Business

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ભારત માટે લાભદાયક પણ ચિંતાજનક છે

પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ફરી એક વાર હિંસક સંઘર્ષ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાન તાલિબાન સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે. પાકિસ્તાનનો આરોપ છે કે પાકિસ્તાન વિરુદ્ધના હુમલાઓ અફઘાન ધરતી પરથી આયોજિત કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે તેની લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અફઘાન તાલિબાનના ૧૩૩ સભ્યો માર્યા ગયા છે અને ૨૦૦ ઘાયલ થયા છે. પાકિસ્તાને કહ્યું હતું કે આ હુમલાઓમાં અફઘાનિસ્તાન સરહદ નજીક સાત આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પુષ્ટિ આપી કે પાકિસ્તાને રાજધાની કાબુલ, પક્તિકા અને કંદહારમાં અનેક સ્થળોએ બોમ્બમારો કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન જો પાકિસ્તાન અને અફઘાન વચ્ચે લાંબું યુદ્ધ શરૂ થાય તો ભારત પર તેની શું અસર થઈ શકે છે?

જો કે, ભારત અને અફઘાનિસ્તાન સાથે કોઈ સામાન્ય સરહદ નથી અને તાલિબાન સરકાર સાથે ભારત મજબૂત રાજદ્વારી સંબંધો ધરાવતું નથી. સાઉથ એશિયન યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ધનંજય ત્રિપાઠી માને છે કે આવા યુદ્ધથી પ્રાદેશિક સ્થિરતા પર અસર પડી શકે છે અને અન્ય દેશોને આ ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની તક મળી શકે છે. જો તાલિબાન સાથેના સંઘર્ષને કારણે  પાકિસ્તાન પરેશાન છે, તો ભારતને આ સંદર્ભમાં થોડી શ્વાસ લેવાની જગ્યા મળી શકે છે, કારણ કે પાકિસ્તાન હંમેશા ભારત વિરુદ્ધ સક્રિય રહે છે. આ રીતે, ટૂંકા ગાળામાં તે ભારત માટે સારું હોઈ શકે છે, પરંતુ આપણે જોવું પડશે કે તાલિબાન આના પર કેવી પ્રતિક્રિયા આપે છે. જો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સામે લડવા માટે વિવિધ સંગઠનો ઉભરી આવે છે, તો ભવિષ્યમાં તે ભારત માટે સારું રહેશે નહીં. આ સંગઠનોની તાકાત વધી જાય તો તેઓ ભારતને પણ નુકસાન કરી શકે છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન વહીવટીતંત્રના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ છ દિવસ માટે ભારતની મુલાકાત લીધી હતી. ઓગસ્ટ ૨૦૨૧ માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં પાછા ફર્યા પછી તાલિબાન સરકારના પ્રધાન દ્વારા ભારતની આ પહેલી સત્તાવાર મુલાકાત હતી. મુત્તાકીની ભારત મુલાકાત દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર સંઘર્ષ થયો હતો, જેમાં બંને પક્ષોએ એકબીજાને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો.

મુત્તાકીની ભારત મુલાકાતથી પાકિસ્તાન નારાજ હોવાનું માનવામાં આવતું હતું, જેણે તાજેતરમાં મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ કર્યા છે. મિડલ ઇસ્ટ ઇનસાઇટ્સ પ્લેટફોર્મના સ્થાપક ડૉ. શુભદા ચૌધરી કહે છે કે આવા સંઘર્ષની અસર ભારત અને ઈરાન બંને પર પડી શકે છે, કારણ કે ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ છે. આ સંઘર્ષ લાંબો સમય ચાલશે નહીં કારણ કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નથી.

