સુરત: સુરત શહેરના અધિકારી અને પદાધિકારી વારંવાર જુદી જુદી સમિટમાં જઇને સુરત સિંગાપોર જેવું છે તેવું પ્રેઝન્ટેશન કરે છે. પરંતુ તેમના આ પ્રેઝન્ટેશન અને સાચી હકીકત ઉત્તર દક્ષિણ છે. સુરતના બગીચાઓની આવી હાલત જોઇને તો કમસેકમ કોઇ બીજી વખત અન્ય શહેરમાંથી આવેલા સહેલાણીઓ બીજી વખત તો અહીં જવાની હિંમત જ નહીં કરે. કોઝવે નજીક આવેલા બગીચાની હાલત પણ આ પ્રકારની જ છે. અહીં જે રીતે પાણી ભરાયાં છે તે જોતા લાગે છે કે અહીં બાળકો કેવી રીતે રમી શકે.
- કોઝવે નજીકના ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા
- રમતગમતના સાધનો પાસે જાણે ખાબોચિયા ભરાયા
સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના દાવા કરવામાં આવે છે પરંતુ સ્થળ પર કંઈક બીજુ જ ચિત્ર ઉપસ્થિત થતું હોય છે. આ વર્ષે પણ મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી આગોતરી શરૂ કરી દીધી હોવાની વાતો કરી હતી પરંતુ ચોમાસાની શરૂઆત થતા જ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે.
સાથે જ હવે તો ગાર્ડનમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. જેથી શનિ રવિની રજામાં બાળકો ગાર્ડનમાં રમી પણ શકતા નથી. શહેરના કોઝવે નજીકના મનપાના ગાર્ડનમાં પાણીનો ખૂબ ભરાવો થયો છે. આવી સ્થિતિમાં બાળકો બગીચામાં રમવા કેવી રીતે જાય તેના પર પણ પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે.
કોઝવે વિસ્તારમાં લોકોના મનોરંજન માટેનો એક જ ગાર્ડન હોવાથી રવિવારે મોટી સંખ્યામાં માતાપિતા બાળકોને લઈને આ જ ગાર્ડનમાં જતા હોય છે. પરંતુ થોડા જ વરસાદમાં આ ગાર્ડન પાણીના ખાબોચિયા ભરાઈ જતા બાળકો પાણી ભરાયા છે ત્યા જ રમવા મજબુર બન્યા છે.
પાણીના ભરાવાને કારણે મચ્છરોના ઉપદ્રવ પણ થઈ રહ્યા છે આવામાં બાળકો બિમાર પડે તેવી ભીતિ પણ છે. ગાર્ડનમાં ખાસ કરીને રમતગમતના સાધનો છે ત્યા તો પાણીનો ખુબ ભરાવો થઈ રહે છે. જેથી અહી પાણીનો નિકાલ તાકીદે થાય તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.