સુરતઃ રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંન્ટ વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે, પરંતુ હવે તો લોકોએ હદ વટાવી છે. હાલમાં સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દોઢથી બે વર્ષની ઉંમરનો બાળક રિક્ષા દોડાવતો નજરે પડે છે.
સરખું ચાલી પણ ન શકતા માસૂમ બાળકના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવીને તેનો પિતા રિક્ષામાં પાછળ મુસાફરોની સીટ પર બેઠેલો વીડિયોમાં જોવા મળે છે. બાળક સ્ટીયરિંગ પકડીને પૂરપાટ ઝડપે રસ્તા પર રિક્ષા દોડાવી રહ્યો છે. બાજુમાંથી પસાર થતા વાહનચાલકોએ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. વાહનચાલકોએ બૂમો પાડતા રિક્ષા ડ્રાઈવર ચાલુ રિક્ષાએ આગળ આવી સ્ટીયરિંગ સંભાળે છે.
આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાની ચર્ચા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઓટો રિક્ષા ડ્રાઈવર પિતા પોતાના દોઢથી બે વર્ષની ઉંમરના બાળક કે જે સરખું ચાલી પણ નથી શકતો તેને રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવી દે છે અને પોતે પાછળ મુસાફરોની સીટ પર બેસી જાય છે.
આ હરકતને બહાદૂરી કહેવી કે મુર્ખામી તે સમજાતું નથી. ચાલવાના ઠેકાણાં નથી તે બાળક ફૂલસ્પીડમાં રસ્તા પર રિક્ષા દોડાવી રહ્યો છે. જેના લીધે તે બાળક અને રસ્તાના અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સદ્દનસીબે કોઈ દુર્ઘટના બની નથી, પરંતુ આવી હરકતો કાબુમાં લેવાવી જોઈએ. વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને રિક્ષાના નંબરની મદદથી રિક્ષા ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.