હાલ બ્રિટનમાં એક નર્સને તે મૃત્ય પામે ત્યાં સુધી કેદની સજા સંભળાવવામાં આવી. આ સજા પામનાર નર્સે તેના કૃત્યો વડે ફક્ત બ્રિટન જ નહીં આખી દુનિયામાં ચર્ચા જગાડી હતી. તેણે એક-બે નહીં પણ છ જેટલા નવજાત શિશુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા જે બાળકો હોસ્પિટલમાં તેની દેખરેખ હેઠળ હતા. આમ તો આ કૃત્યો તેણે ૨૦૧૫ અને ૨૦૧૬ દરમ્યાન કર્યા હતા પરંતુ તેની જાણ થતા વાર લાગી ગઇ અને કેસ ઘણો મોડો ચાલ્યો પરંતુ છેવટે આ નર્સને સજા થઇ.
નર્સ લ્યુસી લેટબીને યુકેની એક અદાલતે સમગ્ર જીવન માટેની કેદની સજાનો આદેશ આપ્યો હતો જે ઉત્તર ઇંગ્લેન્ડની એક હોસ્પિટલમાં કામ કરતી વખતે સાત બાળકોની હત્યા માટે અને અન્ય ઓછામાં ઓછા છ બાળકોની હત્યાનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠરી હતી.જસ્ટિસ જેમ્સ ગોસે સમગ્ર જીવનની કેદની સજાનો આદેશ આપતી વખતે વહેલા છોડી મૂકવાની કોઇ પણ જોગવાઇઓ દૂર કરી હતી અને કહ્યું હતું કે તેના ગુનાઓનો અપવાદરૂપ ગંભીર પ્રકારનો અર્થ એ કે આ ૩૩ વર્ષીય યુવતિએ હવે તેનું બાકીનું જીવન સળિયાઓ પાછળ ગુજારવું પડશે.
લેટબી ગયા સપ્તાહે સાત નવજાત બાળકોની હત્યા બદલ દોષિત ઠરી હતી અને અન્ય છ બાળકોની હત્યાના પ્રયાસ બદલ પણ દોષિત જણાઇ હતી. તેને સજા કરતી વખતે ટિપ્પણીમાં જજે કહ્યું હતું કે તેં બાળકોના ઉછેર અને સંભાળના સામાન્ય માનવીના સ્વભાવથી તદ્દન વિપરીત કાર્ય કર્યું છે અને જે નાગરિકોએ તારામાં વિશ્વાસ મૂક્યો હતો તેનો તેં ભંગ કર્યો છે. જજે ચુકાદો આપતી વખતે વ્યક્ત કરેલો રોષ વાજબી છે. લોકોએ વિશ્વાસપૂર્વક જેને પોતાના બાળકો સંભાળ કે સારવાર માટે સોંપ્યા હોય તે જ વ્યક્તિ અને તે પણ નર્સ આ બાળકોની હત્યા કરે તે ખરેખર ખૂબ જ આઘાત જનક અને ઘૃણાને પાત્ર છે. ગત શુક્રવારે દસ મહિનાની ટ્રાયલ પછી જ્યુરીએ આ નર્સને દોષિત ઠરાવી હતી અને તે પછી સોમવારે તેને સજા સંભળાવવામાં આવી હતી, જો કે તે સમયે તે પોતે અદાલતમાં હાજર રહી ન હતી.
ભારતીય મૂળના તબીબ ડો. રવિ જયરામ અને તેમના સાથીદારોએ આ નર્સની વર્તણૂક અંગે ચેતવણી ઉચ્ચારી હતી અને પછી આ પ્રકરણ બહાર આવ્યું હતું. આ નર્સે કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલમાં નવજાત બાળકોના યુનિટમાં ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે આ કૃત્યો કર્યા હતા. લેટબી બ્રિટનના ઇતિહાસમાં એક વધુ સિરિયલ કિલર તરીકે નોંધાઇ ગઇ છે અને જેને મૃત્યુ સુધીની કેદની સજા થઇ હોય તેવી માત્ર ચોથી મહિલા બની છે. આ નર્સે આ હત્યાઓ કેમ કરી તે બાબતે હજી કોઇ સંપૂર્ણ સ્પષ્ટતા મળી નથી. તે પોતે તો કંઇ ફોડ પાડતી જ નથી.
કેટલાક નિષ્ણાતોએ અને તપાસકર્તાઓએ બાળકોની કરવામાં આવેલી હત્યાઓ અંગેના સંભવિત કારણો જ્યુરીના સભ્યોને જણાવ્યા હતા જેમાં એક એ હતું કે આ નર્સ હોસ્પિટલના એક ડોકટરને મૂર્ખામીભરી રીતે ચાહતી હતી અને તે ડોકટરની સહાનુભૂતિ મેળવવા તેણે આ બાળકોની હત્યા કરી હોઇ શકે. તેની સારવાર હેઠળના બાળકનું મૃત્યુ થાય એટલે તે ડોકટર તરફથી તેને સહાનુભૂતિના શબ્દો સાંભળવા મળે તેવી તેની ગણતરી હશે! જો ખરેખર આવું હોય તો આ મૂર્ખાઇની હદ છે. એક તપાસકર્તાએ એમ જણાવ્યું છે કે આ નર્સ પોતે ઇશ્વરની જેમ પોતે કોઇનો જીવ લઇ શકે છે એમ સાબિત કરવા આવુ કરતી હોવાની પણ શક્યતા છે, એક વાર એ પ્રકારનું ઉચ્ચારણ પણ તેણે કર્યું હોવાનું જણાયું છે.
પોલીસને તેના ઘરમાંથી મળેલી એક નોંધમાં તેણે લખ્યું છે કે હું શેતાન છું અને આ બધું મેં કર્યું છે. તેણે અન્ય નોટમાં એમ પણ લખ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવાની નથી અને મા બનવાની નથી. દેખીતી રીતે તે માનસિક રીતે કંઇક વ્યગ્ર હોય તેવું જણાય છે. તે બિમાર બાળકોની સંભાળ રાખવાના કાર્યથી કંટાળતી હતી. તેની માનસિક સ્થિતિ ઉપરથી ભલે બરાબર દેખાતી હોય પણ અંદરથી તે અસ્થિર હોય તેવી પૂરી શક્યતા છે અને તેથી જ કેટલાક નિષ્ણાતોએ તેના વિભાગના મેનેજરો વગેરે સામે પણ કામ ચલાવવા માગ કરી છે કે જેમણે આટલા બાળકોના રહસ્યમય મોત છતાં પણ તે તરફ ધ્યાન આપ્યું જ નહીં. ગમે તે હોય પરંતુ આ આખું પ્રકરણ ખૂબ આઘાત જનક છે અને એટલું જ રહસ્યજનક પણ છે. એમ જાણવા મળે છે કે બ્રિટનની અનેક હોસ્પિટલોના નવજાત બાળકોના વિભાગની નર્સો પણ આ પ્રકરણથી ગભરાઇ ગઇ છે અને તેમાની કેટલીક નર્સોનું કાઉન્સેલિંગ કરવું પડે તેવી સ્થિતિ છે.