SURAT

સ્થાયી સમિતિની મિટિંગમાં કમિશનર હાજર રહે, શાસકો દ્વારા સૂચના અપાઈ

SURAT : એક બાજુ શહેર કોરોનાના ( CORONA) અજગર ભરડામાં સપડાઇ ચૂક્યું છે. કોરોનાના મુખમાંથી શહેરીજનોને બચાવવા મનપાનું તંત્ર દિવસ-રાત દોડી રહ્યું છે. ત્યારે ટીમ મનપાને લીડ કરી રહેલા મનપા કમિશનર સ્થાયી સમિતિ કે અન્ય સમિતિઓની મીટિંગમાં હાજર રહેવાને બદલે કોરોનાની કામગીરી પર વધુ ધ્યાન આપી રહ્યા છે. અને મીટિંગમાં સિટી ઇજનેર હાજર હોય છે. તેથી સ્થાયી સમિતિએ હવે મનપા કમિશનરને કોઇ પણ કામમાંથી સમય કાઢીને પણ સ્થાયી સમિતિની મીટિંગમાં હાજર રહેલાની સૂચના મોકલી છે. કોરોનાકાળના કારણે સ્થાયી સમિતિ અને અન્ય સમિતિઓમાં માંડ બે ચાર દરખાસ્ત આવે છે. તે પણ રૂટિન કામોની જ હોય છે. આમ છતાં મનપા કમિશનરને જ હાજર રાખવાની શાસકોની મમતને કારણે વહીવટી અને ચુંટાયેલી પાંખ વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ સપાટી પર આવી જવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.


કોટ વિસ્તારમાં અશાંતધારા હેઠળની મિલકતો કબજા રસીદથી વેચી મારવાનો ખેલ : શાસકોએ રિપોર્ટ માંગ્યો

મૂળ સુરતની ઓળખસમાન કોટ વિસ્તારમાંથી સ્થળાંતર વધી રહ્યું છે. તેમજ અમુક ચોક્કસ કોમની વસતી વધી રહી હોવાનું જણાતાં સરકાર દ્વારા કોટ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાયો છે. જે અંતર્ગત કોઇ વિધર્મી કોમની વ્યક્તિને મિલકત વેચતા પહેલાં મિલકતદારોએ કલેક્ટરની મંજૂરી લેવી પડે છે. જો કે, આ કડાકૂડમાં પડવાને બદલે હવે અમુક બિલ્ડરો દ્વારા દસ્તાવેજના બદલે કબજા રસીદથી મિલકતો ખરીદી કોમર્શિયલ બાંધકામો કે રહેણાક કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવી રહ્યાં છે. જે મુદ્દે સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી. તેથી સ્થાયી સમિતિએ આવી કેટલી મિલકતો કબજા રસીદ પર લે-વેચ થઇ છે તેની તપાસ કરી રિપોર્ટ કરવા ઝોનના તંત્રને સૂચના આપી છે.


પૂર્વ મંજૂરી વગર કરી દેવાયેલા યુ.સી.ડી. સહિતનાં 68 કામની દરખાસ્ત શાસકોએ રિફર બેક કરી દીધી

સુરત મનપાની સ્થાયી સમિતિની મીટિંગમાં અધિકારીઓની મુનસફી મુજબ કરાતા પૂર્વ મંજૂરી વગરના ખર્ચ પર લગામ કસવા માટે 64 કામમાં થઇ ચૂકેલા 3 કરોડથી વધુના ખર્ચને મંજૂર કરવાની દરખાસ્ત રિફર બેક કરી દેવામાં આવી હતી. આ કામોમાં યુ.સી.ડી. આરોગ્ય તેમજ ઝોન સ્તરે થયેલાં જુદાં જુદાં કામોના ખર્ચને મંજૂર કરવાની દરખાસ્ત હતી. જેમાં તમામ સ્પષ્ટતા સાથે દરખાસ્ત રજૂ કરવા સ્થાયી સમિતિએ સૂચના આપી છે

Most Popular

To Top