આણંદ: ખેડા જીલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ આવેલું છે. આ સંસ્થામાં નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલમાં હાલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમાં ભવિષ્યની જરૂરીયાત ધ્યાનમાં રાખીને નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે. વડતાલ જ્ઞાનબાગ નિવાસી પાર્ષદવર્ય કાનજી ભગતની પ્રેરણાથી સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર ટ્રસ્ટ અને ઈન્ડો અમેરિકન સોસાયટી સ્ક્રેન્ટન – અમેરિકાના સૌજન્યથી આ સેવા પ્રાપ્ત થઇ છે.
આ નૂતન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ રવિવાર સવારે 11.00 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે પંકજભાઈ દેસાઈ – મુખ્યદંડક ગુજરાત વિધાનસભા, દેવુસિંહ ચૌહાણ – સાસંદ ખેડા, અર્જુનસિંહ ચૌહાણ જીલ્લા ભાજપ પ્રમુખ તથા ખેડા પૂર્વ કલેક્ટર આઈ. કે. પટેલ વગેરે મહાનુભાવ ઊપસ્થિત રહેશે. આજના પ્રસંગે સંસ્થાના કોવિડ રાહત સેવા કાર્યોમાં સેવા કરનાર સ્વયંસેવકોનું અભિવાદન કરવામાં આવશે.
આ પ્રસંગે અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં પરેશભાઈ પટેલ અને હરિકૃષ્ણભાઈ પટેલ પરિવાર – કેન્યા તરફથી વડતાલધામમાં બિરાજમાન દેવને 1500 કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે, અને આ કેરીઓ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વહેંચવામાં આવશે. સાથે સાથે સાંજે ચારથી છ ઓનલાઈન રવિસભા પણ યોજાશે. તેમ શ્યામવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું. શ્યામવલ્લભસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આમ્રોત્સવ સવારે 9.00 થી સાંજે 6.00 કલાક સુધી યોજાશે. જ્યારે રવિ સભા બપોરે 4.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી યોજાશે.