કુદરતની સામે જગતનો અન્નદાતા એવો ખેડૂત લાચાર બની રહ્યો છે. બિચારા ખેડૂતોને મોંએ આવેલો કોળીયો છીનવાઈ રહ્યો છે. અણધાર્યા વરસાદને પરિણામે ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે. ખેડૂતોના પાકને તો ભયંકર નુકસાન થયું છે જ સાથે સાથે દેવામાં ડૂબી રહેલો ખેડૂત વધારેને વધારે દેવાદાર બનતો જાય છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોના માથે આભ ફાટ્યું છે. દિવાળી પછી પણ વરસાદી માહોલને પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો દ્વારા મહામહેનતે તૈયાર થયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. ડાંગરના પાકની સાથે સાથે શાકભાજીનો પાક પણ બરબાદ થઈ ગયો છે.
એટલું જ નહીં પશુઓ માટે ચારાની સમસ્યા પણ ઊભી થઈ છે. હવામાનની આગાહીને પરિણામે ખેડૂતો પર સતત ચિંતાના વાદળો છવાતા જતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો દ્વારા મહેનત કરીને જે ફસલ તૈયાર કરવામાં આવી તે વરસાદના પાણી સાથે વહી ગઈ છે એમ કહીએ તો ખોટું નથી. આસો માસમાં અષાઢી માહોલને પરિણામે ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે. વરસાદ અને વાવાઝોડાને પરિણામે બિચારો ખેડૂત બરબાદી તરફ ધકેલાઈ રહ્યો છે. તૈયાર પાક સંપૂર્ણપણે પલળી જતા ખેડૂતોમાં નિરાશામાં ગરકાવ થઈ ગયા છે. ગુજરાત સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપીને એમનું નુકસાન ભરપાઈ થવું જોઈએ.
નવસારી – ડૉ. જે.એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.