Business

ભૂતકાળમાં ચાર વડલા વચ્ચેનું ‘ચારવડ’ એ આજનું ચાસવડ

સાતપુડા પર્વતમાળા વચ્ચેના ઇકો પોઇન્ટ નેત્રંગ તાલુકામાં આવેલું પાટીદાર અને આદિવાસી વસતી ધરાવતું ચાસવડ ગામ એ આજના સમયમાં કેપિટલ વિસ્તાર કહેવાય. દેશની આઝાદી બાદ ધૂળિયા રોડ અને સાતપુડાનાં ઘટાદાર જંગલો વચ્ચે સવલતનો અભાવ. એવા સમયે રોપેલા દૂધની શ્વેતક્રાંતિનાં બીજ અને નિરક્ષરતા દૂર કરવા માટે ભારતનું સૌથી પહેલું આશ્રમશાળા સંકુલ આજે વડવાઓનું પુણ્ય તપતાં વટવૃક્ષ બની ગયું છે. પશુપાલકો માટે, ખેડૂતો અને નવી પેઢીને શિક્ષણ આલમ માટે ચાસવડ ગામ પ્રગતિના પંથે છે. ચાસવડ ગામ આજે ૧૦૦ ટકા શૌચાલયયુક્ત છે. ૧૪૩૧ની વસતી ધરાવતું ચાસવડ ગામ આદિવાસી અને નવી વસાહતોના પાટીદારોના સમન્વયના અભિગમથી પ્રગતિના પંથે છે. આર્થિક ઉપાર્જન માટે અહીંના લોકો નોકરી, ખેતી અને મજૂરી સાથે સંકળાયેલા છે. ચાસવડ ગામના રળિયામણા વિકાસ માટે આદિવાસી સમાજના ખમતીધર આગેવાનો અને સરપંચે આગોતરું આયોજન કર્યું છે.

ચાસવડ નામ કઈ રીતે પડ્યું

તમે ચાસવડ ગામમાં જાઓ તો વિકાસકાર્યોની ઝલક જોવા મળે એ સ્વાભાવિક છે. સાતપુડાની પર્વતમાળામાં ચાસવડ ગામની ઉત્પત્તિ અને નામ કઈ રીતે પડ્યું હોય એ જાણવાની ઉત્કંઠા ખરી જ. લગભગ નવેક દાયકા પહેલાના વડવાઓના પરિશ્રમ અને જમીનના ટેકરા સમતળ કરવાની તાકાતને લઈ આજે ચાસવડ રૂડું અને રળિયામણું બન્યું છે. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં આ ભૂમિ પર ચાર મજૂબત ‘વડ’ હતા. એ સમયે લોકો રહેતા થયા ત્યારે ચાર વડ લઈને ગામનું નામ પહેલા ‘ચારવડ’ પડેલું. ચારવડ ધીમે ધીમે શબ્દો અપભ્રંશ થતાં આજે “ચાસવડ” પડી ગયું હતું. મૂળ તો આજે પણ ચાસવડ ભૂમિએ વડલાઈઓની ભૂમિ છે. આદિવાસીઓ અને પાટીદારોના સમન્વયના કારણે ચાસવડ પરિશ્રમીની ભૂમિ કહેવાય.

ચાસવડ ડેરી કરે છે વર્ષેદહાડે રૂ.૮૫ કરોડનું ટર્નઓવર

ઋષિઓની પરંપરા પ્રમાણે નેત્રંગ વન વિસ્તાર એ હેડંબા વન તરીકે ઓળખાતો હતો. એ સમયે જીવનનિર્વાહ કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. ધૂળની ડમરીઓ, જમીન અસમતળ, ઢેંફાં નજરે ચડે. માનવીએ ખરા અર્થમાં માણસ બનવાનો અથાક પરિશ્રમ કરવાનો હતો. દેશની આઝાદી અને ગુજરાત સ્થાપનાનાં બે વર્ષ બાદ પાટીદાર આગેવાનોની સમર્પિત ભાવનાથી તા.૩૧-૧-૧૯૬૨ના રોજ ચાસવડ ખાતે આજુબાજુના પશુપાલકો માટે નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના થઈ હતી. પશુપાલકોને દૂધના બે પૈસા મળે એ માટે દુરંદેશી પ્લાનિંગ કરાયું હતું. જેની સ્થાપનાને આજે ૬૦ વર્ષ પૂરાં થયાં છે. ચાસવડની નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દૈનિક ૫૦ હજાર લીટર દૂધ એકત્ર કરે છે.

નેત્રંગ, વાલિયા, ઝઘડિયા તાલુકાનાં ૧૭૫ દૂધ કલેક્શન સેન્ટર પરથી દૂધ એકત્ર કરે છે. આજે ચાસવડ ડેરી વર્ષેદહાડે અંદાજે રૂ.૮૫ કરોડનું ટર્નઓવર કરે છે. આ બાબતે ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ કાંતિભાઈ વસાવા તેમજ મેનેજર સુરેશભાઈ પટેલ કહે છે કે, અમારી દૂધમંડળીના કોઈપણ સભાસદને તમામ સવલત માટે અમારી ટીમ તત્પર છે. હાલ મંડળી વ્યવસ્થાપક સમિતિએ એક વર્ષ પૂરું કરતાં સભાસદોને ૫ લાખની મેડિક્લેઇમ પોલિસી ઉતારીને લાભ આપ્યો છે. સાથે આ વર્ષે હિસાબી વર્ષમાં પ્રતિ લીટરે ૫.૧૫ પૈસા ભાવફેર આપ્યો છે. આ ડેરી સભાસદો માટે પશુ સંવર્ધન, પશુદાણ, લીલો ઘાસચારો અને ખેડૂતો માટે બિયારણ, રાસાયણીક ખાતર તેમજ સમયાંતરે પશુ સારવાર અને માનવ રોગ નિદાન કેમ્પ કરે છે.

ચાસવડ ડેરીની વ્યવસ્થાપક સમિતિ

  • પ્રમુખ:- કવિભાઈ કાંતિભાઈ વસાવા
  • ઉપપ્રમુખ:- અરવિંદભાઈ વેચાણભાઈ વસાવા
  • ક.સભ્ય:- વસંતાબેન અરવિંદભાઈ વસાવા
  • ક.સભ્ય:- હુનિયાભાઈ ગામિયાભાઈ વસાવા
  • ક.સભ્ય:-અર્જુનભાઈ દેવજીભાઈ વસાવા
  • ક.સભ્ય:-રાકેશભાઈ કાસમભાઈ ચૌધરી
  •       ક.સભ્ય:-શંકરભાઈ ચીમનભાઈ વસાવા
  •       ક.સભ્ય:-કાલુસિંગ ફતેસિંગભાઈ વસાવા
  •       ક.સભ્ય:- ઉત્તમભાઈ રવિયાભાઈ વસાવા
  •       ક.સભ્ય:- પ્રવીણભાઈ રામસિંહ વસાવા
  •       ક.સભ્ય:- રાકેશભાઈ જેઠાભાઈ વસાવા
  •       ક.સભ્ય:- રાયમલભાઈ સાતલિયાભાઈ વસાવા
  •       ક.સભ્ય:-ઠાકોરભાઈ જેઠિયાભાઈ વસાવા
  •       ક.સભ્ય:-નારણભાઈ સોમાભાઈ વસાવા
  •       ક.સભ્ય:- ગણેશભાઈ સોમાભાઈ વસાવા
  •       ક.સભ્ય:- રંજનબેન રમેશભાઈ વસાવા
  •      ક.સભ્ય:- વજુબેન ચંપકભાઈ વસાવા

આમંત્રિત સભ્ય:- શાંતાબેન સવિલાલભાઈ વસાવા
    ઇનચાર્જ મેનેજિંગ ડિરેક્ટર સુમુલ ડેરી, સુરત
      મેનેજર:-સુરેશભાઈ બી.પટેલ

