Charchapatra

અજબોગજબ ઘડિયાળ

એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે વાંસદામાં પ્રથમ વાર ઉલટી દિશામાં ફરતા કાંટાવાળી આદિવાસી કાંડા ઘડિયાળ લોન્ચ કરાઈ. સામાન્ય રીતે ઘડિયાળમાં એક પછી બે વાગે એ પરંપરાગત રીતે ગોઠવાયેલી અને સર્વસ્વીકૃત વ્યવસ્થા છે, પણ આ આદિવાસી ઘડિયાળની રચના બહુ વિશિષ્ટ છે.૧,૨,૩……૧૨ ના પરંપરાગત આંકડાને બદલે એની જગ્યાએ ૧૨,૧૧,૧૦……..૧ ના ક્રમમાં ગોઠવાયેલા અંકો અને વિરુધ્ધ દિશામાં ફરતા કાંટા આ ઘડિયાળની વિશિષ્ટતા છે. પોતાની વિશિષ્ટ જીવનશૈલી, વિશિષ્ટ નૃત્યો અને રીતરિવાજો થકી હંમેશા કુદરતને ખોળે જીવનારાં આદિવાસીઓની આ ઘડિયાળ ખરેખર એક અનોખી રચના છે. ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ ‘ ધ કયુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન ‘ માં ઉલટી દિશામાં ફરતી ઘડિયાળ બતાવવામાં આવી છે. છત્તીસગઢના કોરબા, કોરિયા, સરગુજા, બિલાસપુર અને જસપુર જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હવે ગુજરાતના આદિવાસી સમાજમાં પણ લોકપ્રિય બની રહી છે. કહે છે કે વીતેલો સમય કદી પાછો નથી આવતો, સમયને પોતાની મુઠ્ઠીમાં કરવાની મહેચ્છાથી જ કદાચ ઘડિયાળની રચના થઈ છે, જે આપણને સતત વીતતી જતી ક્ષણોનો અહેસાસ કરાવે છે. વાંસદામાં ચીખલીના ધારાસભ્ય અનંતભાઇ પટેલના હસ્તે આદિવાસી ઘડિયાળ લોન્ચ કરવામાં આવી હતી.
સુરત     -સુરેન્દ્ર દલાલ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સદગતનું બેસણું

સ્વજનના મૃત્યુ બાદ બેસણું, શ્રદ્ધાંજલિ, શોકસભા કે પ્રાર્થના સભાનો વર્ષોથી ચાલતો સામાજિક રિવાજ છે.આ પ્રથા ધીરે ધીરે કૃત્રિમ બનીને રહી ગઈ છે.બધું જ આયોજીત! લોકો પાસે આશ્વાસનના શબ્દો અને સમયનો દુષ્કાળ વર્તાતો હોય એવું લાગે છે. ટેબલ કે ખુરશી પર મૃતકનો ફોટો,હાર, ગુલાબ, પાથરણાં, ખુરશીઓ, સફેદ વસ્ત્રોમાં લોકો.કોઈક બેસણામાં મોબાઈલ પર વાગતી રામધૂન કે કૃષ્ણનાં ભજનો. લોકો સમય થતાં જ હાજરી પુરાવવા આવવા માંડે. કાર, રીક્ષા, ટેમ્પો જેવા વાહનમાંથી ઉતરે ત્યારે લોકો એકબીજાને હસી હસીને મળતા હોય.ઘર,વાડી,હોલ કે મંડપના મુખ્ય દ્વારે પહોંચતાં જ ચહેરા પર અચાનક શોકનું લીંપણ ચીપકી જાય.સ્વજનોને હાથ જોડી તરત જ ખુરશી શોધવાની! ધીરે ધીરે હોલ, મંડપ ભરાતો જાય. થોડી જ વારમાં પેલું શોકનું લીંપણ પણ અદશ્ય અને વિશ્વ આખાની વાતો ચર્ચા અભિપ્રાયો અને કુથલીનો દૌર શરૂ થાય.જેમનું બેસણું છે તે હાંસિયામાં ધકેલાય. કેટલીક વાર નજીકનું નહીં હોય છતાં જોરથી કોઈ રડતું પ્રવેશે ત્યારે ફરી પાછી નીરવ શાંતિ.યુવા સ્વજનો આશ્ચર્યચકિત! આમાં તો કેટલાકથી હસાઈ પણ જાય. ધીરે ધીરે ફોટાની આસપાસ બેઠેલાં સ્વજનો પણ કંટાળે અને વાતે વળગે. કોઈ ઊઠીને હાથ જોડીને જવા તૈયાર થાય ત્યારે સ્વજનોને ટકોરવા પડે. સમય થતાં લોકો ઊઠવા માંડે. ફરી હાથ જોડાય,સ્વજન વિસરાય અને હા, સ્વજન ગુમાવનાર ફરી બધાની વચ્ચે એકલો! જાણે બધું જ પ્લાસ્ટિક્યું! કદાચ કોઈકને ગમશે નહિ.પણ ….કયાં છે લાગણી, આત્મીયતા, આશ્વાસનભર્યા શબ્દો કે “મૈં હૂં ના” સાથે ખભે મુકાતો ઉષ્માસભર હાથ?
સુરત     -અરુણ પંડયા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top