાં નાના કિશોરોને ધર્મજ્ઞાન આપી સંસાર ત્યાગના પાઠ ભણાવાતા હોય છે! એ કિશોરો ધર્મઘુરુઓની વાતમાં આવી જઇ સંસાર ત્યાગ પણ કરે છે, પણ કુદરતી રીતે અંતસ્ત્રાવોમાં ફેરફાર થતાં વિજાતીય આકર્ષણ અવશ્ય અનુભવાય છે અને કયારેક સંયમની સીમા ઓળંગાઈ જાય. કુદરતે પ્રત્યેક સજીવમાં પ્રજોત્પત્તિ માટે કામવૃત્તિ મૂકી જ હોય છે એ વિના પ્રજનન ક્રિયા શકય જ નથી પછી એ માનવી હોય કે અન્ય જીવસૃષ્ટિ. તો કુદરતની એ વ્યવસ્થા માટે પરાણે કામવૃત્તિનું દમન શા માટે?

સંસારમાં રહી તમામ ભોગ ભોગવીને શુદ્ધ ચારિત્ર્ય રાખીને પણ પ્રભુ ભક્તિ થઇ જ શકે. શા માટે કોઇ ભક્ત યુવતીને ભોગ બનાવી સ્વયંને લાંછન લગાવવું? અન્ય સંપ્રદાયમાં કિશોરોનું જાતીય શોષણ કરવામાં આવે છે એવા સમાચાર પણ વાંચવા મળે છે! કિશોર ફરિયાદ કરે તો એને ગભરાવી દેવામાં આવે! માતાપિતા પણ ધર્મ જ્ઞાન આપતા ગુરુઓ પર સંતાન કરતાં વધુ વિશ્વાસ ધરાવે છે! એ બાળકો દુષ્કર્મનો બોગ બનતા રહે છે. બહેનોને ઇશ્વર પુરુષની દાનત અને દૃષ્ટિ પારખવાની છઠ્ઠી ઇન્દ્રિય અર્પણ કરી છે, અંધ ભક્તિ અને અંધશ્રદ્ધા દૂર કરી છઠ્ઠી ઇન્દ્રિયને કાર્યશીલ બનાવવાની આવશ્યકતા છે.
સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

બેંક મોર્ગેજ ફ્લેટનાં વેચાણથી સાવધાન
સુરતમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ફ્લેટને બેંકમાં મોર્ગેજ હોવા છતા બારોબાર વેચાણનો સોદો કરી પડાવી લેનાર દંપતી વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પ્રશ્ન એ છે કે આવા મોર્ગેજ ફ્લેટોનું અયોગ્ય રીતે વેચાણ કરી ફ્લેટ લેનારા મોટી સંખ્યામાં ફસાઈ રહ્યા છે. આ અંગે રીર્ઝવ બેન્કે મોર્ગેજ નિયમોમાં એક નિયમ એવો ઉમેરવો જોઈએ કે જે મિલકત જે તે બેન્કમાં મોર્ગેજમાં હોય તેની જાહેરાત તે બેન્કે દૈનિક પત્રોમાં કરવી જોઈએ અને મોર્ગેજ મિલકત પર નોટીસ મારવી જોઈએ કે આ મિલકત સંબંધિત બેંકમાં મોર્ગેજમાં હોવાથી આ સોદો કરતા પહેલા સંબંધીત બેન્કનો સંપર્ક કરવો જોથી આવા છેતરપિંડીનો કેસો બને જ નહી યા અંગે જનહિતમાં મોર્ગેજ નિયમોમાં જરૂરી સુધાર કરશે એવી આશા રાખીયે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top