પાટીદારોએ ખેતીલાયક જમીન તૈયાર કરી હતી
ચાસવડ વિસ્તારમાં રજવાડા વખતે સાતપુડાનાં ઘટાદાર જંગલોમાં સૂર્યપ્રકાશ ધરતી પર ઓછો પડતો. જેને કારણે ઝેરી મેલેરિયા રોજ ફાટી નીકળવા છતાં વૈદકીય સારવાર જવલ્લે જ મળે. માત્ર હરિનામ જ તેની દવા કહેવાય. કોતરો, ડુંગરોવાળી જગ્યાઓને સપાટ કરવી એ શિરદર્દસમાન હતું. હિંસક જાનવરો અને ઝેરી જીવોનો ભય સતત સતાવતો હતો. છતાં સાહસિક માણસો સંઘર્ષ કરતા રહ્યા. રાજપીપળા સ્ટેટના રાજવીએ મહેનતકશ બારડોલી-નવસારી અને વલસાડ જિલ્લાના પટેલ અને ભક્તા (પાટીદાર)ને નજીવે મોલે (૦/૨૫ પૈસે પ્રતિ એકર) જમીન વેચાણ આપી. અસમતળ જમીનોને સમતળ કરવા માટે “સૌના ભલામાં આપણું ભલું” આ વાક્યને જીવનમંત્ર બનાવીને નવી વસાહતમાં સખત પરિશ્રમ ઉઠાવી ખેતીલાયક જમીન તૈયાર કરી હતી.

ગાંધીના વિચારોથી રંગાયેલા લડાયક ભૂમિ બારડોલી અને અન્ય જિલ્લાના પાટીદારો બારડોલી સત્યાગ્રહમાં મક્કમ મનોબળ સાથે જોડાતાં જેલની સજા પણ ભોગવી હતી. તેમનામાં રાષ્ટ્રવાદી-સમાજ ઉત્થાનની ભાવના અખૂટ હતી. મહાત્મા ગાંધીજીએ તેમના સાથી એવા કલ્યાણજીભાઈ મહેતા (ગુજરાત વિધાનસભાના પહેલા સ્પીકર-કલ્યાણજીકાકા)ને મળીને છેલ્લા વિસ્તારોમાં દવાખાનું / શાળા બનાવવા વિનંતી કરી હતી. એ વખતે મરોલી ખાતે મીઠુબેન પીટીટ (માઈજી)ને જણાવતાં ચાસવડ ખાતે આવી દવાખાનાની જગ્યા પસંદ કરી આશ્રમશાળા શરૂ કરવામાં આવી હતી. જેને કારણે એ સમયે બાળકોને અભ્યાસ સાથે બીમારીનો ઈલાજનો પ્રશ્ન પણ હલ થઈ ગયો હતો.

પશુપાલન ઉદ્યોગ ફળદાયી: એક સમયે ઘીનું પેકિંગ કરી મુંબઈ વેચાણ કરાતું હતું

ચાસવડ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ પહેલાં સ્થિતિ કંઈ ઓર હતી. એ વખતે અડધી જમીનો પડતર રહે એ માટે પ્રબુદ્ધ સહકારી આગેવાનોમાં મનોમંથન ચાલતું હતું. જેમાં ખેતી સાથે પશુપાલન વ્યવસાય બંધબેસતો હતો. જો કે, એ સમયે અંધશ્રદ્ધા એ હદે હતી કે, દૂધ વેચવું એ છોકરો વેચવા બરાબર ગણાતું. આવી મુશ્કેલીમાં જાગૃતિ લાવવું કઠીન હતું. જો કે, ખેડૂતો મુશ્કેલી સહન કરી દૂધમાંથી ઘી બનાવી પેકિંગ કરી મુંબઈ બજારમાં વેચવા જતા હતા. આ વિસ્તારમાં રોડ, રસ્તાનાં નામોનિશાન નહીં. છેક ઝંખવાવ સુધી પાટીદારો પગદંડી ચાલીને જાય અને નાનકડી રેલવે ગાડીમાં બેસીને કોસંબાથી છેક મુંબઈ સુધી જતા હતા. આ વિસ્તારમાં કપાસ ખૂબ જ પાકે, પણ તેને વેચવા માટે અંકલેશ્વરમાં બનાવેલા ખાનગી માલિકીના વખારિયા શેઠના જીનમાં નાંખે. પણ ભાવ ખેડૂતોને ન મળે. એ માટે ખેડૂતોએ ભેગા થઈને સહકારી ધોરણે નેત્રંગ જીન બનાવતાં ખેડૂતોને સારા ભાવો એ સમયે મળવા માંડ્યા હતા.

