વડોદરા: શહેરમા ગત શનિવારથી વડોદરા શહેરમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે.ત્યારે આજે દિવસ ભરના વિરામ બાદ બરાબર સાંજના પાંચ કલાકે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર મા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.જેના કારણે શહેર ના રાવપુરા, દાંડિયા બજાર, શહેર ના ચાર દરવાજા વિસ્તારો ગોરવા, તરસાલી, ગોત્રી, વાઘોડિયા રોડ, આજવા રોડ તેમજ નવાયર્ડ સહિત ના વિસ્તારોમા આજે ફરી પાણી ભરાયા હતા. જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
ચાલુ સિઝનમાં શહેર સાથે તમામ તાલુકાઓમાં પણ વરસાદની હાજરી નોંધાઈ હતી. જેથી ખેડૂતો હરખાયા હતા. તો બીજી તરફ વડોદરા શહેરમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક વડોદરા મા ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સાંજના પાંચ વાગ્યાથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં એકધાર્યો મુશળધાર વરસાદ શરૂ થયો છે. તો પવનોની ઝડપ પણ વધી જવા પામી છે.જાણવા મળ્યા પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ પડતા તેના પાણી આજવા સરોવરમાં આવતા હોવાથી આજવાની સપાટીમાં હવે ધીરે ધીરે વધારો નોંધાય તેવું અનુમાન છે.
શનિવારે વરસાદનો પ્રારંભ થતાં ચોમાસુ ધમાકેદાર રહેવાનું અનુમાન લગાવાઈ રહીયુ છે.ગત શનિવારના રોજ વડોદરામાં વહેલી સવારથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. શનિવારથી વરસાદનો પ્રારંભ થયો હોવાથી આ વર્ષે શહેર માટે ચોમાસુ સારું રહે તેવું અનુમાન લોકો લગાવી રહ્યા છે. ઘણી વખત ચોમાસા ટાણે વરસાદ બંધ રહ્યા બાદ શનિવારથી વરસાદ પુનઃ શરૂ થતા લગભગ સમગ્ર સપ્તાહ વરસાદ પડતો હોય છે. ત્યારે હવે આ વખતે ચોમાસાની શરૂઆત જ શનિવારે થઈ છે તો શહેર માટે ચોમાસુ કેવું રહેશે? તે જોવું રહ્યું.