થોડાં સમય અગાઉની જ વાત કરીએ તો, જેના ઘરે દીકરી હોય એના ઘરે કોઈક ખૂણામાં અલગ અલગ પ્રકારની ઢીંગલીઓ તો જોવા મળી જ જતી અને એ ઢીંગલીઓને શણગારવાથી લઈને તેના ધામ ધૂમથી લગ્ન કરવાની મજા પણ કઈક ઓર જ હતી. તમે તમારાં દાદી, મમ્મી કે કાકી વગેરેને પૂછશો તો ઢીંગલીઓ સાથે તેમની યાદો જોડાયેલી જ હશે. એટલું જ નહીં, ઘણાં પાસે તો આજે પણ પોતાના બાળપણના સંભારણા રૂપે ઢીંગલીઓનું કલેક્શન જોવા મળી આવશે. આજે જ્યારે સ્કૂલમાં ડગલાં માંડ્યા વગર જ બાળકો મોબાઇલના કી પેડ પર ફટાફટ આંગળીઓ નચાવીને પોતાનું મનોરંજન કરતાં હોય છે ત્યારે કેટલાક ડોલ લવર સુરતીઓ છે જેમણે જૂની ઢીંગલીઓને વર્ષોથી પોતાની પાસે સાચવી રાખી છે. તો તારીખ 10મી જૂનના રોજ ઉજવાતા ‘વર્લ્ડ ડોલ ડે’ નિમિત્તે આવા સૂરતી ડોલ લવર્સ પાસેથી તેમનું અદ્દભૂત કલેક્શન જોવાની સાથે જ તે સાચવી રાખવાના કારણો પણ જાણીએ…
ગણગોરની ઉજવણીથી જ ઢીંગલીઓ પ્રત્યે લગાવ છે : પ્રતિભા બજાજ
પ્રતિભા બજાજ કહે છે કે, ‘’અમારાં મારવાડી સમાજમાં ગણગોરની ઉજવણીનું ઘણું જ મહત્વ છે જેમાં ઢીંગલી બનાવીને તેની પુજા કર્યા બાદ નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. બાળપણથી આ બધુ જોતી હતી એટલે મને પણ ઢીંગલીનું આકર્ષણ તો હતું જ, એટલે મને મારી રમકડાની ઢીંગલીઓ ફેંકવાનું મન થતું ન હતું, આ સિવાય મારા પરિવારમાં હું એક માત્ર સંતાન હોવાથી ઘરમાં ઢીંગલી મારી સાથી બની રહેતી જેથી મને એકલા હોવાનો અહેસાસ થતો નહીં. મારી દીકરી એટલે કે મારી ઢીંગલી નાની હતી ત્યારે ઢીંગલીથી રમતી હતી પરંતુ અભ્યાસના પ્રેસરને કારણે એને પછી સમય જ નહીં મળ્યો. આજે જ્યારે મારો દીકરો અને દીકરી પણ મોટા થઈ ગયા છે પણ તેમ છતાં મારી બાળપણની યાદ રૂપે મેં ઢીંગલીઓ સાચવી રાખી છે.’’
બ્રાંડેડ ઢીંગલીઓ જ ગમે છે: ચક્ષ ભંડારી
ચક્ષ ભંડારી કહે છે કે, ‘’આમ તો છોકરીઓને જ ઢીંગલીઓ ગમતી હોવાનું સાંભળ્યુ હશે, પરંતુ હું મારા પપ્પા સાથે એન્ટિક વસ્તુઓ લેવા માટે મુંબઈ અને અલંગ હાઉસ ખાતે જતો ત્યારે યુરોપ, જર્મની અને હોંગકોંગની ડોલ્સ જોતો હતો અને મને એ ઘણી જ ગમતી. આ ડોલ્સની બનાવટ એવી હોય છે કે તેને પડવાથી ઘણી જ સાચવવી પડે છે, પરંતુ એ દેખાવમાં એટલી બધી આકર્ષક હોય છે કે, હું પપ્પા પાસે જીદ કરીને કોઈપણ ભોગે તે લેવડાવું છુ. મારી પાસે આજે પોર્સેલિન, ફ્રેંચ પોર્સેલિન તથા કેટરિના કલેક્ટર જેવી ડોલ્સનું કલેક્શન છે. આ ડોલ્સનું મટિરિયલ નાજુક હોવાથી હું રમી શકતો નથી પરંતુ તેને જોવાથી હું ખુશ થઈ જાઉં છુ એટલે એ મને મારા મિત્રો જેવી જ લાગે છે.’’