ખેતીમાં પાક માટે સારો રસ્તો મળ્યા બાદ તેની સાથે પશુપાલનના પ્રશ્નનો ઉકેલ પણ શોધી કાઢ્યો હતો. દૂધના વેચાણ વ્યવસ્થામાં કોઠાસૂઝ કર્મઠ આગેવાનોએ સહકારી સંગઠનમાં વિશ્વાસ રાખી તા.૩૧-૧-૧૯૬૨ના રોજ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નામે નોંધણી કરાવી દીધી હતી. આ સંસ્થાના ઉત્થાન માટે મુખ્ય પ્રયોજક તરીકે કેલ્વીકૂવાના ડાહ્યાભાઈ ગોરધનભાઈ ભક્તાએ કાર્યભાર સંભાળ્યો હતો. નવી વસાહતમાં આવેલા ચીકલીના ગોકળભાઈ કરશનજીભાઈ, કબીર ગામના ચીમનભાઈ ગોકળભાઈ, મૌઝાના હેપુભાઈ રતુભાઈ, આટખોલના દયારામભાઈ રામભાઈ, ચાસવડના રમણભાઈ નરસિંહભાઈ, કોડવાવના મકનજીભાઇ તુલસીભાઈ અને ઘાણીખૂટના નરસિંહભાઈ લલ્લુભાઈએ પૂરી નિષ્ઠાથી સહયોગ આપ્યો હતો. તા-૨-૧૧-૧૯૬૨ના રોજ મંડળીની પહેલી સાધારણ સભામાં પહેલા પ્રમુખ ડાહ્યાભાઈ ગોરધનભાઈને જવાબદારી સોંપી હતી. શરૂઆતમાં મુશ્કેલ કામગીરી છતાં તેઓ અડગ રહ્યા. ૧૯૬૨થી ૬૯ના પ્રમુખ ડાહ્યાભાઈએ દૂધ વધુ ને વધુ એકત્ર કરવાની સૌને અપીલ કરી હતી. વધારે દૂધ એકત્ર કરીએ તો વેચાણ વ્યવસ્થાનો ખર્ચ ઓછો આવે. તા.૫-૧૨-૧૯૬૯ કબીર ગામે પરસોત્તમભાઈ ભુલાભાઈના નિવાસ સ્થાને ખાસ સાધારણ સભામાં આ મંડળી સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ “સુમુલ”ના ૧૦૦ કિ.મી.ની ત્રિજ્યામાં આવતાં તેની સાથે જોડાઈને તેમના શેર ખરીદવાનો ઠરાવ કર્યો હતો. જે પ્રક્રિયા આટોપ્યા બાદ પહેલા જ દિવસે કબીર ગામ અને ચીખલી ગામનું મળીને ૩૫ લીટર દૂધ એકત્ર થયું હતું.

ખુદ ગોકળકાકાએ ચીખલી ગામમાં દૂધ ભેગું કરીને નિષ્કામભાવે કબીરગામ લઈને આવ્યા હતા. દૂધ તો ભેગું કરાય પણ ચીલિંગ પ્લાન્ટના અભાવે ૩૦ ટકા દૂધ ખાટું થઇ જતું હોવાથી ભાવ ન મળતાં સભાસદોને નુકસાન થતું હતું. જેને કારણે ખુદ સંચાલક કમિટી પણ વ્યથિત હતા. આથી ડેરીમાં મિનિ ચીલિંગ પ્લાન્ટ નાંખવાનું વિચાર્યું. ચાસવડ મિનિ ચીલિંગ પ્લાન્ટ નાંખવાની જગ્યા માટે તપાસ આદરતાં ચાસવડના સહકારના શ્રેષ્ઠી ધીરૂભાઈ મોરારજીભાઈએ દરિયાઈ દિલથી રોડ ટચ (કાળું સોનું) ૨ એકર ૩૦ ગુંઠા જમીન માત્ર રૂ.૧માં મંડળીને અર્પણ કરી દીધી હતી. છ દાયકાથી સંનિષ્ઠ સહકારી સ્થાનિક આગેવાનોની સમર્પણ ભાવનાથી આજે આ વિસ્તારના પશુપાલકો માટે શ્વેતક્રાંતિ સર્જાઈ છે. ચાસવડના ખેડૂત અગ્રણી ૫૫ વર્ષીય મુકેશભાઈ રતનજીભાઈ પટેલ કહે છે કે, આ વિસ્તારમાં ગ્રામજનોની વર્તમાન સુખાકારી ભૂતકાળના આગેવાનોની કોઠાસૂઝનું પરિણામ છે.

બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ ચાસવડ આશ્રમશાળામાં પ્રાઇમરી શિક્ષણ લીધું હતું
સાચી કેળવણી એ બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. ચાસવડ આશ્રમશાળા કૂમળાં બાળકોની સુષુપ્ત શક્તિને બહાર લાવવાનું કાર્ય કરે છે. ભારતને આઝાદી તો મળી ગઈ પણ મહાત્મા ગાંધીજીએ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ આપવાની કરેલી હાંકલને તેમના સાથીઓએ બખૂબી નિભાવ્યું છે. જે આજે વટવૃક્ષ છે. ગુજરાત-મહારાષ્ટ્ર બંને ભેગા હોવાથી દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું. મુંબઈ રાજ્યમાં તા.૨૨મી ડિસેમ્બર-૧૯૫૩માં શિક્ષણ માટે આશ્રમશાળા માળખું બનાવવાનો સામાન્ય ઠરાવ પસાર કરાયો હતો. જેમાં ચાસવડ ખાતે વર્ષ-૧૯૫૪માં સૌપ્રથમ આશ્રમશાળા શરૂ થઇ હતી. જે આખા ભારત દેશમાં પહેલી આશ્રમશાળા હતી.

ગુજરાત રાજ્ય છૂટું પડ્યા બાદ આખા ગુજરાતમાં લગભગ ૬૩૦ આશ્રમશાળા કાર્યરત છે, જેમાં ભરૂચ જિલ્લામાં ૧૨ આશ્રમશાળા આવેલી છે. અને ચાસવડ આશ્રમશાળા જીવંતસમાન બની ગઈ છે. આજે આ આશ્રમશાળામાં લંડનસ્થિત હંસરાજભાઈ પટેલ (મૂળ રહે.,ધર્મજ)ના સહયોગથી બનાવેલી આખી “ઘેનુગીરશાળા”માં બાળકો ગીરગાયનું શુદ્ધ દૂધ પીએ છે. શુદ્ધ પૌષ્ટિક ખોરાક અને ટેક્નોલોજીના યુગમાં નાનાં બાળકો કમ્પ્યૂટર ટેક્નોલોજીનો લાભ લઈ પ્રાથમિક સ્તરે ઈ-મેઈલ કરતા થયા છે. જો કે, ચાસવડ આશ્રમશાળામાં બારડોલી લોકસભાના સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાએ બાળપણમાં અભ્યાસ કર્યો હતો. સ્વ.નાગરભાઈ વસાવા હંમેશાં કહેતા કે “વિદ્યા ધન સાચું, બાકી બધું કાચું”. લગભગ ૨૦૦૯-૧૦થી ખુમાનસિંહ વાંસિયા મરોલી કસ્તુરબા સેવાશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોડાયા બાદ દિવસે ને દિવસે સંસ્થાનો વિકાસ થઇ રહ્યો છે. ચાસવડ આશ્રમશાળામાં ઉદ્યોગપતિને કારણે બોટનિકલ ગાર્ડન બની રહ્યો છે. જે બાબતે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયા કહે છે કે, કંબોડિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી NRI જયવંતભાઈ પટેલના અંદાજે ૧ કરોડથી વધુ દાનથી ચાસવડમાં અદ્યતન ભોજનાલય+પ્રાર્થના હોલ બની રહ્યો છે. બારડોલી સત્યાગ્રહ વખતે ૧૯૨૮માં રોગચાળો પ્રસરતાં ૧૯૨૯માં આ સંસ્થાએ દવાખાનું સ્થાપ્યું હતું. જેને કારણે રોગચાળો કાબૂમાં આવી ગયો હતો. ત્યારથી લઈને હમણા સુધી રોજના ૫૦ દર્દી આવે છે. અને શિયાળાની ઋતુમાં રોજના ૧૦૦ જેટલા દર્દી આવે છે. વર્ષ-૨૦૨૯માં આ દવાખાનાને ૧૦૦ વર્ષ પૂરાં થશે. આથી આ સંસ્થા ૧૫થી ૨૦ બેડની અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવા જઈ રહી છે.

