જાતીય અસમાનતા માનવ વિકાસની પ્રગતિને આડે એક મોટું વિઘ્ન માનવામાં આવે છે. સ્ત્રી–પુરુષો માટે ઊભી થતી વિકાસની તકો અસમાન હોય તો એની અસર માત્ર માનવીય ધોરણે તો સમસ્યા છે જ પણ એ સાથે આર્થિક વિકાસની ગતિને પણ એ અવરોધે છે. એટલે જ વિશ્વના દેશોમાં કેટલી સમાનતા પ્રાપ્ત થઇ અને ધ્યેયપ્રાપ્તિમાં કેવાં વિઘ્નો આવ્યાં એની માપણી વૈશ્વિક સંગઠનો કરતાં રહે છે જેથી પડકારોના બદલાતાં રૂપ-રંગ સામે યોગ્ય પગલાં લઇ શકાય. આવી જ એક જેન્ડર ગેપ ઇન્ડેક્સની માપણી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પાછલાં ઓગણીસ વર્ષોથી કરે છે.
તેમના ૨૦૨૫ના રીપોર્ટ મુજબ જાતીય અસમાનતાને દૂર કરવામાં વૈશ્વિક સ્તરે ધીમી પણ મક્કમ પ્રગતિ થઇ છે. તોયે આ ઝડપે જાતીય અસમાનતા સંપૂર્ણપણે દૂર થતાં હજુ ૧૨૩ વર્ષ લાગશે! આ જ રીપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારતમાં સમાનતાનો સ્કોર માત્ર ૬૪.૧ ટકા છે. એ સાથે દક્ષિણ એશિયાના દેશોમાં ભારતનું સ્થાન સૌથી નીચે છે. પાકિસ્તાનને છોડીને બાકીના બધા પાડોશી દેશો – બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકાનો દેખાવ આપણા કરતાં સારો છે. ભારતનો વૈશ્વિક ક્રમ પણ નીચે ગયો છે. ૨૦૨૪માં ૧૪૮ દેશમાં ભારતનું સ્થાન ૧૨૯ હતું તે આ વર્ષે ૧૩૧મું નોંધાયું.
આ ઇન્ડેક્સ ચાર માપદંડના આધારે તૈયાર થાય છે – શિક્ષણ, આરોગ્ય, આર્થિક ભાગીદારી અને રાજકીય સશક્તિકરણ. આ ચારમાંથી પહેલા ત્રણ માપદંડમાં ભારતે સુધારો નોંધાવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય બંને ઈનપુટ ફેક્ટર છે, જેમાં ભારતની પ્રગતિ ઘણી સારી છે. શિક્ષણ મેળવવામાં ૯૭ ટકા ભેદ પુરાઈ ચૂક્યો છે, એટલે કે દર ૧૦૦ પુરુષોએ ૯૭ મહિલાઓને શિક્ષણ મળે છે. છોકરા અને છોકરી લગભગ સમાન પ્રમાણમાં શાળામાં દાખલ થાય છે.
કોલેજમાં પણ છોકરીઓનું પ્રમાણ ઘણું સુધર્યું છે. શહેરી વિસ્તારની કેટલીક યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીમાં મહિલા વિદ્યાર્થીનું પ્રમાણ વધારે હોવાનું નોંધાયું છે! એ જ રીતે આરોગ્યની સવલતો અને સ્વાસ્થ્યનાં પરિણામોમાં ૯૫ ટકા ભેદ દૂર થયો છે. લૈંગિક ગુણોત્તર સુધર્યો છે. મહિલાઓનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આમ છતાં, આ ઈનપુટનું – શિક્ષણ અને આરોગ્યના -પરિણામે આર્થિક અને રાજકીય ભાગીદારીમાં જે પરિણામ દેખાવું જોઈએ એ દેખાતું નથી. આ બંને માપદંડમાં ભારતનો સ્કોર ઘણો નીચો છે, જેને કારણે ભારતનું સ્થાન આખરી વીસ દેશોમાં આવે છે.
