Comments

ચૂંટણીની આચારસંહિતા પ્રજાની લાચારસંહિતા ના બનવી જોઈએ

ભારતમાં ન્યાયતંત્રની જેમ ચૂંટણી પંચ પણ સ્વતંત્ર છે અને કેટલાક વિશેષાધિકાર પણ બંધારણે ચૂંટણી પંચને આપ્યા છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે તે જરૂરી પણ છે.ભારત જેવા વિશાળ દેશમાં ૯૦ કરોડ મતદાતાઓ મતદાન કરવાના હોય ત્યારે ચૂંટણી પંચ સ્વતંત્ર અને અલગ મહત્ત્વ ના ધરાવે તો ચૂંટણીઓ સમયસર અને ન્યાયી રીતે યોજવી અશકય બની જાય. જો કે સમયના પરિવર્તન સાથે ચૂંટણી પંચે પણ કેટલાક વહીવટીય સુધારા કર્યા છે અને હજુ ઘણા વહીવટીય સુધારા થઇ શકે તેમ છે, જે મુક્ત અને ન્યાયી ચૂંટણીના મૂળભૂત ખ્યાલને હાનિ પહોંચાડ્યા વગર સમય અને શક્તિનો બગાડ અટકાવી શકે છે.

સૌ પ્રથમ તો આપણે એ સમજવાની જરૂર છે કે ચૂંટણીના આયોજન અંગેના તમામ નિયમો ભારતમાં પ્રથમ ચૂંટણીઓ યોજવામાં આવી ત્યારના એમના એમ જ છે અને બીજી અગત્યની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે ઉપરના લેવલે ચૂંટણી પંચ પાસે અલગ અધિકારીઓ છે તેની અલગ ઓફીસ છે, પણ રાજ્ય અને તાલુકા લેવલે આ ચૂંટણી પંચ આપણા વહીવટીય અધિકારીઓ જ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરે છે, જયારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે ચૂંટણી પંચ આ અધિકારીઓની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરે છે અને આ ચૂંટણી અધિકારી તરીકે નીમાયેલા લોકો ચૂંટણીની પ્રક્રિયા માટે જરૂરી લોકોની ભરતી કરે છે, નિયુક્તિ કરે છે.

હવે ચૂંટણી પંચ ચૂંટણી સમયે જેને ચૂંટણી અધિકારી તરીકે નીમે છે તે આપણા કલેકટર, મામલતદાર જેવા વહીવટીય અધિકારીઓ છે. મુખ્યત્વે મહેસુલ વિભાગમાં કામ કરતા અધિકારીઓ અને આ અધિકારીઓ જેને ચૂંટણીની કામગીરી સોંપે છે જેવી કે ઝોનલ અધિકારી,મતદાન અધિકારી,મતદાન મથકના અધિકારી ,બુથ લેવલ ઓફિસર વગેરે તે આપણાં શિક્ષકો, અધ્યાપકો અને રાજય સરકારનાં અન્ય કર્મચારીઓ હોય છે.

મોટા ભાગની કામગીરી તો શિક્ષણ ક્ષેત્રનાં કર્મચારીઓ જ કરે છે એટલે જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ત્યારે ચૂંટણી પંચના આદેશ મુજબ શિક્ષકો, અધ્યાપકોને ચૂંટણીની કામગીરી કરવાની થાય. આને કામગીરીમાં શિક્ષણ પરીક્ષણ અભ્યાસ બધું છોડીને પણ જોડાવું પડે, આપણને આ વાતની તો ખબર જ છે અને કોર્ટ સુધી આ વાત થઇ છે કે શિક્ષકોને જુદી જુદી કામગીરી કરવાની થાય એમ ભોગ તો શિક્ષણનો જ લેવાય, પણ આપણા મિડિયામાં ક્યારેય એ વાત નથી થતી કે જેમ શિક્ષકો અને અધ્યાપકો કામે લાગતાં શિક્ષણના તંત્રને ધીમું પડે તેમ કલેક્ટરો અને મામલતદારો ઓફિસો આખી જ ચૂંટણીના કામમાં લાગે ત્યારે પ્રજાના રોજબરોજના વહીવટીય કામને પણ અસર પહોંચે. અત્યારે ભારતમાં ચૂંટણી જાહેર થવા સાથે જ તમે કોઈ પણ મામલતદાર કે કલેકટર ઓફિસમાં જાવ તો સાંભળવા મળશે કે હવે ચૂંટણી પછી આવજો અને નેવું ટકા પ્રજા આ માની પણ લે છે. કેટલાંક રોજિંદા કામકાજના અનુભવી તો સામેથી જ સલાહ પણ આપશે કે હવે ચૂંટણી જવા દો પછી જ કામ થશે.

