“માસ્ક એ જ આપણું વેકસીન” સૂત્રને અપનાવી જાતે સુરક્ષિત રહી બીજાને પણ સુરક્ષિત રાખીએ
લુણાવાડા :: સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની સામે લડાઇને એક વર્ષનો ગાળો પૂર્ણ થઇ ચૂકયો છે. છેલ્લા એક વર્ષના ગાળામાં આપણે લોકડાઉન સહિત અનેક પ્રકારની અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરી ચૂકયા છીએ.
આગમાં પણ ખાક થયુ, લૂંટાયું પણ ખરું, રોગચાળો, પુર અને બીજી અનેક આપત્તિઓનો સામનો કરી બમણા વેગથી વિકાસની સ્પીડ પકડી બેઠા થવું એ આપણી ખુમારી છે અને એ આપણે જોઇ પણ છે.
વર્ષો થી નવું કરવાનું, નૂતન અભિગમો, પહેલ કરવી, સાહસ કરવાની વૃત્તિ ધરાવતી આ ધરતીએ અનેક વીરલાઓ આપ્યા છે. મહીસાગર જિલ્લાના નાગરિકો જો પોતાની સંકલ્પબદ્ધતા દાખવે તો કદાચ કોરોનાને ભગાડવામાં રાજ્ય કે દેશમાં જ નહીં પણ વિશ્વને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે એવા છે આપણા આ મહીસાગરના નાગરિકો.
આ સમય છે ધૈર્ય સાથે દ્રઢતાપૂર્વક સંકલ્પ કરી સ્વયં શિસ્તનું પાલન કરવાનો…શ્રદ્ધા-વિશ્વાસ – સાવચેતી સાથે પોઝીટીવ વિચાર-આચાર અને નવા રસ્તા કંડારવાનો.
હજુ પણ ઘણા લોકો જાણે કે વેકસિન આવી ગઇ છે એટલે કોરોના ગયો એમ માનીને બિનદાસ ફરતાં રહે છે. પણ હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. વેકસિન આવી ગઇ છે, પરંતુ સાવધાની અતિ જરૂરી છે.
આજે વિશ્વ પણ તેની સામે પૂરી તાકાતથી લડી અને ઝઝૂમી રહ્યું છે. આપણી જરાશી લાપરવાહી આપણને મોટા જોખમમાં મૂકી શકે છે. માટે આપણે હજુ એક વાત ચોકકસ સમજી અને જાણી લેવાની જરૂર છે કે, હજુ કોરોનો ગયો નથી.
ગુજરાત સરકાર તથા આરોગ્ય વિભાગ અને સમગ્રતયા તંત્ર કામ કરી રહ્યું છે.. સારામાં સારી સારવાર દરેકને મળે અને મૂલ્યવાન જીવન બચાવવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ અને જે લોકો સંક્રમિત નથી થયા તે તમામે એક બાબત સારી રીતે સમજી લેવી જોઇએ કે આપણે આરોગ્યની ગાઈડલાઈનનું અચૂક પાલન કરવું જ રહ્યું.
મહીસાગર જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર-આરોગ્ય તંત્રની ટીમ, ડોકટર્સ, મેડિકલ અને નોનમેડિકલ સ્ટાફ, પોલીસ વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ, જરૂરી સેવાઓ આપનાર કર્મીઓ આ તમામ દેશના સૈનિકોની માફક આપણી સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમની જવાબદારીઓ અદા કરી રહ્યા છે ત્યારે તે તમામની સેવાઓને બિરદાવવી એ આપણી જવાબદારી અને ફરજ પણ છે.