Charchapatra

ખુરશીનો મોહ

આમ તો ખુરશી એટલે ચાર પાતળા પાયાવાળું આધાર સાથેનું મધ્યમ પ્રકારનું આસન. અલબત્ત,ખુરશી એ માનનું કે પદ-હોદ્દા અમલનું સ્થાન કહેવાય. કોઈ સારા-માઠા પ્રસંગમાં બેઠાં હોઈએ ત્યાં કોઈ એવી વ્યક્તિ આવે કે તરત ખુરશી ખાલી કરીને આપવી પડે. વડીલ કે કોઈ મોટાને બેસવાની ખુરશી આપવી એ રીતે માન આપવામાં આવતું હોય છે. ખરશી આપવી અને ખુરશી ખાલી કરવી એ બેમાં તફાવત છે. ખુરશી ખાલી કરવી એટલે પદ કે અમલની જગ્યા છોડવી એ અર્થમાં પ્રયોજાય છે. આજ તો બધાને ખુરશી જોઈએ છે.

કોઈને પણ જગ્યા ખાલી કરવી નથી. રાજકારણમાં ખુરશી માટે દાવપેચ ચાલતાં રહે છે. હાર પછી પણ ખુરશીનો મોહ છૂટતો નથી. સત્તાની ખુરશીનો મોહ કંઈ જુદો જ હોય! અરે, રાજકીય હોય કે સામાજિક, કૌટુંબિક, ધંધાકીય અને કલા-સાહિત્યમાં પણ આ રોગ લાગુ પડે છે. કુટુંબમાં દીકરાઓ ભણીગણીને તૈયાર થાય કે પિતાએ ધીરેધીરે ધંધાનું કામકાજ એમને સોંપવા માંડવું જોઈએ. સાસુએ ઘરનો કારભાર વહુને સોંપવો જોઈએ. ઘરનાં કારભાર હોય કે રાજકીય, સામાજિકમાં ખુરશી છોડવામાં પણ ગૌરવ હોવું જોઈએ. કોઈ ખુરશી ખેંચી લે ત્યાં સુધી રાહ ન જોવી જોઈએ. જો કે ખુરશી એટલે હુંપદ સમાયેલું હોઈ કોઈ છોડવા માગતું નથી.

સામાજિક કે રાજકીય પ્રસંગોમાં સ્ટેજની ખુરશીનો ભારે વટ જોવા મળે. કોઈક વખત તો સ્ટેજમાં ખુરશી ગોઠવવામાં જગ્યા ઘટી પડે! દરેકને સ્ટેજની ખુરશી જોઈએ! સમાજના સંગઠનમાં પણ કોઈએ જગ્યા છોડવી નથી. સૌ માને કે આપણે છીએ એટલે બધું ચાલે છે, હું નહિ હોઉં તો બધું બેસી જાય! આ માન્યતા ધરાવનાર, માનનારા સંખ્યાબંધ છે. હાલમાં વોટ્સએપમાં ફોરવર્ડ મેસેજમાં વાંચ્યું તે મુજબ: “સમાજના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેસવાની બે લાયકાત, રાજકીય હોદ્દો અને રૂપિયા.

આ કોઈ પણ સમાજની અધોગતિનાં મુખ્ય બે કારણો છે. લેખક, પત્રકાર, કવિ, ચિત્રકાર, શિક્ષક, પ્રોફેસર, વૈજ્ઞાનિક, સંગીતકાર, ગીતકાર, સંશોધનકાર જેવાં લોકો સ્ટેજ પર બેઠાં હશે તે દિવસે સમાજની દિશા અને દશા બદલાઈ જશે. ટૂંકમાં ખુરશી, સત્તા, જવાબદારી, અધિકાર બધું સમય, સંજોગ સાથે સમયસર બીજાને આપવું જોઈએ. જ્યારે આરામખુરશીની જરૂર હોય ત્યારે હુંપદ છોડવામાં સમજદારી છે. કોઈ ધક્કો મારે તે પહેલાં જગ્યાઓ ખાલી કરીને માન બચાવીએ, બીજું શું?
નવસારી   – કિશોર આર. ટંડેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top