વડોદરા : વડોદરામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.ત્યારે ડેંગ્યુએ નેશનલ જુડો વિજેતા 19 વર્ષીય ખેલાડીનો ભોગ લેતા તંત્ર દોડતું થયું છે.જોકે આ મામલે સ્વજનોએ હોસ્પિટલના સંચાલકો સહિત તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.નેશનલ જુડો ખેલાડીના નિધનથી પરિવારજનો સહિત સાથી ખેલાડીઓ ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા. વડોદરામાં વરસાદી મોસમ વચ્ચે ડેંગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે.એટલું જ નહીં વડોદરાના પૂર્વ વિસ્તાર આજવારોડ પર આવેલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતી નેશનલ જુડો વિજેતા સાક્ષી રાવલનું ડેંગ્યુએ જીવ લીધો છે.
સાક્ષીને ડેન્ગ્યુ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી.આ દરમિયાન તેનું મોત નિપજતા સ્વજનોએ હોસ્પિટલના સંચાલકો સામે આક્ષેપ પણ કર્યા હતા.જૂડો ખેલાડી સાક્ષી રાવલના મામા ભાવિનભાઈએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુના કારણે સાક્ષીનું ગઈકાલે રાત્રે અવસાન થયું છે.રવિવારે સવારે તેની તબીયત નાજૂક થતાં ફેમિલી ડોક્ટરના ખાનગી ક્લિનિકમાં લઈ ગયા હતા. જ્યાં તેને દાખલ કરાઈ હતી. ટાઈફોઈડના બોટલ ચડાવ્યા હતા. જોકે તેને ટાઈફોડ હતો નહીં. ડોક્ટર સંજય દેસાઇને ક્લીનીક બંધ કરવાની ઉતાવળએ તેમના દ્વારા હેવી ડોઝના બાટલ ચડાવ્યા હતા.
સાક્ષીને જ્યારે ઘરે લાવ્યા ત્યારે તેને ઠંડી,તાવ,ઝાડા ઉલટી અને ચક્કર આવવા માંડ્યા અને ખેંચ આવી ગઈ. આ બાબતે ફરી ડોક્ટર સંજય દેસાઇને વાત કરી તો તેઓએ જણાવ્યું કે મેં તો દવા આપી દીધી છે. હવે આગળ તમારે જે કરવું હોય તે કરો.સાક્ષીને ડેન્ગ્યુ હતો અને ટાઇફોઇડની બે દિવસ સારવાર આપવામાં આવી.જેથી સાક્ષીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.નેશનલ જુડો ખેલાડી 19 વર્ષીય સાક્ષીના જુડો કોચ જીતેન્દ્રભાઈ બારોટે જણાવ્યું હતું કે સાક્ષી રાવલ માણેકરાવ જુમ્માદાદા વ્યાયામ શાળાની વિદ્યાર્થીની છે.
જુડો કુસ્તી માં તે ખેલ મહાકુંભ સહિત રાજ્ય કક્ષાની ખેલાડી હતી. છેલ્લા ચાર દિવસથી ડોક્ટર સંજય દેસાઈના સંવાદ કોટર્સ પાસેના ક્લિનિકમાં સારવાર લીધી. સાક્ષીને જ્યારે ડેન્ગ્યુની બિમારી હતી અને ટાઇફોઇડની સારવાર આપીને તેને રવાના કરી. ડોકટરે ક્લિનિક બંધ કરવાની ઉતાવળમાં બોટલ ઝડપથી ચઢાવવામાં આવ્યા અને આ વિદ્યાર્થીની ની તબિયત વધુ લથડતાં તેને બીજી સંગમ હોસ્પિટલમાં શીફ્ટ કરી.ત્યાં એક રાત રાખવામાં આવી અને ત્યાં પણ તેને કોઈપણ પ્રકારની સારવાર અપાઈ નહીં.
બીજા દિવસે પરિવાર પાસેથી 45 હજાર રૂપિયાનું બિલ એક રાતનું લઈ લીધા પછી કહી દેવાયું કે તમે હવે તેને સયાજી હોસ્પિટલમાં લઇ જાવ અને વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સ માં તેને સયાજી હોસ્પિટલમાં બુધવારે સવારે આઠ વાગ્યે ખસેડવામાં આવી. સારવાર એસએસજી હોસ્પિટલમાં જ્યારે શરૂ કરી તો સંગમ હોસ્પિટલમાંથી એક થી દોઢ કલાક સુધી તેની સારવારની ફાઇલ પણ આપવામાં આવી ન હતી.
એના પછી એસેસજી હોસ્પિટલમાં ઈસીજી કર્યા પછી ત્યાંથી કહી દેવામાં આવ્યું કે જીવ રહ્યો નથી,છતાં પણ સયાજી હોસ્પિટલના ડોક્ટરોના ખૂબ સારા પ્રયત્નોના કારણે એનું હાર્ટ બીટ ચાલુ થયું અને જીવ આવ્યો.એ પછી એને એમ્બ્યુલન્સમાં આઈસીયુમાં શિફ્ટ કરાઈ અને વેન્ટિલેટર પર આખો દિવસ સારવાર આપવામાં આવી.બપોરના 4:00 કલાક પછી ડૉકટરના કહ્યા પ્રમાણે થોડું થોડું તેને જ્યુસ અપાયું જે યુરિન પાસ થતો ન હતો તે પણ શરૂ થયો.અને રાત્રે એનું અવસાન થયું. સાક્ષી બી.કોમમાં અભ્યાસ કરવાની સાથે 2012,2013,2015,2017 અને 2019 માં ચેમ્પિયન બની હતી. બ્રોન્સ મેડલ પણ મેળવ્યો હતો.નેશનલ જુડો અને કુરાશ વિજેતા ખેલાડી સાક્ષી રાવલનું નિધન થતા પરિવાર સહિત સાથી ખેલાડીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.