બેસ્ટ ગુજરાતી ફિલ્મ “રેવા” ફિલ્મના શોર્ટ્સ ભલે નર્મદા કાંઠે ગુજરાત અને મધ્યપ્રદેશમાં લેવાયા હોય, પણ ફૂલ્મનું સૌથી વધુ શૂટિંગ નેત્રંગના ચાસવડ આશ્રમશાળામાં લેવાયું છે. આખી ફિલ્મ જોવ તો કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ચાસવડ આશ્રમશાળા અને પાડોશી કેવડી આશ્રમશાળાના સિનેરિયો અચૂક જોવા મળે. એ સમયે ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળે કહે છે કે, ફિલ્મ શૂટિંગ પ્રોસેસ ખૂબ જ કઠીન હોય છે. નર્મદા નદીના સીન માટે ૧૧ સિટી અમે ફર્યા. ખાસ કરીને ટેક્નિશિયનો મુંબઈથી આવતા હોય છે, જેમાં ચાસવડ અને કેવડીમાં હીરો-હિરોઈન સહિત ૮૦ જણાની ટીમને ઘર જેવું લાગ્યું. આ ફિલ્મમાં ડોક્ટર તરીકે કોઈ કલાકાર ન હોવાથી ચાસવડના ડો.બીપીનસિંહ રાઠોડ (તેઓ હવે સ્વર્ગસ્થ થઇ ગયા)ને રોલ અપાયો હતો. ફિલ્મમાં તેઓ ઈજાગ્રસ્તને ડ્રેસિંગ કરવાનો રોલ કર્યો હતો. ડો.બીપીનસિંહ ઘણીવાર કહેતા હતા કે, આ ફિલ્મમાં ડ્રેસિંગ કરીને એક લીટી બોલવાની હતી. જે માટે શોર્ટ્સ લીધો હતો. આ ફિલ્મ માટે મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયા કહે છે કે, રેવા ફિલ્મમાં આધ્યાત્મિક પ્રેરણાદાયી વાતની અનુભૂતિ કંઈક અલગ રીતે થતી હોય છે.

ચાસવડમાં આદિવાસી દંપતી ચાર ટર્મથી ગ્રામ પંચાયતના સરપંચ પદે
લોકશાહીમાં સ્થાનિક લેવલે પ્રજાના આગેવાન ત્યારે જ બની શકે, જ્યારે તેમનાં સુખ-દુઃખમાં જોડાયેલા હોય. ચાસવડમાં છેલ્લાં ૧૮ વર્ષથી એક જ પરિવારનું આદિવાસી દંપતી ગ્રામ પંચાયતમાં સત્તાનાં સૂત્રો સંભાળે છે. નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કામ કરતા ૪૨ વર્ષના મનસુખભાઈ શંકરભાઈ વસાવાએ ચાસવડમાં છેલ્લી ત્રણ ટર્મ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કામ કર્યું છે. મૂળ તો બે દાયકા પહેલાં ચાસવડમાં દુકાન ચાલુ કર્યા બાદ સામાજિક સ્તરે જોતરાયેલા રહેતા હતા. ૨૦૦૪માં પહેલીવાર ૨૪ વર્ષની નાની ઉંમરે સરપંચ તરીકે વિજેતા થઈ જવાબદારી સંભાળી હતી. તેમણે લોકસેવાના કાર્યો કરી સફળ સુકાનીની પ્રતીતિ કરાવી હતી. ગામના વિકાસનાં કામો કરીને ૨૦૧૧માં ગ્રામ પંચાયતમાં બીજી વખત પણ મનસુખભાઈ સરપંચ પદે આરૂઢ થયા હતા. અને ૨૦૧૭માં ચાસવડ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી હેટટ્રિક કરી હતી. ત્યારબાદ ૨૦૨૦માં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને ઉપ પ્રમુખ તરીકે જવાબદારી આપી હતી. જે કામગીરી તેમણે સુપેરે પાર પાડી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મનસુખભાઈ વસાવાને જવાબદારી સોંપાઈ હતી. ૨૦૨૧માં ચાસવડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે મહિલાની સીટ આવતાં મનસુખભાઈએ તેમનાં પત્ની ૩૯ વર્ષનાં જશુબેનને ઊભા રાખ્યા હતા. અને જસુબેન સરપંચ તરીકે વિજેતા થયાં હતાં.

