આણંદ : આણંદ – ખેડા જિલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનના અભિયાનમાં સ્થાનિક સરકાર સાથે ખભેખભા મેળવી કામ કર્યું હતું. અમેરિકાએ તેના વેક્સિનેશન પોગ્રામના ઝડપી અમલીકરણને લઈ કોરોનાને મ્હાત આપવામાં સફળતા મેળવી છે. અમેરિકામાં હાલ 18 થી 45 વર્ષના નાગરિકોનું વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહયુ છે. અમેરિકામાં વેક્સિનેશન પોગ્રામોમાં સામાજિક સેવાકીય સંસ્થાઓનો પણ ભગીરથ પ્રયાસ છે. તેમાંય ભારતીય ગુજરાતીઓ પણ અમેરિકન સરકારની કામગીરી સાથે ખભે ખભા મિલાવી વેક્સિનેશન પોગ્રામો કરી રહ્યા છે.
અમેરિકાના સીટી ઓફ લા હબ્રાના કોમ્યુનિટી સેન્ટરમાં 2500થી વધુ લોકોના વેક્સિનેશનનો પોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં મહત્વપૂર્ણ અમેરિકન રાજકીય હસ્તીઓ પણ સમયાંતરે હાજરી આપી હતી. લા હબ્રાના મેયર ટીમ શો, કાઉન્સિલર મેમ્બર જેમ્સ ગોમેઝ, પ્લેસેન્ટિયાના કાઉન્સિલ મેન અને મેયર ચેડ પી.વંકે તથા એબીસી યુનીફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ મેમ્બરો હાજર રહ્યા હતા. અમેરિકામાં વસતા અમેરિકન ભારતીયો દ્વારા વિવિધ શહેરોમાં નિઃશુલ્ક વેક્સિનેશન પોગ્રામ થકી માનવ સમાજની શ્રેષ્ઠ સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે. ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટી, હોસ્પિટાલિટી ગૃપ,અને વી.એમ.ફાર્મસીના દ્વારા સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
આ કેમ્પમાં એબીસી સ્કૂલ ઓફ ડિસ્ટ્રિક્ટના વોલિટીયર્સ પણ સામેલ થઇ વ્યવસ્થામાં સહભાગી થયા હતા. આ વેક્સિનેશન અભિયાનમાં આર્સેટિયા, સેરીટોસ, લેકવુડ, બેલફલાવર, જૈન ટેમ્પલ, લહાબ્રા, નોર્વોક સહિત ઓરેન્જ સીટીમાં વેક્સિનેશન કેમ્પ આયોજિત કરાયા હતા. હાલ સુધી 25000 જેટલા વેક્સિન યુનિટનો વપરાશ થયો છે અને 12000 ઉપરાંત વ્યક્તિઓને વેક્સિનેટ કરાયા છે. આ પોગ્રામને અંતે ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પરિમલ શાહે સૌ આમંત્રિત મહેમાનો અને આ સેવા કાર્યમાં ઉત્તમ સહયોગ બદલ વી.એમ.ફાર્મસીના જીજ્ઞેશ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો.