ભરૂચ: ઓપરેશન ક્લિન અંતર્ગત શુક્રવારે રાતે આખા રાજ્યની જેલોને એકસાથે ધમરોળવામાં આવી હતી. અમદાવાદ સેન્ટ્રલ જેલ સહીત રાજ્યના તમામ જિલ્લામાં પોલીસની ટુકડીઓએ સર્ચ શરૂ કર્યું હતું. ઘણા સ્થળોએ વહેલી સવાર સુધી પ્રક્રિયા ચાલી હતી.ભરૂચમા પણ એસપી ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સબ જેલ ભરૂચમાં તપાસ હાથ ધરી હતી. ભરૂચ પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે સૂત્રો અનુસાર જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ સબજેલ અગાઉ પણ મોબાઈલ ફોનના મામલે વિવાદોમાં રહી છે.
- ભરૂચમાં પણ એસપી ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સબજેલ ભરૂચમાં તપાસ હાથ ધરી હતી.
- સબજેલના સરપ્રાઈઝ ચેકિંગમાં ભરૂચ પોલીસને મળેલી સફળતા, ૪ મોબાઈલ ફોન અને રોકડા ઝડપાયા
ભરૂચ પોલીસના એસપી ડો. લીના પાટીલના માર્ગર્શન હેઠળ SOG PI આનંદ ચૌધરી અને ક્રાઇમ બ્રાન્ચના PI ઉત્સવ બારોટે પોલીસ કાફલા સાથે ભરૂચ સબજેલમાં તપાસ શરૂ કરી હતી. મોડીરાત સુધી ચાલેલી તપાસ દરમ્યાન SP જાતે પણ જેલમાં પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ભરૂચ પોલીસને સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન મહત્વની સફળતા પણ હાંસલ થઇ છે. જેલમાંથી ૪ મોબાઈલ ફોન અને રોકડા રૂ.૪૫૦૦/- મળી આવ્યા છે. પોલીસે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ પણ શરૂ કરી છે.
મોબાઇલની FSL તપાસ થશે
સુત્રી મુજબ મળી આવેલા ૪ મોબાઈલ ફોનને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવશે. આ ફોન કોણે ઉપયોગમાં લીધા અને કોને ક્યાં કારણોસર કોલ કાર્ય હતા? તેની વિગતો બહાર લાવવામાં આવશે.
જેલમાં રોકડનો શાના માટે ઉપયોગ!!
જેલમાં મળી આવેલી રોકડ પાછળ બે મુદ્દો તપાસ માંગે છે. એક જેલમાં બહારથી નશા તેમજ ગુટખા અને વૈભવની ચીજો વેચાતી હોય અથવા જેલમાં ખંડણીનું નેટવર્ક ચાલતું હોઈ શકે છે. આ તમામ મામલાઓ પણ તપાસ હેઠળ લેવાઈ શકે છે.
વર્ષ-૨૦૨૧-૨૨માં મોબાઈલ મળી આવવાના ઘણા બનાવ સામે આવ્યા હતા
ભરૂચ સબજેલ કેદીઓ દ્વારા થતા મોબાઈલ ફોનના ઉપયોગના કારણે સતત વિવાદોમાં રહે છે. ભરૂચ પોલીસ, સ્થાનિક જેલ તંત્ર, વિજિલન્સ સ્કોડ અને જિલ્લા બહારની એજન્સીઓના સરપ્રાઈઝ ચેકિંગમાં અનેકવાર મોબાઈલફોન ઝડપાયા છે. ભૂતકાળમાં બેરેકના ફ્લોરમાં, પાંખમાં , ટોઇલેટમાં અને જેલના સભાખંડની બહારથી જમીનમાં દાટેલી પ્લાસ્ટીકની બેગમાંથી મોબાઈલ, સીમકાર્ડ, ચાર્જર, બેટરી, બીડી તેમજ ગુટખા મળી આવવાના ગુના ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે દાખલ થયા છે.