નવસારી : સોમવારે સવારે 9 કલાકે વિજલપોર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મોત નિપજ્યું હતું. વિજલપોર વિસ્તારમાં આવેલા નીરવ સ્કેવર એપાર્ટમેન્ટમાં રહેતા અને સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી વિપુલભાઇ વારૈયાનો 5 વર્ષનો પુત્ર સાર્થક સવારે તેની માતા સાથે નીકળ્યો હતો.
જો કે મમ્મી ફ્લેટના દરવાજાને લોક મારીને નીકળે એ પહેલાં તો બાળકે બીજા માળે લિફ્ટનો લાકડાનો દરવાજો ખોલીને અંદર જવા ગયો, ત્યારે લિફ્ટની અંદરની લોખંડની જાળી બંધ થાય એ પહેલાં જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી અને એ કારણે બાળકનો કમરથી ઉપરનો ભાગ બહાર અને બાકીનું શરીર અંદર ફસાઈ ગયું હતું. લિફ્ટમાં ફસાઈ જવાની ઘટનાની જાણ થતાં નવસારી મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડે ત્યાં પહોંચી દોઢ કલાકની જહેમત બાદ મિસ્ત્રી પાસેથી કટર મંગાવીને લિફ્ટ કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. એ બાદ તત્કાળ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું હતું, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું.
ફાયર બ્રિગેડ પાસે આધુનિક સાધનોનો અભાવ!
નવસારી મહાનગર બની ગયું છે, પણ તેનું ફાયર બ્રિગેડ હજુ આધુનિક બન્યું નથી. વિજલોપરમાં બાળક લિફ્ટમાં ફસાયું હોવાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, પરંતુ તેની પાસે લોખંડનો દરવાજો કાપવા માટેના સાધનો ચાલુ હાલતમાં જ ન હતા ! એ કારણે મિસ્ત્રી પાસેથી કટર મંગાવીને લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવું પડ્યું હતું. ફાયર બ્રિગેડની આ હાલતને ભરોસો નગરના 25 લાખથી વધુ લોકોની સુરક્ષા થઈ શકે કે કેમ એ એક સવાલ છે.