Charchapatra

દક્ષિણ ભારતનું ચોલા સામ્રાજ્ય માલદીવ અને શ્રીલંકા સુધી ફેલાયું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તંજાવુર જઈને ચોલા સામ્રાજ્યના મહાન રાજવીને અંજલિ અર્પણ કરી હતી. રિચાર્ડ ઈટન તેમના પુસ્તક ‘ઈન્ડિયા ઇન ધ પર્શિયનેટ એજ’માં લખે છે કે દક્ષિણ ભારતના મહાન ચોલા રાજાઓ તંજાવુરના ચોલા તરીકે જાણીતા થયા હતા. દક્ષિણના સમગ્ર દરિયાકાંઠા પરના તેમના નિયંત્રણને આજે પણ કોરોમંડલ તરીકે યાદ કરવામાં આવે છે. કોરોમંડલ શબ્દ ચોલામંડલ શબ્દનું અપભ્રંશિત સ્વરૂપ છે, જેનો અર્થ ચોલ સામ્રાજ્યનો પ્રદેશ થાય છે. ઇ.સ. ૮૫૦ ની આસપાસ દક્ષિણમાં પાંડ્યો અને પલ્લવો વચ્ચેના સંઘર્ષનો લાભ લઈને વિજયાલય નામના એક અજાણ્યા રાજાએ તંજાવુર પર કબજો કર્યો.આ રીતે ચોલ વંશનો પાયો નંખાયો.

ઇ.સ. ૯૦૭ માં ચોલ વંશના રાજા પરંતક પ્રથમે ગાદી સંભાળી અને ૪૮ વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ ત્યાર બાદના નબળા ચોલ રાજાઓને કારણે ચોલ વંશનું પતન થવા લાગ્યું. ઇ.સ. ૯૮૫માં રાજરાજા ચોલ (પ્રથમ) ગાદી પર આવ્યા ત્યારે ચોલ રાજવંશનો ફરીથી ઉદય થવા લાગ્યો.રાજરાજા ચોલ (પ્રથમ) અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલના નેતૃત્વ હેઠળ ચોલા રાજાઓ એશિયામાં એક મુખ્ય લશ્કરી, આર્થિક અને સાંસ્કૃતિક શક્તિ બન્યા હતા.એક સમય એવો આવ્યો જ્યારે તેમનું સામ્રાજ્ય દક્ષિણમાં માલદીવથી ઉત્તરમાં બંગાળમાં ગંગા નદી સુધી ફેલાયું.

ઇસુની ૧૧મી સદી સુધીમાં ખ્મેર અને ચોલા વેપારીઓએ બંગાળની ખાડીને અડીને આવેલાં રાજ્યોના અર્થતંત્ર પર નિયંત્રણ મેળવી લીધું હતું. આ સમયગાળા દરમિયાન ખ્મેર સામ્રાજ્ય પણ ખૂબ મોટું અને પ્રભાવશાળી હતું. તેઓએ હાલના કંબોડિયા, થાઇલેન્ડ અને વિયેતનામના ઘણા ભાગો પર શાસન કર્યું. કંબોડિયાનું પ્રખ્યાત અંગકોર વાટ મંદિર ખ્મેર રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.વાય સુબ્બારાયલુ તેમના પુસ્તક સાઉથ ઇન્ડિયા અંડર ધ ચોલાસમાં લખે છે કે ઘણા શિલાલેખોમાં ૧૦૨૦ માં બંને વચ્ચે રત્નો અને સુવર્ણ રથોના આદાનપ્રદાનનો ઉલ્લેખ છે. બંનેનું હરીફ હતું  શ્રીવિજય રાજ્ય. શ્રીવિજયના રાજાઓ બૌદ્ધ હતા અને તેઓ દક્ષિણ-પૂર્વ એશિયાનાં ઘણાં બંદરો પર નિયંત્રણ રાખતા હતા. તેમણે ચીન તરફ જતાં બધાં જહાજો પર કર લાદ્યો. શ્રીવિજય નૌકાદળે કર ન ચૂકવનારાં જહાજો પર હુમલો કરીને નાશ કર્યો હતો.

શ્રીવિજય રાજાઓની રાજનીતિએ ચોલ વંશના રાજાને ગુસ્સે કર્યા.શ્રીવિજય રાજાઓ ચોલ રાજાઓને મૈત્રીપૂર્ણ સંદેશા મોકલતા હતા, પરંતુ હાલના તમિલનાડુમાં નાગપટ્ટિનમ બંદરે બૌદ્ધ મઠ બનાવવા માટે પૈસા પણ મોકલતા હતા.બીજી બાજુ, તેઓ ચીની રાજાઓને કહી રહ્યા હતા કે ચોલા નાના રાજાઓ હતા અને તેમના નિયંત્રણ હેઠળ હતા. ચોલ રાજા રાજેન્દ્ર ચોલે ૧૦૧૫માં ચીન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા અને જ્યારે તેમને શ્રીવિજયની નીતિની ખબર પડી ત્યારે તેમણે રાજા વિજયતુંગવર્મનને પોતાની લશ્કરી શક્તિ બતાવવાનું નક્કી કર્યું.૧૦૧૭ ના યુદ્ધમાં રાજેન્દ્ર ચોલનો વિજય થયો અને તેણે વિજયતુંગવર્મનને કેદી બનાવ્યો હતો. બાદમાં, તેમણે રાજેન્દ્ર ચોલની આધિપત્ય સ્વીકારી અને તેમની પુત્રીના લગ્ન તેમની સાથે કરાવ્યા હતા.

