Comments

કરિયાણાની દુકાનથી ક્વિક કોમર્સ તરફ બદલાતું બજારનું દૃશ્ય

ડિજીટલ ટેકનોલોજીના ઝડપી વિકાસને લગભગ દરેક વ્યક્તિના હાથમાં આવી ગયેલા મોબાઈલ ફોનને કારણે ‘પ્લેટફોર્મ અર્થતંત્ર’નો પણ ઝડપથી વિકાસ થયો. શહેરી વિસ્તારમાં ઘણી મોટી વસ્તી હવે ફોનની એપ દ્વારા ઘરે બેઠા ખરીદી કરે છે. ઘરમાં બેઠાં બેઠાં ખરીદવાની સગવડ લોકોને પસંદ પડી રહી છે એટલે એની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. બ્લીન્કીટ, ઝેપ્ટો, બીગબાસ્કેટ, મિલ્ક બાસ્કેટ, એમેઝોન ફ્રેશ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે જે કરિયાણા અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ દસ-પંદર મીનીટમાં ઘરે પહોંચાડવા માટે એકબીજા સાથે કટ્ટર સ્પર્ધામાં છે.

એક અંદાજ પ્રમાણે ૨૦૨૩-૨૪માં ક્વિક કોમર્સ (ગ્રાહક સુધી ઝડપથી વસ્તુ પહોંચાડવી) તરીકે ઓળખાતા આ વ્યવસાયની વૃદ્ધિનો દર સિત્તેર ટકાથી પણ વધુ નોંધાયો હતો! રિલાયન્સના ત્રીજા ક્વાર્ટરના રીપોર્ટ પ્રમાણે ગયા જીયોમાર્ટના દૈનિક ઓર્ડરમાં પાછલા કવાર્ટરમાં ૫૩ ટકાની વૃદ્ધિ અને પાછલા વર્ષમાં ૩૬૦ ટકાની વૃદ્ધિ થઇ છે! જીયોમાર્ટને ૧.૬ મિલિયન ઓર્ડર સાથે બીજા ક્રમ પર છે જ્યારે બ્લીન્કઈટ ૨.૪ મિલિયન ઓર્ડર સાથે પહેલા ક્રમ પર છે.

ભારતમાં કરિયાણાનો ધંધો સામાન્ય રીતે નાના દુકાનદારોના હાથમાં હતો, જે સ્પર્ધાત્મક હતો. સુપર માર્કેટના આવ્યા પછી એમની સામે સ્પર્ધા ઊભી થઇ હતી પણ મોટો ખતરો ઊભો નહોતો થયો. પણ, હવે ટેકનોલોજીના ઉપયોગથી ઊભા થયેલ ક્વિક કોમર્સ પ્લેટફોર્મની વધતી લોકપ્રિયતાએ બજારનો પ્રકાર બદલી નાખ્યો છે. સ્થાનિક કરિયાણાની દુકાનોનો બજારનો હિસ્સો ૨૦૧૮થી ૨૦૨૩ ના માત્ર પાંચ વર્ષના ગાળામાં ૯૫ ટકાથી ઘટીને ૯૨ ટકા થયો છે, જે ૨૦૨૮ સુધી ઘટીને ૮૯ ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. ૨૦૨૩-૨૮ વચ્ચે ક્વિક કોમર્સનો વૃદ્ધિ દર ૪૮ ટકા જેટલો રહેવાનો અંદાજ છે. આ જોતાં તો ગલીના નાકે આવેલા કરિયાણાની દુકાનોને બંધ થવાની નોબત દૂર નથી.

ક્વિક કોમર્સ પ્લેટફોર્મ જે ભારે ડિસ્કાઉન્ટ આપે છે, બ્રાન્ડનું વૈવિધ્ય આપે છે અને ડાર્કસ્ટોરમાં મોટું રોકાણ કરીને દસ મીનીટમાં ઘરે પહોંચાડવાની સુવિધા આપે છે એની સામે સ્પર્ધામાં ટકી રહેવું નાના દુકાનદારો માટે શક્ય નથી. ખૂબ ઝડપથી આ વ્યવસાય નાના સ્થાનિક ઉદ્યોગ સાહસિકોના હાથમાંથી સરકીને મુઠ્ઠીભર મોટી ઓલોગોપોલી કંપનીઓના હાથમાં જઈ રહ્યો છે જેઓ વેન્ચર કેપિટાલિસ્ટના રોકાણના જોર પર ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપી માર્કેટ તોડી રહ્યા છે. છૂટક દુકાનોના એસોસીએશનના કહેવા પ્રમાણે નાની કિરાણાની દુકાનોને આ મોટી ક્વિક કોમર્સ કંપની હવે ગીગ તરીકે જોડી રહી છે – એટલે કે એમની નજીકના વિસ્તારના ઓર્ડર એમણે ગ્રાહક સુધી પહોંચાડવાનો! એટલે નાનો ઉદ્યોગ સાહસિક હવે ગીગમાં બદલાઈ શકે છે!

