સુરત : થોડા દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને નોકરી પરથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનાના રાજ્યભરમાં ઘેરા પડઘાં પડ્યા છે. ગઈકાલે સોમવારે મહેસાણામાં ટીઆરબી જવાનો નહીં હોવાના લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, હવે સુરતમાં પણ ટીઆરબી જવાનોને છૂટા કરવાના મામલે રાજકારણ ગરમાયું છે.
રાજ્યભરમાં ફરજ બજાવતા 6,000 થી વધુ ટીઆરબી જવાનોને છૂટા કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે રોષ વ્યાપી ગયો છે. રાજ્ય સરકાર પરિપત્ર પાછો ખેંચી લે તેવી માંગ ઉઠી છે. પરિપત્ર પરત નહીં ખેંચવામાં આવે તો આંદોલન છેડવાની ચીમકી કોંગ્રેસના ઓબીસી સેલ ઉચ્ચારવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન સ્થિત સરદારની પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે.
આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી દ્વારા સુરતમાં એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આંદોલન અંગે નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મોટી સંખ્યામાં ટીઆરબીના જવાનો હાજર રહ્યાં હતાં. તે તમામે એકસૂરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
સુરતના ભટાર સ્થિત ઈશ્વર ફાર્મ ખાતે ટીઆરપીના જવાનો અને કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં ચોક્કસ રણનીતિ તૈયાર કરવા વિચારણા થઈ હતી. સૌપ્રથમ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી શહેરના મહામંત્રી કલ્પેશ બારોટની જાહેરાત થઈ હતી. સુરત ખાતે 1600થી વધુ ટીઆરબી જવાનો ફરજ બજાવે છે. તેના હિતમાં આ નિર્ણય લેવામાં આવે તે પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ ઝમીર શેખે કહ્યું કે, બેરોજગાર યુવાઓ પાસેથી પુરેપુરી ફરજ લેવામાં આવે છે. ટેક્નિકલ નામ માનદ સેવા આપવામાં આવ્યું છે. લેબર કાયદા મુજબ 400 રૂપિયાથી વધુ ચૂકવવા જોઈએ,પરંતુ ખૂબ જ ઓછું વળતર ચુકવવામાં આવે છે. લેબર કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે તેનો આ ઉત્તમ દાખલો છે. 180 દિવસથી વધુ સેવા આપી હોય તેવા સંજોગોમાં ટીઆરબીને નોકરીએથી રદબાતલ નહીં કરી શકાય. ટીઆરબી જવાનો દસ વર્ષથી વધુ સમય એક જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા લોકો ભ્રષ્ટાચાર કરતા હશે તેવું સરકારને લાગે છે.
આ પરિપત્ર સદંતર કાયદા વિરુદ્ધનું છે. 300 રૂપિયા આપી ટીઆરબી જવાનોનું શોષણ કરવામાં આવે છે. તેમ છતાં દસ દસ વર્ષ સુધી યુવાઓએ સેવા આપી.ટીઆરબી જવાનોના નામે બનાવવામાં આવેલ ટ્રસ્ટના બેનીફેસિયરી જવાનો છે. પરંતુ આ ટ્રસ્ટ માત્ર ટીઆરબીના જવાનોનું શોષણ કરવામાં માટે બનાવવામાં આવ્યું છે. જે બંધારણના વિરૂદ્ધ છે અને તેને અમે કોર્ટમાં લઈને જશું.