૧૦૧૪ માં રાજરાજાના મૃત્યુ પછી રાજેન્દ્ર ચોલ ગાદી પર બેઠો. તેણે પોતાના પડોશીઓ પાંડ્યો અને ચેરાઓ સાથે વ્યવહાર કર્યા પછી ૧૦૧૭ માં શ્રીલંકા પર પ્રથમ હુમલો કર્યો. તે સમયના શિલાલેખો દર્શાવે છે કે હુમલાનો હેતુ સત્તા કબજે કરવાનો નહોતો પરંતુ શક્ય તેટલું સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ પાછી લાવવાનો હતો.જો કે, પરિણામ એ આવ્યું કે પહેલી વાર ચોલાઓએ શ્રીલંકાના ટાપુ પર નિયંત્રણ મેળવ્યું. એક વર્ષ પછી ૧૦૧૮ માં રાજેન્દ્ર ચોલાએ માલદીવ અને લક્ષદ્વીપ પર નૌકાદળ અભિયાનનું નેતૃત્વ કર્યું અને બંને પ્રદેશોને ચોલ વસાહતો બનાવ્યા.૧૦૧૯ માં તેણે ઉત્તર કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રમાં લશ્કરી અભિયાનો મોકલ્યાં. ૧૦૨૧ માં તેણે ચાલુક્યો અને કલ્યાણો પર વિજય મેળવ્યો, જેમાં દક્ષિણ ભારતનો મોટા ભાગનો ભાગ કબજે કર્યો.

૧૦૨૨માં તેણે ગંગાના કિનારે અને તેનાથી આગળ ૧,૦૦૦ માઇલ સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું.રસ્તામાં તેણે ઓડિશા અને બંગાળના શક્તિશાળી પાલ વંશના રાજા મહિપાલને પોતાનું આધિપત્ય સ્વીકારવા દબાણ કર્યું. રિચાર્ડ ઇટન લખે છે કે રાજેન્દ્ર બંગાળથી પોતાના રાજ્યમાં ખૂબ જ કિંમતી રત્નો, તેમના પવિત્ર દેવતાઓની મૂર્તિઓ અને પીપડામાં ગંગાનાં પવિત્ર જળ સાથે પાછો ફર્યો. આ સિદ્ધિની યાદમાં તેણે ગંગાઇકોંડાનું બિરુદ ધારણ કર્યું. તેણે ગંગાઇકોંડા ચોલાપુરમને પોતાની નવી રાજધાની બનાવી. ગંગાઇકોંડાનો અર્થ થાય છે : ગંગાનો વિજેતા. જાણીતાં ઇતિહાસકાર રોમિલા થાપર તેમનાં પુસ્તક અર્લી ઇન્ડિયામાં લખે છે કે વિજય પછી ગંગાનું પાણી દક્ષિણ તરફ લઈ જવું એ ઉત્તર પર દક્ષિણના વિજયનું પ્રતીક હતું.

રાજેન્દ્ર ચોલાએ રાજધાનીમાં શિવને સમર્પિત એક ભવ્ય મંદિર બનાવ્યું, જે ૨૫૦ વર્ષથી વધુ સમય સુધી શૈવ ભક્તિ અને ચોલ સ્થાપત્યનું પ્રતીક રહ્યું. રાજેન્દ્ર ચોલાએ પોતાની રાજધાનીમાં એક વિશાળ કૃત્રિમ તળાવ બનાવ્યું, જે ૧૬ માઇલ લાંબુ અને ત્રણ માઇલ પહોળું હતું. બંગાળથી લાવવામાં આવેલું ગંગાનું પાણી આ તળાવમાં રેડવામાં આવતું હતું પરંતુ રાજેન્દ્ર ઉત્તર પર લાંબા સમય સુધી પોતાનો અંકુશ જાળવી શક્યો નહીં. માલદીવ અને શ્રીલંકામાં વિજય મેળવ્યા પછી રાજેન્દ્ર ખૂબ જ ખુશ થયો અને તેણે બીજી મોટી વિદેશી યાત્રાની યોજના બનાવી. આ વખતે તેણે ઇન્ડોનેશિયાના સુમાત્રામાં પોતાની નૌકાદળ મોકલવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો.

૧૦૧૭ ની શરૂઆતમાં રાજેન્દ્ર ચોલ અને શ્રીવિજયના રાજા વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં રાજેન્દ્રના નૌકાદળનો વિજય થયો હતો.મલેશિયાના કટાહ શહેરના શિલાલેખમાં આનો ઉલ્લેખ છે, જેમાં રાજેન્દ્રને કટાહના વિજેતા તરીકે વર્ણવવામાં આવ્યો છે.૧૦૨૫ માં રાજેન્દ્ર ચોલાએ શ્રીવિજય સામે લડવા માટે પોતાનું આખું નૌકાદળ મોકલ્યું.આ અભિયાનમાં વિજય પછી થયેલા કરાર હેઠળ અંગકોરના રાજા સૂર્યવર્મનએ રાજેન્દ્ર ચોલાને કિંમતી ભેટો આપી હતી. રાજેન્દ્ર ચોલાએ આ અભિયાન માટે એક મોટું નૌકાદળ મોકલ્યું હતું, જે કદાચ ચોલાઓના મુખ્ય બંદર નાગપટ્ટિનમ ખાતે એકત્ર થયું હતું.

આ અભિયાન માટે સૈનિકો અને હાથીઓને પણ જહાજો પર લાદવામાં આવ્યા હતા. ચોલાઓએ શ્રીલંકાના એક બંદર દ્વારા તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ઘણા દિવસોની દરિયાઈ મુસાફરી પછી તેઓએ સુમાત્રા, થાઈ બંદર તાકુઆ પાહ અને મલેશિયામાં કેદાહ પર અચાનક હુમલાઓ કર્યા, જે કોઈ પણ દક્ષિણ એશિયાઈ રાજ્ય દ્વારા દેશની બહાર સૌથી લાંબા અંતરનું લશ્કરી ઓપરેશન હતું. આ અત્યંત મહત્ત્વાકાંક્ષી અને સફળ અભિયાન પછી રાજેન્દ્રનું વર્ચસ્વ દક્ષિણ-પૂર્વ એશિયામાં ફેલાઈ ગયું. રાજેન્દ્ર ચોલાએ ૧૦૨૭માં તંજાવુરના એક મંદિરની દિવાલ પર તેનું સંપૂર્ણ વર્ણન લખાવ્યું હતું.

આ રેકોર્ડમાં ઉલ્લેખિત છ સ્થળોમાંથી ચાર સુમાત્રામાં, એક મલય દ્વીપકલ્પમાં અને એક નિકોબાર ટાપુઓમાં છે. શક્ય છે કે રાજેન્દ્ર પણ તે જગ્યાએથી પસાર થયો હોય જે આજે સિંગાપોર તરીકે ઓળખાય છે. ત્યાં એક શિલાલેખ પણ મળી આવ્યો છે, જેમાં રાજેન્દ્ર ચોલની ઘણી પદવીઓમાંથી એકનો ઉલ્લેખ છે. ઇતિહાસકારો માને છે કે રાજેન્દ્ર ચોલાના દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળના પ્રવેશનો ઉદ્દેશ વિજય મેળવવાનો નહોતો પરંતુ વેપાર યુદ્ધમાં લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાનો હતો જેથી શ્રીવિજયની દરિયાઈ માર્ગો પરની પકડ નબળી પડે. આ અભિયાનોનો મુખ્ય હેતુ ચીન સાથે વધુ નફાકારક વેપાર માર્ગ ખોલવાનો હતો.

તે સમયે ચીનમાં મરી, મસાલા, વન ઉત્પાદનો અને કપાસની ખૂબ માંગ હતી અને ચોલાઓને આશા હતી કે તેઓ આ વસ્તુઓ ચીનમાં નિકાસ કરીને મોટો નફો કમાઈ શકશે.રાજેન્દ્ર ચોલાએ ચીનમાં એક રાજદૂત મોકલ્યો. તે પોતાની સાથે ચીની સમ્રાટ માટે ઘણી કિંમતી ભેટો લઈ ગયો, જેમ કે હાથીદાંત, મોતી, ગુલાબજળ, ગેંડાનાં શિંગડાં અને રેશમી કપડાં. થોડા દિવસો પછી, ચીનના ગુઆંગઝુ શહેરમાં એક મંદિર બનાવવામાં આવ્યું, જેના કેટલાક ભાગો હજુ પણ બચી ગયા છે. એક ચીની શિલાલેખમાં ઉલ્લેખ છે કે ચોલ રાજકુમાર દિવાકર ચીનમાં આ મંદિરની જાળવણી માટે ભંડોળ પૂરું પાડતો હતો. તમિલ વેપારીઓ ચીનથી કોરોમંડલ પર સુગંધિત લાકડાં, ધૂપ, કપૂર, મોતી અને સોનાથી ભરેલાં જહાજો લાવતા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top