ભારતમાં પહેલાં ચૂંટણીનું તંત્ર નાનું હતું. આખી ચૂંટણી પ્રક્રિયા પંચ વરસે જ થતી અને વહીવટી અધિકારીઓ જ આ તંત્ર સંભાળી શકે તેમ હતા. સાક્ષર લોકો પણ ઓછા હતા એટલે ચૂંટણી જેવી ચીવટવાળી કામગીરી શિક્ષકો પાસે જ કરાવવી રહી. વળી આખું કામ હાથેથી થતું. હવે સ્થિતિ બદલાઈ છે.ચૂંટણીનું તંત્ર ખૂબ મોટું થઇ ગયું છે. મતદારો વધી ગયા છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થઇ શકે છે અને દેશમાં ભણેલાં બેકારોની આખી ફોજ છે, જેમનો ઉપયોગ થઇ શકે.શિક્ષકોનો જ ઉપયોગ કરવામાં શિક્ષણનો ખોડો નીકળતો અટકાવી શકાય.

ભારતીય ચૂંટણી પંચે બંધારણે આપેલા અબાધિત અધિકારો વિષે સૌ પ્રથમ ગાઈડ લાઈન બહાર પાડવાની જરૂર છે કે ચૂંટણી પંચની કામગીરીનો વિરોધ ના થઇ શકે. ચૂંટણીમાં અવરોધ ના ઊભો કરી શકાય. ચૂંટણીને દૂષિત ના કરી શકાય અને જો કોઈ આવું કરવા માંગે તો તેને સજા કરવાની ચૂંટણી પંચને અબાધિત સત્તા છે. પણ, આનો મતલબ એ નથી કે કોઈ મામલતદાર કે કલેકટર આ નિયમના બહાના હેઠળ જોહુકમી ચલાવે, પોતાના વ્યક્તિગત મુદ્દાઓમાં ચૂંટણી પંચની જોગવાઈનો દુરુપયોગ કરે કે ચૂંટણીની રોજબરોજની કામગીરી કરનારા કર્મચારીને દબાવવા અને દબડાવવા એનો ઉપયોગ કરે. વળી,ચૂંટણીની આચારસંહિતાના નામે પ્રજાનાં રોજિંદાં કામો પણ અટકાવી દેવામાં આવે ત્યારે કોઈ બોલી કે પૂછી પણ ના શકે કે આવું કેમ?

અને ક્યાં નિયમ અનુસાર થયું છે. ચૂંટણી પંચે પોતે જ આ કામ કરવાની જરૂર છે અને દેશનાં લાખો બેકાર ને ભણેલાં યુવાનોનો ચૂંટણી કામગીરીમાં ઉપયોગ કરી, કામ કરતાં લોકોને તેમનાં મૂળ કામ ચાલુ રાખવાં દેવાં જોઈએ, જેથી ચૂંટણીના નામે વહીવટી અને કાયમી કામ રખડી ના પડે બાકી કોઈ રાજ્યમાં દર બે વર્ષે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ આવ્યા કરે તો આ વહીવટીય કામો તો દર વરસે અટક્યા જ કરે અને પ્રજા આચારસંહિતાના નામે લાચારસંહિતાનો ભોગ બન્યા જ કરે.લોકશાહી એ સતત પરિવર્તન અને હકારત્મક પરિવર્તન માંગતી પ્રક્રિયા છે. દેશમાં અનેક કાયદાઓ અને વ્યવસ્થાઓ બદલીએ છીએ તો થોડી ચૂંટણીની વ્યવસ્થાઓ પણ બદલાય તો સરવાળે પ્રજાને જ ફાયદો થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top