સુરત: બાળકોને ભાવતાં ફ્રાઈમસ અને ખાસ કરીને ગરીબ તથા મધ્યમવર્ગના લોકો જેનો પાપડ તરીકે વધુ ઉપયોગ કરે છે તેના પર 18 ટકા જેટલો જીએસટી (GST) ઉત્પાદકોને પરવડતો નથી અને જો આ આઈટમોના ભાવ વધારવામાં આવે તો ગરીબોને તે પરવડે નહિં તેવા મુદ્દા સાથે ફ્રાઈમસ-પાપડને જીએસટીના સ્લેબમાંથી દૂર કરવામાં આવે તેવી રજૂઆત પાપડના ઉત્પાદકો દ્વારા ચીફ કમિશનર, સ્ટેટ જીએસટીને કરવામાં આવી હતી. હાલ તો કમિશનરે યોગ્ય નિર્ણય લેવા આશ્વાસન આપ્યું છે.
- ફ્રાયમસ-પાપડ પર 18 ટકા જીએસટી નાંખશો તો ગરીબ બાળકો નહિં ખાઈ શકે
- પાપડને જીએસટીમાંથી દૂર રાખવા માટે પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને ચીફ કમિશનર SGSTને મળી રજૂઆત કરી
- કમિશનર મિલિંદ તોરવણેએ હાલ તો ઉત્પાદકો-વેપારીઓને યોગ્ય નિર્ણય લેવા આશ્વાસન આપ્યું છે
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને ઓલ ઇન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રતિનિધિઓએ જીએસટીના પ્રશ્નો અંગે ચીફ કમિશનર SGST મિલિંદ તોરવણે સાથે અમદાવાદ ખાતે મુલાકાત કરી એક Representation આપ્યું હતું. 48મી જીએસટી કાઉન્સિલ મિટિંગમાં પાપડ (ફ્રાઈમ્સ)નો 18 % દર નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે આવી પ્રોડક્ટ પર જીએસટી નહિં નાંખવો જોઈએ તે અંગે કમિશનર સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
ગુજરાત વેટ 2007માં એડ્વાન્સ રૂલિંગ દ્વારા 0 %, 2011માં એડ્વાન્સ રૂલિંગ દ્વારા 0 %, 2015માં ગુજરાત ટ્યુબિનલ દ્વારા 0 %, 2016 ગુજરાતની ટ્યુબિનલ દ્વારા ૦ %, આ પ્રોડક્ટને પાપડ તરીકે ગણવામાં આવ્યું હતું. 2017માં જીએસટી આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા 2021માં એપીલીયેટ ઓથોરિટી (AAAR) દ્વારા 0 % કરવામાં આવ્યો હતો. 48મી જીએસટી કાઉન્સિલ મીટિંગમાં આ પાપડ પ્રોડક્ટને 18 % દરનું clarification આપવામાં આવ્યું છે. તે અંગે સરકારને 0 % લઈ જવા માટે એક આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
આ મીટિંગમાં CAITના રાષ્ટ્રીય ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, ગુજરાતના પ્રમુખ પ્રમોદભાઈ ભગત અને ઓલ ઇન્ડિયા જીએસટી કમિટીનાં ચેરમેન પૂનમબેન જોશી તેમજ ઓલ ઇન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ વિમલભાઈ બરડિયા, પીયૂષભાઈ ડોબરિયા, રાજેશભાઈ છાજડ, વિપુલભાઈ ડોબરિયા, અજયભાઈ મહેશ્વરી તેમજ કમલેશભાઈ પટેલ ચર્ચામાં જોડાયા હતા. વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કમિશનર મિલિંદ તોરવણેએ જણાવ્યું હતું કે, આ મુદ્દો જીએસટી કાઉન્સિલમાં ફરી ચર્ચા કરી વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.