મહિલાઓની આર્થિક ભાગીદારીના સૂચકાંકમાં ગયા વર્ષ કરતાં થોડો સુધારો જરૂર થયો છે, તેમ છતાં શિક્ષણમાં મળેલી સફળતાને કારણે કાર્ય દળમાં મહિલાઓની ભાગીદારી ૨૫ ટકાની આસપાસ રહે છે. એનાથી લાંબા ગાળા માટે ઊંચી આવી નથી. નોકરીની સમાન તક ઊભી થઇ નથી તેમજ મહિલા અને પુરુષના આવકની અસમાનતા પણ ઊડીને આંખે વળગે એવી છે. ટોચના હોદ્દા પર સ્ત્રીઓનું પ્રતિનિધત્વ ખૂબ જ ઓછું છે. ઈન્દ્રા નુયી, કિરણ મજમુદાર શો કે ફાલ્ગુની નાયર જેવાં ઉદાહરણ આશા જરૂર જગાવે છે પણ એ મહિલાઓના આર્થિક દરજ્જામાં અપવાદ જ ગણાય. જો કે આ સંઘર્ષ માત્ર ભારતનો જ નહિ પણ દુનિયા બહારની સ્ત્રીઓનો છે. આઈસલેન્ડ જેવો જે દેશ જે સોળ વર્ષથી પ્રથમ ક્રમે આવે છે અને જે નેવું ટકાથી વધુ અસામાનતા દૂર કરી ચૂક્યો છે, ત્યાંની મહિલાઓ પણ વેતનની અસમાનતા સામે આજે પણ સંઘર્ષ કરી રહી છે.
ભારતનું સ્થાન બે અંક નીચે ધકેલવા માટે મહિલાઓનું રાજકીય ભાગીદારી અને સશક્તિકરણનો સૂચકાંક જવાબદાર છે. ૨૦૨૪ કરતાં આ સૂચકાંકમાં આપણો સ્કોર નીચો ગયો છે, કારણકે સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૧૪.૭ ટકાથી ઘટીને ૧૩.૮ ટકા થયું છે તેમ જ સાથે મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા ૬.૫ ટકાથી ઘટીને ૫.૬ ટકા થઇ. ટૂંકમાં રાજકીય સત્તા સંભાળવાની જવાબદારી ગયા વર્ષ કરતાં ઓછી મહિલાઓને ભાગે આવી છે અને આપણે માત્ર ૨૪.૫ ટકા જેટલો જ જાતીય ભેદ દૂર કરી શક્યા છીએ. મહિલા નેતાના નામે ચૂંટણી લડવામાં રાજકીય પક્ષોને જોખમ લાગે છે. નવી મહિલા નેતાઓને મોકા મળતા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ માટે આરક્ષણ હોવાને કારણે સ્થાનિક સ્તરે ભાગીદારી વધી છે પણ રાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ બદલાઈ જાય છે. એ તો હવે ૨૦૨૯ પછી જયારે મહિલાઓ માટે આરક્ષણ અમલમાં આવે ત્યાર પછી કોઈ ફરક ઊભો થાય તો સાચું.
જાતીય અસમાનતા ઘણો પેચીદો વિષય છે. સદીઓથી પ્રવર્તતી પિતૃસત્તાક વ્યવસ્થાનાં મૂળ એટલાં તો ઊંડાં છે કે ચાર પગલાં આગળ ચાલો તો બે પગલાં પાછળ ધક્કો વાગતો જ રહે છે. કોઈ પણ પ્રકારના સંઘર્ષની પરિસ્થિતિ સર્જાય, અછત ઊભી થાય કે પછી સંસાધનો પર દાવો કરવામાં સ્પર્ધા ઊભી થાય કે તરત જ સ્ત્રીઓના ભાગે આવતાં સાધનો પર સીધી કે આડકતરી અસર દેખાવા લાગે છે. એટલે જ સતત એનું નિરીક્ષણ કરતાં રહેવું આવશ્યક બની જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.