મને આવું જ આક્રમણ જોઈએ છે
ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ અત્યારે સાતમા આસમાને છે. જોકે, આ મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ભારતીય સ્ટાર પેસર અર્શદીપ સિંહે કિવિ બેટર ડેરીલ મિશેલ તરફ બોલ ફેંક્યો હતો, જેના કારણે ICCએ તેના પર મેચ ફીનો 15% દંડ ફટકાર્યો છે. પરંતુ, ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર આ મામલે પોતાના ખેલાડીના સમર્થનમાં ઉતર્યા છે
શું હતી સમગ્ર ઘટના? : અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચની 11મી ઓવરમાં જ્યારે ડેરીલ મિશેલ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અર્શદીપે ફિલ્ડિંગ કર્યા બાદ સીધો બોલ મિશેલ તરફ ફેંક્યો હતો. આ બોલ મિશેલના પેડ પર વાગ્યો હતો, જેનાથી ન્યૂઝીલેન્ડનો બેટર લાલચોળ થઈ ગયો હતો. જોકે, ઘટના બાદ તુરંત જ અર્શદીપે ખેલદિલી બતાવી માફી માંગી લીધી હતી
ગૌતમ ગંભીરનું આક્રમક નિવેદન : ANI સાથેની ખાસ વાતચીતમાં ગૌતમ ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો અર્શદીપે માફી ન માંગી હોત તો પણ તેને કોઈ વાંધો નહોતો. ગંભીરે જણાવ્યું કે, “જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો, ત્યારે આક્રમકતા બતાવવી સ્વાભાવિક છે. બે છગ્ગા ખાધા પછી જો કોઈ બોલર વળતો પ્રહાર ન કરે તો તે કેવો બોલર? મને મારા ખેલાડીઓ પાસેથી મેદાન પર આવો જ પ્રતિભાવ જોઈએ છે
ગંભીરે વધુમાં ઉમેર્યું હતું કે, “ક્રિકેટના મેદાન પર ન તો કોઈ મિત્ર હોય છે કે ન તો કોઈ દુશ્મન. તમારું એકમાત્ર કામ દેશ માટે મેચ જીતવાનું છે. અર્શદીપે માફી માંગી તે તેની મહાનતા છે, પણ મારા માટે આ બાબતને બિનજરૂરી મહત્વ આપવાની જરૂર નથી
સોશિયલ મીડિયાના ‘ટોક્સિક’ કલ્ચર પર પ્રહાર : ગૌતમ ગંભીરે આ દરમિયાન સોશિયલ મીડિયાને આડે હાથ લેતા તેને ‘ઝેરી’ ગણાવ્યું હતું. ગંભીરના મતે, વ્યુઝ અને લાઈક્સ મેળવવા માટે સોશિયલ મીડિયા પર ખોટા નેરેટિવ સેટ કરવામાં આવે છે. તેણે ખુલાસો કર્યો કે ભારતની 2026 વર્લ્ડ કપ જીત પાછળનું એક મુખ્ય કારણ એ હતું કે ખેલાડીઓને સોશિયલ મીડિયાના ઘોંઘાટ અને નકારાત્મકતાથી દૂર રાખવામાં આવ્યા હતા
ગંભીરે કહ્યું, “ખેલાડીઓ પણ માણસ છે અને ભૂલ કરે છે. એક કોચ તરીકે મારું કામ તેમને બહારની ટીકાઓથી સુરક્ષિત રાખવાનું છે. છેલ્લા એક મહિનાથી ખેલાડીઓ સોશિયલ મીડિયાથી દૂર રહ્યા, તેથી જ તેઓ દબાણ વગર પ્રદર્શન કરી શક્યા