કોઈ પૂછી aશકે કે એમાં વાંધો શું કામ હોવો જોઈએ? દુકાન બંધ થાય એના બદલામાં ગીગ કામદાર તરીકેનો રોજગાર તો ઊભો થાય જ છે. સાચી વાત. આમેય પાછલા દાયકા પર નજર કરીએ તો સૌથી વધુ રોજગાર પણ ગીગ કામદાર તરીકે જ ઊભો થયો છે. પણ, રોજગારની ગુણવત્તા પણ ચકાસવી પડે. ગીગ કામદારને કોઈ કાયમી રોજગાર નથી મળતો. એ તો ટૂંકા ગાળા માટે ભાડે રાખેલા સ્વતંત્ર કાર્યકર છે. એમને નથી કોઈ રજા મળતી કે નથી મળતો આરામ કે નથી મળતું કોઈ સામાજિક સુરક્ષાનું કવચ. જેટલા આંટાફેરા વધારે એટલી આવક વધારે. એક અઠવાડિયામાં આશરે ૫૧ થી ૯૫ કલાક કામ કરે છે! કલાકના સરેરાશ ૧૭૦ રૂપિયાની કમાણી થાય, એમાંથી પેટ્રોલનો ખર્ચ બાદ કરો તો લગભગ ૧૧૫ રૂપિયા હાથમાં બચે. કામના કલાકની ગણતરી કેવી રીતે થાય એ પણ સમજવા જેવું છે.

પ્લેટફોર્મનો માલિક કામના કલાકનો હિસાબ માંડશે જ્યારે કોઈ ગ્રાહક એની સિસ્ટમમાં કોઈ લોગ-ઇન કરીને ઓર્ડર મૂકે ત્યારથી લઈને ગીગ ઓર્ડરને ગ્રાહકના દરવાજા સુધી પહોંચાડે ત્યાં સુધી. પણ, કોઈ ગીગને પૂછો તો એમના હિસાબે કામના કલાક બહુ લાંબા છે. કારણકે, ઓર્ડર મળવા પહેલાં પણ ડાર્ક સ્ટોર બહાર રાહ જોવી પડતી હોય છે. અજાણ્યા વિસ્તારમાં ઘર કે પાર્કિંગ શોધવામાં સમય જતો હોય છે. આ સમય પ્લેટફોર્મના કામનો અગત્યનો ભાગ છે. છતાં એ કામના કલાકની ગણતરીમાંથી અદૃશ્ય રહે છે. ઓર્ડર આવે ત્યારે કોઈ ડીલીવરી બોય હાજર નહિ હોય તો દસ મીનીટમાં ગ્રાહક સુધી કેવી રીતે પહોંચી શકાય? સાંકડી ગલીઓમાં ખીચોખીચ ઊભા થઇ ગયેલાં મકાનો સુધી પહોંચવામાં જે પાર્કિંગ સમસ્યા નડે છે એનો બોજો પણ ગીગ પર જ છે.

વળી, ઝડપથી ગ્રાહક સુધી પહોંચવાની હોડમાં આપણાં શહેરોના જોખમી રસ્તાઓ પર ઝડપથી વાહન ચાલવવાનું જોખમ પણ એમના જ માથે હોય છે. સસ્તામાં દોડાદોડી કરવા મળી રહેતા ગીગ કામદારોના આધારે આ ક્વિક કોમર્સનો ધંધો વિકસી રહ્યો છે. એટલે જ તો ડિસેમ્બર મહિનામાં આખા દેશના ગીગ કામદારોએ હડતાળ પાડી હતી, જેમાં શ્રમ મંત્રીના હસ્તક્ષેપથી બ્લીન્કીટ જેવી કંપની હવે દસ મીનીટમાં સામાન પહોંચાડવાની બાંહેધરી નથી આપતી. ગ્રાહકને ખુશ રાખવાની સ્પર્ધામાં ભારતીય અર્થતંત્રના એક સ્પર્ધાત્મક બજારમાં ઝડપથી કેન્દ્રીકરણ થઇ રહ્યું છે, જેનો ભાર ગીગ કામદારોના ખભે વધી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top