ચાસવડ ગામમાં વિકાસનાં કામોમાં ગુજરાત પેટર્ન, ૧૫મુ નાણાપંચ, જિલ્લા આયોજનમંડળ, સંસદ સભ્યની ગ્રાન્ટ, ATVT ગ્રાન્ટ, સ્વભંડોળ મળી વર્ષે દિવસે ૪૦થી ૪૫ લાખની ગ્રાન્ટ મળે છે. તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા કહે છે કે, જનસેવા થકી લોકો સાથેના સંપર્કો વધ્યા. જેને કારણે જ્યાં પણ કોઈ પ્રસંગે જઈએ તો લોકો માન-સન્માનથી બોલાવે. ચાસવડ ગામનો વિકાસ અમારા માટે અગત્યનો છે. હાલમાં ચાસવડ ખાતે શુદ્ધ પાણીની સુવિધા ઊભી કરાઈ છે. જેથી ભવિષ્યમાં લોકોને ફાયદો થશે. ચાસવડમાં ૧૪ લાખના ખર્ચે પંચાયત ઘર બની રહ્યું છે.

ગ્રામ પંચાયતની ચુંટાયેલી ટીમ

  • ૧)જશુબેન મનસુખભાઈ વસાવા-સરપંચ
  • ૨)વિજયભાઈ ઈશ્વરભાઈ વસાવા- ડે.સરપંચ
  • ૩)સન્મુખભાઈ વેચાણભાઈ વસાવા-સભ્ય
  • ૪)રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી-સભ્ય
  • ૫)ગીતાબેન રમેશભાઈ વસાવા-સભ્ય
  • ૬)સુનંદાબેન ગણેશભાઈ વસાવા-સભ્ય
  • ૭)મનીષાબેન સુહેલભાઈ વસાવા-સભ્ય
  • ૮)પીનાકીબેન સ્નેહલભાઇ વસાવા-સભ્ય
  • ૯) વોર્ડ નં.૧ અનુસૂચિત જાતિની વસતી હોવાથી વોર્ડ ખાલી

ચાસવડ ગામની રૂપરેખા

  • ઘર:-૨૮૬
  • વસ્તી:- ૧૪૩૧
  • પુરુષ:-૭૩૬
  • સ્ત્રી:-૬૯૫
  • બાળકોનો રેશિયો (૦થી ૬ વર્ષ):-૧૭૨
  •    દીકરા:-૯૪
  •    દીકરી:-૭૮
  • સાક્ષરતા દર:- ૭૩.૧૫ ટકા
  • પુરુષ સાક્ષરતા:- ૭૮.૧૯ ટકા
  • સ્ત્રી સાક્ષરતા:- ૬૭.૯૧ ટકા
  • કામદાર:- ૫૩૧
  • જાતિ:-આદિવાસી, પાટીદાર, ભટ્ટ, પંચાલ
  • કઈ કઈ સુવિધા ઉપલબ્ધ
  • ૧)આંગણવાડી
  • ૨)પ્રાથમિક શાળા
  • ૩)બે માધ્યમિક શાળા
  • ૪)ચાસવડ ડેરી
  • ૫)બાયફ
  • ૬)આશ્રમશાળા
  • ૭)પશુ દવાખાનું
  • ૮)આરોગ્ય કેન્દ્ર
  • ૯)ખાંડસરી
  • ૧૦) કુમાર છાત્રાલય
  • ૧૧)કન્યા છાત્રાલય 

