Charchapatra

કોંગ્રેસ પણ ચડ્ડીની અડફટે

પ્રમુખપદની ચૂંટણી તો હજી થઈ નથી. એ પહેલાં નવા સવાલો પેદા થઈ ગયા અને સમગ્ર દેશનું ધ્યાન જ્યાં રાહુલ ગાંધીની પદયાત્રા તરફ મંડાયેલું તે રાજસ્થાન તરફ ફંટાઈ ગયું! રાહુલ ગાંધીની પદયાત્રાને મળી રહેલાં વાવાઝોડા જેવા પ્રતિસાદને રોકવા  આ નાટક કર્યું હોય. ગમે તેમ પરંતુ પક્ષમાં આંતરિક લોકશાહી છે એ તો પુરવાર થઈ ગયું. ભાજપમાં આવી આંતરિક લોકશાહી નથી. કારણ ભાજપ તોફાની નેતાઓની મનમાની પ્રમાણે ચાલતો પક્ષ છે.

કોંગ્રેસ પક્ષનું ધર્મના હુમલાને કારણે સતત ધોવાણ થતું રહ્યું છે એ માટે જવાબદાર પણ કોંગ્રેસીઓ જ છે. પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિમાની ઉદ્યોગના અભ્યાસી હતા, પરંતુ સમાજશાસ્ત્ર અને જનમાનસ Psychology થકી કોંગ્રેસના સિધ્ધાંતો જનમાનસમાં ઊતરી ના શકયા. તેણે બે કામ એવાં કર્યાં, જેને કારણે તેને ફાયદો થવાને બદલે ભાજપને ફાયદો થયો. અયોધ્યામંદિરના દરવાજા ખોલાવી નાંખ્યા, 18 વર્ષની ઉંમરનાને મતાધિકાર આપ્યો. કાચી ઉંમરના અપરિપક્વ જુવાનોના હાથમાં મતપત્રક પકડાવ્યું,  પરંતુ ભાજપે તે મતપત્રક છીનવી લઈ તે યુવાનના હાથમાં પેટ્રોલ છરી ચપ્પુ અને ધિક્કાર પકડાવી દીધા. કોંગ્રેસના કોઈ નેતા રાજીવ ગાંધીના વિચારનો વિરોધ કરવા બહાર ન પડ્યા, તે પક્ષની કમનસીબી. આજની સ્થિતિ કોંગ્રેસ માટે જનમાનસમાં છવાઈ જવાની મહાન તક છે. જનતાને તે બતાવી શકે છે કે અમે પક્ષપ્રમુખ તળિયેથી પસંદ કરીએ છીએ, કોઈના આદેશથી નહીં. એકના એક માણસો કોંગ્રેસ સાંસદ, મુખ્યમંત્રી, મંત્રી તરીકે દસકાઓ સુધી ચલાવ્યે રાખે તો બીજા નવા કાર્યકરોએ તેમની ચાપલૂસી કર્યા કરવાની?
સુરત     – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગાંધી વિચારધારાને ડૂબતી બચાવો
હજી સમય છે નવી પેઢીને ગાંધી વિચારસરસણી સમજાવવાનો. લોકો સમજી શકે તો એને સમજાવી શકાતું. હવે આ વિચારધારાને ડૂબતી બચાવો. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે વિશ્વે ગાંધીવિચારને પોંખ્યો છે પણ સ્થાનિક રીતે ગાંધીવિચાર ખોવાયો છે. સત્ય અને અહિંસાની વાત પણ દિવાલમાં મઢી લેવામાં આવી છે. ગાંધી એક વિચારયાત્રા છે, સૌએ આ સમજ કેળવવાની જરૂર છે. પૂ.બાપુ ભારતના આત્મ હતા, કોઈએ તેમને સંત કહ્યા હતા. ચરખા પર બનાવેલી ખાદી પહેરી સાબરમતી આશ્રમના લીમડાની છાયામાં સત્યઅહિંસાના પાઠ પ્રજાને ભણાવનાર બાપુ આજે વિસરાયા છે. ગાંધીવિચાર તો બાપડો-બિચારો બની ગયો છે.
સુરત     – ડાહ્યાભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top