વિદેશી બાબતોના નિષ્ણાત કમર આગા માને છે કે કોઈ પણ પક્ષ ભારતનો મિત્ર નથી, તેથી ભારત ઈચ્છે છે કે આ સંઘર્ષ ચાલુ રહે અને તે મોટા અને નાના બંને સ્તરે ચાલુ રહેશે. આનાથી ભારતને ફાયદો એ થશે કે તેનો પાકિસ્તાન જેવો દુશ્મન બીજા મોરચે રોકાયેલો છે. જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તેની અસર ભારત તેમજ ઈરાન પર પડશે, જે પોતે ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવની સ્થિતિમાં છે. જો લડાઈ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો અફઘાન શરણાર્થીઓ ફરી વાર ભારત અને ઈરાન જવા માંગશે. ચીન, પશ્ચિમી દેશો અને અમેરિકા આ ​​સંઘર્ષ વધશે તેવું ઇચ્છશે નહીં, કારણ કે તે પાકિસ્તાન સાથેના સંબંધો ફરીથી બનાવી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું તે પહેલાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. હકીકતમાં, રાજદ્વારી દૃષ્ટિકોણથી અફઘાનિસ્તાન હંમેશા ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે અને ખાસ કરીને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સતત તણાવપૂર્ણ રહ્યા છે, જે ભારત માટે અફઘાનિસ્તાનનું મહત્ત્વ વધારે છે. આ વખતે પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં છે અને ભારત પાકિસ્તાનને ખુશ કરવા માટે તાલિબાન શાસન સાથેની વાતચીતને સકારાત્મક રીતે આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો તાલિબાન શાસન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે અફઘાનિસ્તાનને ઘણા ટુકડાઓમાં વિભાજીત કરી શકે છે. આ પરિસ્થિતિ પ્રાદેશિક રીતે ભારત માટે સારી નહીં હોય, કારણ કે ઘણાં જૂથોના ઉદ્ભવ સાથે, તેમાંથી કેટલાંક જૂથો ભારતની વિરુદ્ધ થઈ શકે છે.  આનાથી સમગ્ર દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં અસ્થિરતા પણ ફેલાઈ શકે છે.

હકીકતમાં, ૧૩૩ વર્ષ પહેલાં દોરેલી ડુરાન્ડ લાઇન હજુ પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવનું કારણ છે. ડુરાન્ડ લાઇનનું નામ બ્રિટિશ ભારતના વિદેશ સચિવ સર હેનરી મોર્ટિમર ડુરાન્ડના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેમણે અફઘાનિસ્તાનના અમીર અબ્દુર રહેમાન ખાન સાથે વાટાઘાટો કરી હતી. આ રેખાનો પશ્ચિમ છેડો ઈરાની સરહદને મળે છે, જ્યારે પૂર્વ છેડો ચીની સરહદને મળે છે. બ્રિટને ૧૮૩૯ માં અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, જેમાં બ્રિટિશ દળોનો પરાજય થયો હતો. ૧૮૪૯માં અંગ્રેજોએ પંજાબ પર કબજો કર્યો. ત્યાર બાદ તેઓએ સિંધુ નદીની પશ્ચિમે આવેલી શીખ સરહદ પર કબજો કર્યો. આ પ્રદેશમાં અસંખ્ય પશ્તુન જાતિઓ રહેતી હતી અને તેમનો વહીવટ અંગ્રેજો માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યો હતો. એક સમયે ડુરાન્ડ લાઇન અંગેના કરારને ઘણા અફઘાન શાસકોએ માન્યતા આપી હતી. સમય જતાં અફઘાન શાસકોએ તેને પાકિસ્તાન સાથેની સરહદ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો.

તત્કાલીન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગો પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે બ્રિટિશ સરકારે ૧૮૯૩માં અફઘાનિસ્તાન સાથે ૨,૬૪૦ કિ.મી. લાંબી સરહદના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એક તરફ અફઘાનિસ્તાનના ૧૨ પ્રાંત છે અને બીજી તરફ ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા પાકિસ્તાની પ્રદેશો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખુલ્લી સરહદ છે અને બંને બાજુનાં લોકો એકબીજાની ખૂબ નજીક છે. આ નિકટતા ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો સુધી વિસ્તરે છે. અફઘાનિસ્તાનની સરકાર માને છે કે પાકિસ્તાન સાથે દોરેલી ડુરાન્ડ રેખા તેની પ્રાદેશિક અખંડિતતામાં દખલ કરે છે અને તેથી તેને માન્યતા આપવાનો ઇનકાર કરે છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ઈરાન બંને પક્ષો વચ્ચેની વાતચીતમાં મધ્યસ્થી તરીકે કામ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાને સારા પડોશી તરીકે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. પાકિસ્તાની અને અફઘાન દળો વચ્ચેના અગાઉના યુદ્ધની જેમ બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરનાર પ્રથમ હોવાનો આરોપ લગાવ્યો છે અને બંનેએ ભારે જાનહાનિ પહોંચાડવાનો દાવો કર્યો છે.

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ​​કાબુલ, કંદહાર અને પક્તિકામાં થયેલા પાકિસ્તાની હુમલાઓની નિંદા કરી છે. પાકિસ્તાન ઘણાં વર્ષોથી તાલિબાન સરકાર પાસેથી પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યું છે અને આ માંગ તાજેતરમાં વધુ તીવ્ર બની છે. આ ઘટના પછી બંને પક્ષો વચ્ચે તણાવ ચાલુ રહ્યો છે. જો કે આ તણાવ ઘટાડવા માટે શાંતિ વાટાઘાટો અને કરારો થયા હતા, પરંતુ સંઘર્ષનો અંત આવ્યો ન હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top