એગ્રીકલ્ચર માટે ચાસવડની બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો નવતર પ્રયોગ  
ચાસવડમાં બાયફ સંસ્થા દ્વારા ૧૯૯૪માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના થઇ હતી. બાયફ સંસ્થા નવા નવા અખતરા કરી ખેડૂતોને “પ્રયોગશીલ” બનાવવા ટેક્નોલોજી પહોંચાડવા માટે પ્રયાસ કરાય છે. બાયફ KVK દ્વારા ખેડૂતો સુધી વ્યવસાયિક તાલીમ, અગ્રીમ હરોળ નિદર્શન, ક્ષેત્ર પર ચકાસણી અને ઇનસર્વિસ તાલીમ એમ ચાર પ્રકારની પ્રવૃત્તિઓ પહોંચાડાય છે. આ સંસ્થાનું કોયલી-માંડવી રોડ પર ૮૫ એકરનું ફાર્મ આવેલું છે, જેમાં ૨૦ એકરમાં બાગાયતી પાકો (આંબા, ચીકુ, સીતાફળ, જમરૂખ, લીંબુ, આમળાં, બોર અને કાજુનું વાવેતર કરવામાં આવ્યું છે. અને ૩૦ એકરમાં ચોમાસાના વિવિધ પાકો લેવાય છે. બાકીની જમીનમાં શાકભાજી, લીલો ઘાસચારો સહિતનું વાવેતર કરાય છે. તમામ પાકોની પ્રવૃત્તિ માટે ખેડૂતોને માહિતી અપાય છે. ફાર્મમાં વર્મી નીમ બાયોવોશ, રોટરી, પાઉડર વીડર, ન્યૂમેટ્રીક કોટન પ્લાન્ટર, એરો બ્લાસ્ટ સ્પ્રેયરનું નિદર્શન કરવામાં આવે છે. આ સંસ્થામાં તાલીમ વર્ગ રૂમો, ખેડૂત છાત્રાલય, નિદર્શન એકમોમાં જળસ્ત્રાવ મોડલ, અળસિયાં તથા કમ્પોસ્ટ ખાતર મોડલ, ફાર્મ પોન્ડ, ટપક સિંચાઈ, જમીન વિજ્ઞાન પ્રયોગશાળા, ગ્રીનહાઉસ ગોડાઉન, બાગાયત યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. ચાસવડ બાયફ સાથે ખેડૂતો જોડાય તો ખેતીની ફળદ્રુપતા અને નવી ટેક્નોલોજીથી માહિતગાર થઈ શકે. ખાસ કરીને આ સંસ્થાની સ્થાપના થઇ ત્યારે પાટીદાર સમાજના કોઠાસૂઝ ધરાવતા આગેવાનો અને કેટલીક સંસ્થા મદદરૂપ થઈ હતી.

.

અમેરિકામાં સ્થાયી પાટીદાર પરિવારનો ચાસવડમાં નોન ગ્રાન્ટેડ વિદ્યાલય બનાવવાનો ઉત્તમ અભિગમ 
ચીખલી ગામના ગોકળભાઈ કરશનજીભાઈ ભક્તા સેવા કાર્યોમાં હંમેશાં અગ્રેસર. નવી વસાહતમાં ચીખલીના ગોકળકાકાનું નામ નવા વિચારો અને નવી આયામો માટે હંમેશાં મોખરે હતું. અમેરિકામાં સ્થાયી થયેલા એક દીકરા કિરીટભાઈ અને ત્રણેય દીકરીમાં ભારતીબેન, રેખાબેન અને સુધાબેન વેલસેટેડ હતા. તેમના દીકરા અને દીકરીઓએ પિતાનું સપનું પૂરું કરવા શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. નવી વસાહત ધર્માદા ટ્રસ્ટ દ્વારા લગભગ ૨૦૦૬માં ધો.૧થી ૧૨ માટે અદ્યતન બિલ્ડિંગ બનાવી સવિતાબેન ગોકળભાઈ દેસાઈ વિદ્યાલય સેલ્ફ ફાયનાન્સની શરૂઆત કરી હતી. મૂળ તો આ વિસ્તાર ટ્રાયબલ હોવાથી સેલ્ફ ફાયનાન્સ માટે ગરીબ આદિવાસી બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી બંને દીકરી દર વર્ષે NRI ચેરિટી માટે ફંડ મોકલાવતી હતી. આ સ્કૂલમાં અભ્યાસ કરનારી આદિવાસી સમાજની જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓ માટે ઘરેથી આવવા-જવા રિક્ષા ભાડું પણ આપે છે. સાથે નિરાધાર બાળકોને પણ શિક્ષણ માટે મદદરૂપ થાય છે. આ નિરાધાર બાળકો પાસે ફી પણ લેવાતી નથી. આ વિદ્યાલયમાં કોરોનાને કારણે સંખ્યા થોડી ઓછી થઈ છે. અહીં અભ્યાસ માટે ૧૦૦ ટકા આદિવાસી બાળકો આવે છે. હાલમાં ટ્રસ્ટના પ્રમુખ સન્મુખભાઈ ભક્તા કહે છે કે, આખી સંસ્થા સમર્પણ ભાવથી ઊભી કરી છે. આખા વિસ્તારમાં શિક્ષણનો તમામને લાભ મળે એ માટે ઉમદા અભિગમ છે. આ સ્કૂલ સેલ્ફ ફાયનાન્સ હોવાથી તેમના પરિવારના દાનથી શૈક્ષણિક કાર્ય થઇ રહ્યું છે.  

Most Popular

To Top