આપણા સૌના સુરતને સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે સ્વચ્છ બનાવવાનું અભિયાન ગુજરાતમિત્ર દૈનિક દ્વારા આદરવામાં આવ્યું છે. આ અભિયાનને સુરતની જનતા તરફથી પણ જબરજસ્ત પ્રતિભાવ સાંભળી રહ્યો છે જે આનંદ અને ગૌરવની વાત છે. સુરતના જાગૃત નાગરિકો જે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેની તસવીરો ગુજરાતમિત્ર અખબારને મોકલી આપે છે. ગુજરાતમિત્ર દ્વારા એ તસવીર પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાતમિત્રની રજૂઆતને આધારે પાલિકાના અધિકારીઓએ કેટલાક વિસ્તારની ગંદકીની સફાઈ અંગેની કાર્યવાહી પણ કરી છે તે સારી વાત છે.
પરંતુ અન્ય વિસ્તારોમાં પણ ગંદકી દૂર થાય તે અતિ આવશ્યક છે. આપણા સૌએ સાથે મળીને સુરતને સ્વચ્છ બનાવવાનું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ મેળવનાર સુરત શહેરની જાત તપાસમાં અલગ જ ચિત્ર જોવા મળે છે. સુરતીઓ પોતાના વિસ્તારની ગંદકી માટે સ્વચ્છતા અભિયાન ચાલુ રાખીને ગુજરાતમિત્રએ ઉપાડેલી સ્વચ્છતા ઝુંબેશમાં સાથ સહકાર આપે તે જરૂરી છે. અત્યારે તો સુરતને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવાની પહેલ રંગ લાવી રહી હોય એવું લાગી રહ્યું છે. જો આ ઝુંબેશ ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે ગુજરાતમિત્રને એક પણ ગંદકી અંગેની તસવીર નહીં મળે ! આપણે સૌ એ ખૂબસૂરત દિવસની રાહ જોઈએ છીએ.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.